News of Saturday, 12th September 2026
ભારતીય અર્થતંત્ર માટે ગૌરવપૂર્ણ ક્ષણ: માત્ર એક જ અઠવાડિયામાં રેકોર્ડ ૪૪.૯ અબજ ડોલરના જંગી પ્રવાહ સાથે ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો વિદેશી મુદ્રા ભંડાર ધરાવતો દેશ બન્યો
આરબીઆઈ (RBI) ની વિશેષ 'સ્વેપ વિન્ડો' અને FCNR (B) ડિપોઝિટ સ્કીમના કારણે ફોરેક્સ રિઝર્વ વધીને ૭૮૫.૭ અબજ ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું: રશિયાને પાછળ છોડીને ભારત વૈશ્વિક સ્તરે મોખરે

નવી દિલ્હી : ભારતીય અર્થવ્યવસ્થા અને નાણાકીય ક્ષેત્ર માટે એક અત્યંત ઉત્સાહવર્ધક અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની રાહતદારી 'સ્વેપ વિન્ડો' (ખાસ કરીને FCNR (B) - ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ ડિપોઝિટ સ્કીમ) હેઠળ વિદેશી ડોલરના મજબૂત અને સતત પ્રવાહને કારણે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં (Foreign Exchange Reserves) અત્યાર સુધીનો સૌથી મોટો સાપ્તાહિક વધારો નોંધાયો છે. પ્રાપ્ત સત્તાવાર આંકડાઓ અનુસાર, ૪ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં જ દેશનું ફોરેક્સ રિઝર્વ જંગી ૪૪.૯ અબજ ડોલર વધીને સીધું રેકોર્ડ ૭૮૫.૭ અબજ ડોલરની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયું છે.
આ અદભુત ઉછાળાને પગલે ભારત હવે રશિયાને પાછળ છોડીને ચીન, જાપાન અને સ્વિત્ઝર્લેન્ડ પછી વિશ્વનો ચોથો સૌથી મોટો વિદેશી મુદ્રા ભંડાર ધરાવતો દેશ બની ગયો છે. અગાઉ ૨૮ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં કુલ ભંડાર ૭૪૦ અબજ ડોલરના ઉચ્ચ સ્તરે હતો, જેમાં માત્ર સાત જ દિવસમાં મોટો વધારો થયો છે. આરબીઆઈના તાજેતરના ડેટા મુજબ, વિદેશી મુદ્રા સંપત્તિ (જે ફોરેક્સ રિઝર્વનો મુખ્ય હિસ્સો છે) ૪ સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન ૪૭.૫ અબજ ડોલર વધીને ૬૪૮.૧૭ અબજ ડોલર પર પહોંચી ગઈ છે. ૩૧ ઓગસ્ટ સુધીમાં RBIના અસાધારણ સ્વેપ કામગીરી દ્વારા કુલ ૧૩૬.૪ બિલિયન ડોલરનો વિદેશી ચલણ પ્રવાહ એકત્રિત કરવામાં આવ્યો હતો, જેણે દેશના નાણાકીય અનામતને અત્યંત મજબૂત સ્થિતિ પ્રદાન કરી છે.
એક તરફ વિદેશી મુદ્રા ભંડાર નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે, તો બીજી તરફ વૈશ્વિક પરિબળો અને ક્રૂડ ઓઈલના વધતા ભાવોને કારણે ભારતીય રૂપિયો હજુ પણ દબાણ હેઠળ જોવા મળ્યો છે. શુક્રવારે ક્રૂડ ઓઈલની કિંમતો અને યુએસ ટ્રેઝરી યીલ્ડના દબાણને કારણે રૂપિયો ગગડીને ડાલર સામે ૯૫.૫૬ ના સ્તરે બંધ થયો હતો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર પણ ભારતીય ચલણ પર જોવા મળી છે, છતાં આરબીઆઈના સમયસરના હસ્તક્ષેપથી ઘટાડાને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી છે. બજારના નિષ્ણાતો અને વિશ્લેષકો અપેક્ષા રાખી રહ્યા છે કે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા સુધીમાં વિદેશી ચલણનો પ્રવાહ ચાલુ રહેશે અને વિદેશી ચલણ સંપત્તિ ૬૫૫ બિલિયન ડોલરનો આંકડો વટાવી જશે, જે ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને સ્થિરતાની સાક્ષી પૂરે છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
