<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

એલિફન્ટા ગુફાની 'અર્ધનારીશ્વર' પ્રતિમા દ્વારા રાહુલ ગાંધીનો ભાજપ-RSS પર પ્રહાર: આધ્યાત્મિક પરંપરાની સમજણ પર ગરમાયું રાજકારણ!

સોનિયા ગાંધીના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' ના વિમોચન બાદ શરૂ થયેલા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ શેર કરી શિવ-પાર્વતીના સંયુક્ત સ્વરૂપની તસવીર : ભાજપ અને સંઘને ગણાવ્યા આધ્યાત્મિક પરંપરાથી અજાણ

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર મુંબઈ નજીક એલિફન્ટા ગુફાઓમાં આવેલી છઠ્ઠી સદીની પ્રાચીન 'અર્ધનારીશ્વર' પ્રતિમાનો ફોટો શેર કરીને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીના આ સંયુક્ત સ્વરૂપની તસવીર મૂકીને રાહુલે દાવો કર્યો કે તેઓ જેમ-જેમ ભારતીય આધ્યાત્મિક અને ધાર્મિક પરંપરાઓમાં ઊંડા ઉતરે છે, તેમ-તેમ એ સ્પષ્ટ થાય છે કે ભાજપ અને RSS ને આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓની બિલકુલ સમજ નથી. અર્ધનારીશ્વર સ્વરૂપને સર્જનમાં પુરુષ અને સ્ત્રી તત્વોની સમાનતા તથા અવિભાજ્યતાનું પ્રતીક માનવામાં આવે છે, જેના સંદર્ભમાં રાહુલ ગાંધીએ વિરોધી સંગઠનો પર આકરી ટીકા કરી હતી.

રાહુલ ગાંધીની આ તાજેતરની પોસ્ટ તેમની માતા સોનિયા ગાંધીના સંસ્મરણ "બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ" ના વિમોચન કાર્યક્રમ દરમિયાન આપેલા નિવેદન બાદ સર્જાયેલા રાજકીય વિવાદની કડીરૂપ માનવામાં આવે છે. ગયા સોમવારે યોજાયેલા કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ બાળપણના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે ભોજન સમયે તેમની માતા ઘણીવાર તેમના પિતા રાજીવ ગાંધીના ખોળામાં બેસતી હતી, જે બાબત તેમને સામાન્ય લાગતી હતી. તેમણે દાદી ઇન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરીને પરિવારે સહન કરેલા દુ:ખની પણ વાત કરી હતી. આ નિવેદન પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા સહિતના ભાજપ નેતાઓએ કટાક્ષ કરતા રાજકીય ઘમાસાણ શરૂ થયું હતું, જ્યારે કોંગ્રેસે તેને પ્રેમ અને સંબંધોમાં સમાનતા અંગેનો સંવાદ ગણાવી બચાવ કર્યો હતો.

આ સમગ્ર વિવાદ દરમિયાન અગાઉ પણ રાહુલ ગાંધીએ ૧૨મી સદીની એક મંદિરની પ્રતિમાનો ફોટો શેર કર્યો હતો, જેમાં દેવી પાર્વતી ભગવાન શિવના ખોળામાં બેઠેલા દર્શાવાયા હતા. ત્યારે તેમણે લખ્યું હતું કે ભાજપ અને RSS સમર્થકોના હૃદયમાં ભય, ગુસ્સો અને નફરતનું જાળું વણાયેલું છે, જે તેમને પ્રેમ અને સંબંધોની સુંદરતા અનુભવતા અટકાવે છે, અને એક સાચા હિન્દુ તરીકે તેમને આ જાળામાંથી મુક્ત કરવું તેમની ફરજ છે. હવે એલિફન્ટા ગુફાની અર્ધનારીશ્વર પ્રતિમા શેર કરીને તેમણે ફરી એકવાર ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાઓના અર્થઘટન પર નવો રાજકીય વિવાદ છેડી દીધો છે.

(7:24 PM IST)