<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

TVS પરિવારમાં સંપત્તિનો જંગઃ પુત્રી લક્ષ્મી વેણુએ પિતા પાસે માંગ્‍યો સમાન હિસ્‍સો

પિતાની સંપત્તિમાં સમાન હિસ્‍સા માટે લક્ષ્મી વેણુની કાનૂની લડત

મુંબઇ તા.૧૭: દેશના જાણીતા ઉદ્યોગપતિ પરિવાર TVSમાં સંપત્તિની વહેંચણીને લઈને વિવાદ હવે વધુ ઘેરો બન્‍યો છે. TVS ગ્રુપના દિગ્‍ગજ ઉદ્યોગપતિ વેણુ શ્રીનિવાસનની પુત્રી લક્ષ્મી વેણુએ પિતાની શાખા સાથે જોડાયેલી સંયુક્‍ત પારિવારિક સંપત્તિમાં સમાન હિસ્‍સાની માંગણી કરી છે. આ માટે તેમણે પિતાને કાનૂની નોટિસ પણ મોકલી છે. ખાસ વાત એ છે કે આ વિવાદમાં લક્ષ્મીની માતા મલ્‍લિકા શ્રીનિવાસને પણ પુત્રીના હકનું ખુલ્‍લેઆમ સમર્થન કર્યું છે.

TVS પરિવારમાં ચાલી રહેલો સંપત્તિ વિવાદ હવે કાનૂની દિશામાં આગળ વધી રહ્યો છે. લક્ષ્મી વેણુએ તેમના પિતા વેણુ શ્રીનિવાસનને નોટિસ પાઠવીને પારિવારિક સંપત્તિનું કાયદેસર અને ન્‍યાયી વિભાજન કરવાની માંગ કરી છે.

લક્ષ્મીનું કહેવું છે કે પરિવારના વડા તરીકે વેણુ શ્રીનિવાસને તમામ સભ્‍યોના અધિકારોનું ધ્‍યાન રાખીને સંપત્તિની વહેંચણી કરવી જોઈએ. તેમના મતે, પારિવારિક સંપત્તિમાં પુત્રી હોવાના કારણે તેમના અધિકારોને અવગણી શકાય નહીં.

લક્ષ્મી વેણુએ પોતાની કાનૂની નોટિસમાં હિન્‍દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ અને વર્ષ ૨૦૦૫માં કરવામાં આવેલા સુધારાનો આધાર લીધો છે.

આ કાયદાની કલમ ૬ મુજબ, મિતાક્ષરા સંયુક્‍ત હિન્‍દુ પરિવારમાં પુત્રીઓને પણ પુત્રોની જેમ જન્‍મથી સહદાયિક (Coparcener) અધિકારો મળે છે. એટલે કે કાયદાની શરતોને આધીન રહીને પુત્રી પણ પૂર્વજોની સંયુક્‍ત સંપત્તિમાં સમાન હિસ્‍સાની હકદાર બની શકે છે અને ભાગલાની માંગ કરી શકે છે.

લક્ષ્મીએ આ જોગવાઈના આધારે TVS પરિવારની સંયુક્‍ત સંપત્તિમાં પોતાનો કાયદેસર હિસ્‍સો માગ્‍યો છે.

TVS મોટર સહિત અનેક કંપનીઓમાં હિસ્‍સાનો મુદ્દો

લક્ષ્મીની માંગ માત્ર રોકડ કે વ્‍યક્‍તિગત મિલકત પૂરતી મર્યાદિત નથી. તેમના દાવામાં VS ટ્રસ્‍ટ અને અન્‍ય હોલ્‍ડિંગ સંસ્‍થાઓ મારફતે રાખવામાં આવેલા પારિવારિક હિતોનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત વર્ષ ૨૦૨૦માં થયેલી TVS પરિવારની સમજૂતી હેઠળ વેણુ શ્રીનિવાસનની શાખાને ફાળવવામાં આવેલા વ્‍યવસાયો અને સંપત્તિઓ પણ આ વિવાદના કેન્‍દ્રમાં છે.

પિતાને કાનૂની નોટિસ મોકલ્‍યા બાદ પણ લક્ષ્મી વેણુએ પરિવાર સાથે સૌહાર્દપૂર્ણ રીતે મામલો ઉકેલવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી છે. તેમનું કહેવું છે કે સંપત્તિની વહેંચણી એવી રીતે થવી જોઈએ કે પરિવારના દરેક સભ્‍યના કાયદેસરના અધિકારો અને સન્‍માન જળવાઈ રહે.

હવે જોવાનું એ રહેશે કે TVS પરિવાર આ વિવાદનો આંતરિક સમજૂતીથી ઉકેલ લાવે છે કે પછી મામલો વધુ આગળ કાનૂની લડાઈનું સ્‍વરૂપ ધારણ કરે છે. દેશના અગ્રણી ઔદ્યોગિક પરિવારોમાંના એક TVS પરિવારનો આ વિવાદ હવે ઉદ્યોગજગતની નજરમાં પણ ચર્ચાનો વિષય બન્‍યો છે.

(11:01 AM IST)