<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

તમિલનાડુમાં મિલકત નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ: ૧૭ ઓગસ્ટથી પ્લોટ અને ફ્લેટના પ્રથમ વેચાણ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત

​સબ-રજિસ્ટ્રાર કચેરીએ જવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ: આધાર-આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા ઘરે બેઠા થશે દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન, પારદર્શિતા વધારવા માટે સરકારનો મોટો નિર્ણય

​ચેન્નાઈ: તમિલનાડુ સરકાર દ્વારા રાજ્યમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાના હેતુથી એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વાણિજ્ય કર અને નોંધણી મંત્રી ડી. લોગેશ તમિલસેલ્વને મંગળવારે સત્તાવાર જાહેરાત કરી હતી કે, આગામી ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬થી રાજ્યમાં મિલકતની નોંધણી માટેની ‘એનીવેર રજિસ્ટ્રેશન’ (Anywhere Registration) સિસ્ટમ અમલમાં આવશે. આ નવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થા હેઠળ, હવે જમીનના પ્લોટ અને એપાર્ટમેન્ટના પ્રથમ વેચાણ માટે સબ-રજિસ્ટ્રાર કચેરીએ રૂબરૂ જવાની જરૂર રહેશે નહીં.

​શું છે નવી ઓનલાઇન વ્યવસ્થા?

સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ, બિલ્ડરો અને જમીન ડેવલપર્સને નોંધણી વિભાગના પોર્ટલ પર વિશેષ લોગિન આઈડી આપવામાં આવશે. આ આઈડી દ્વારા તેઓ કોઈપણ સમયે અને ગમે ત્યાંથી વેચાણના દસ્તાવેજો ઓનલાઇન સબમિટ કરી શકશે. આ પ્રક્રિયામાં સંપૂર્ણપણે પેપરલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જેનાથી ભ્રષ્ટાચાર પર અંકુશ આવશે અને વચેડિયાઓની ભૂમિકા સંપૂર્ણપણે નાબૂદ થશે.

​કેવી રીતે કામ કરશે ડિજિટલ પ્રક્રિયા?

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે ખરીદનાર, વેચનાર અને સાક્ષીઓએ તેમના આધાર કાર્ડની વિગતો પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. વ્યક્તિની ઓળખની ખાતરી કરવા માટે UIDAI દ્વારા માન્ય ફિંગરપ્રિન્ટ અથવા આઈરિસ (આંખના સ્કેન) સ્કેનરનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, વેબકેમ દ્વારા ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવશે. તમામ જરૂરી માહિતી અને દસ્તાવેજો ઓનલાઇન સબમિટ કર્યા બાદ પેમેન્ટ પણ ડિજિટલ માધ્યમથી કરવાનું રહેશે.

​સબ-રજિસ્ટ્રારની મંજૂરી બાદ ડાઉનલોડ કરી શકાશે દસ્તાવેજો

એકવાર દસ્તાવેજો સબમિટ થયા પછી, સબ-રજિસ્ટ્રાર દ્વારા તેની ઓનલાઇન ચકાસણી કરવામાં આવશે. જો કોઈ વધારાની માહિતીની જરૂર જણાશે, તો અરજદારને ઓનલાઇન જાણ કરવામાં આવશે અને તેઓ ૩૦ દિવસની અંદર તેનો જવાબ આપી શકશે. મંજૂરી મળ્યા પછી, ડિજિટલ હસ્તાક્ષરવાળા રજિસ્ટર્ડ દસ્તાવેજો અને ફીની પહોંચ તે જ દિવસે અથવા બીજા જ કાર્યકારી દિવસે ઓનલાઇન ઉપલબ્ધ થશે, જેને અરજદારો ૬૦ દિવસ સુધી ગમે ત્યારે ડાઉનલોડ કરી શકશે.

​સરકારનું લક્ષ્ય અને સુવિધાઓ

આ નવી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રજિસ્ટ્રાર કચેરીઓમાં ભીડ ઘટાડવાનો છે. અંદાજ મુજબ, આ સિસ્ટમ લાગુ થવાથી પ્રથમ તબક્કામાં જ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં આવતા લોકોની સંખ્યામાં ૩૦ ટકા જેટલો ઘટાડો થશે. નોંધણી વિભાગે આ પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓના નિવારણ માટે એક સમર્પિત હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવાનું આયોજન કર્યું છે. આ ઉપરાંત, રજિસ્ટ્રેશન વિભાગ મહેસૂલ વિભાગ સાથે મળીને કામ કરી રહ્યું છે જેથી મિલકત નોંધાયા બાદ તરત જ પટ્ટા ટ્રાન્સફર અને નામ ફેરફારની પ્રક્રિયા પણ આપમેળે શરૂ થઈ શકે.

​આ સિસ્ટમ 'સિમ્પ્લીફાઈડ એન્ડ ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન ઓફ રજિસ્ટ્રેશન' (STAR 3.0) પ્રોજેક્ટનો એક ભાગ છે, જે રાજ્યમાં ડિજિટલ ગવર્નન્સને નવી ઊંચાઈઓ પર લઈ જશે. મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે આ સુધારાઓ દ્વારા રાજ્ય સરકાર ૩૧,૦૦૦ કરોડ રૂપિયાની આવકનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહી છે.

(1:51 PM IST)