<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

મોંઘવારી સામે ફ્રાન્સમાં જનઆક્રોશ ફાટી નીકળ્યો: 3.20 લાખ લોકો રસ્તા પર ઉતર્યા

પેરિસ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન, પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ

પેરિસ: ફ્રાન્સમાં વધતી મોંઘવારી, ઈંધણના ઊંચા ભાવ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ખર્ચ સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. શનિવારે દેશભરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનોમાં સરકારી આંકડા મુજબ આશરે 3.20 લાખ લોકોએ ભાગ લીધો હતો.

 

પેરિસમાં જ લગભગ 70 હજાર લોકો રસ્તા પર ઉતર્યા હતા. શરૂઆતમાં શાંતિપૂર્ણ રહેલા પ્રદર્શનોના અંતે કેટલાક સ્થળોએ દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી.

 

પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને કેટલાક સ્થળોએ બળપ્રયોગ પણ કર્યો હતો. ફ્રાન્સના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાંથી 290થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

 

આંદોલનમાં વિદ્યાર્થીઓ, મજૂર સંગઠનો અને યલો વેસ્ટ ચળવળ સાથે જોડાયેલા લોકો પણ સામેલ થયા હતા. વિદ્યાર્થીઓએ શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ, શાળાઓમાં સુવિધાઓનો અભાવ અને રોજગાર સંબંધિત પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.

 

ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં સતત ત્રીજા સપ્તાહે વિરોધ પ્રદર્શનો યોજાયા છે. સરકાર સામે લોકોનો રોષ વધતાં આગામી દિવસોમાં પણ આંદોલન ચાલુ રહેવાની શક્યતા છે.

(2:50 PM IST)