News of Tuesday, 3rd November 2026
પ્રદર્શનકારી જાહેર સ્થળનો અનિશ્ચિત મુદત માટે કબ્જો લઇ ન શકે
સુપ્રિમ કોર્ટની સ્પષ્ટ વાતઃ ધરણા-પ્રદર્શનને લઇને આકરી ટિપ્પણીઃ વિરોધ કરવાનો પણ અધિકાર છે અને વેપાર કરવાનો - પણ : એક નક્કી કરેલા સમય માટે અને એક નક્કી કરેલા ગાળા માટેની પરવાનગી હોવી જોઇએઃ દરેકને ન્યાય મળવો જોઇએ

નવી દિલ્હી, તા.૩: દેશની રાજધાનીના મધ્ય દિલ્હી વિસ્તારમાં સતત ચાલતા આંદોલનો, ધરણા અને વિરોધ પ્રદર્શનોને કારણે સામાન્ય જનજીવન અને વેપાર-રોજગારને પહોંચી રહેલા ગંભીર નુકસાન અંગે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. દિલ્હીના વેપારી મંડળ ‘કિરાણા સમિતિ' દ્વારા તહેવારોની મોસમમાં મધ્ય દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિરોધ કરવાનો અધિકાર દરેક નાગરિકને છે, પરંતુ કોઈ પણ જૂથ અનિશ્ચિત સમય માટે જાહેર સ્થળ પર કબજો જમાવી શકે નહીં. કોર્ટે ઉમેર્યું હતું કે વિરોધ માટેના નિર્ધારિત સ્થળો ચોક્કસ સમયમર્યાદા માટે હોવા જોઈએ અને અન્ય પ્રદર્શનકારીઓ તથા સ્થાનિક નાગરિકોના હકોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી જવાબ માગ્યો છે.
સુનાવણી દરમિયાન દિલ્હીના તમામ ટ્રેડ યુનિયનોનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ અદાલત સમક્ષ વેપારીઓની દુર્દશા વર્ણવતા જણાવ્યું હતું કે જંતર-મંતર અને રામલીલા મેદાન જેવા વિસ્તારોની આસપાસ લગભગ ૫૦ લાખ લોકો વસે છે અને નજીકમાં જ હોસ્પિટલો આવેલી છે. વિરોધ પ્રદર્શનોના કારણે કનોટ પ્લેસ (CP) સહિતના વિસ્તારોની તમામ દુકાનો બંધ પડી છે અને તહેવારોની મોસમમાં જ વેચાણ ઠપ થઈ જતાં વેપારીઓને આશરે રૂ. ૨,૦૦૦ કરોડનું જંગી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમણે આ સમસ્યાના કાયમી અને નાવીન્યસભર ઉકેલ માટે માસ્ટર પ્લાન બનાવવાની વિનંતી કરી હતી. બીજી તરફ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે ૨૦ જુલાઈના રોજ માત્ર એક દિવસની મંજૂરી હોવા છતાં પ્રદર્શનકારીઓએ જગ્યા ખાલી કરી ન હતી અને સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ચલાવી લેવાય નહીં.
આ સુનાવણી દરમિયાન પ્રદર્શનકારીઓ પર રખાતી નજર અને ટેકનોલોજીના ઉપયોગ અંગે પણ ધારદાર કાનૂની જંગ ખેલાયો હતો. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેર (ચહેરાની ઓળખ કરતી ટેકનોલોજી)ના ગેરકાયદેસર ઉપયોગનો મુદ્દો ઉઠાવી સરકારી દેખરેખ અને ડેટા સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા. તેના વળતા જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સણસણતો પ્રહાર કરતા કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનમાં ૫૦૦ થી ૬૦૦ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ વિડિયો બનાવી રહ્યા છે અને જાહેર સ્થળે પ્રદર્શન કરતી વખતે ગોપનીયતા (પ્રાઇવસી)નો દાવો કરી શકાય નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે જાહેર સુરક્ષા અર્થે તમામ નિર્ધારિત પ્રોટેસ્ટ સાઇટ્સ પર સીસીટીવી સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલતે બંને પક્ષોની દલીલો નોંધ લઈ ગરીબ વેપારીઓ અને શેરી વિક્રેતાઓની આજીવિકા ન છીનવાય તેવો સંતુલિત રસ્તો કાઢવા તરફ નિર્દેશ આપ્યા છે.(૨૩.૧૮)
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
