તા. ૧૫ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૬ રવિવાર
News of Sunday, 15th November 2026
રેલવેની દાયકાઓ જૂની ટિકિટ રિઝર્વેશન વ્યવસ્થામાં મોટો ફેરફાર થઈ શકે: આરએસી સિસ્ટમ બંધ કરવાની શક્યતા
જો આ વ્યવસ્થામાં ફેરફાર થાય તો મુસાફરોને ટિકિટ બુકિંગ સમયે કન્ફર્મ બર્થ અથવા વેઈટિંગ લિસ્ટ જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે

મુંબઈ: ભારતીય રેલવેની દાયકાઓ જૂની ટિકિટ રિઝર્વેશન વ્યવસ્થામાં મોટો ફેરફાર થઈ શકે છે. મુસાફરોને એક જ બર્થ પર શેરિંગમાં મુસાફરી કરવાની ફરજ પાડતી રિઝર્વેશન અગેઈન્સ્ટ કેન્સલેશન (આરએસી) સિસ્ટમ બંધ કરવાની શક્યતા અંગે રેલવે વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલ છે. જો આ વ્યવસ્થામાં ફેરફાર થાય તો મુસાફરોને ટિકિટ બુકિંગ સમયે કન્ફર્મ બર્થ અથવા વેઈટિંગ લિસ્ટ જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. જોકે, રેલવે તરફથી આરએસી સિસ્ટમ બંધ કરવાનો કોઈ અંતિમ નિર્ણય કે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
હાલની આરએસી વ્યવસ્થામાં કન્ફર્મ બર્થ ઉપલબ્ધ ન હોય તો બે મુસાફરોને એક સાઈડ લોઅર બર્થ ફાળવવામાં આવે છે. દિવસ દરમિયાન આ બર્થ પર બંનેને બેસવાની જગ્યા મળે છે, જ્યારે રાત્રે તેમણે એ જ બર્થ શેર કરવી પડે છે. ખાસ વાત એ છે કે બંને મુસાફરો પાસેથી ટિકિટનું સંપૂર્ણ ભાડું વસૂલવામાં આવે છે, પરંતુ તેમને અલગ-અલગ સૂવાની જગ્યા મળતી નથી. લાંબી મુસાફરી દરમિયાન આ વ્યવસ્થાને કારણે મુસાફરોને અસુવિધા થતી હોવાની ફરિયાદો ઉઠતી રહી છે.
આ મુદ્દે સંસદની જાહેર હિસાબ સમિતિએ પણ સવાલ ઉઠાવ્યા હતા. સમિતિએ ફેબ્રુઆરી 2026માં રજૂ કરેલા પોતાના 36મા અહેવાલમાં ભલામણ કરી હતી કે ચાર્ટ તૈયાર થયા બાદ પણ આરએસી કેટેગરીમાં રહેતા અને સંપૂર્ણ બર્થ ન મેળવનારા મુસાફરોને ટિકિટના ભાડામાંથી આંશિક રિફંડ આપવાની વ્યવસ્થા કરવામાં આવે. સંપૂર્ણ બર્થની સુવિધા ન મળતી હોવા છતાં આખું ભાડું વસૂલવું યોગ્ય નથી, એવો સમિતિનો મત હતો. આ ભલામણ બાદ આરએસી વ્યવસ્થાની સમીક્ષા કરવાની ચર્ચા વધુ ગરમાઈ છે.
આરએસી વ્યવસ્થા હેઠળ મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી મળે છે અને આરક્ષિત બેઠકની સુવિધા પણ આપવામાં આવે છે. જો કોઈ કન્ફર્મ ટિકિટ રદ થાય અથવા કોઈ મુસાફર ટ્રેનમાં હાજર ન રહે તો ખાલી થતી બર્થ આરએસી મુસાફરને ફાળવી શકાય છે. આ રીતે મુસાફરી પહેલાં અથવા પ્રવાસ દરમિયાન પણ આરએસી ટિકિટ કન્ફર્મ થઈ શકે છે. જો કે, બર્થ ઉપલબ્ધ ન થાય તો મુસાફરે ફાળવેલી બેઠક શેર કરીને જ મુસાફરી કરવી પડે છે.
રેલવેની આ વ્યવસ્થા બંધ થશે કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તે અંગે હજી સ્પષ્ટતા નથી. હાલના નિયમો યથાવત્ છે અને આરએસી ટિકિટ ધરાવતા મુસાફરો મુસાફરી કરી શકે છે. રેલવે તરફથી સત્તાવાર નિર્ણય અને નવી માર્ગદર્શિકા જાહેર ન થાય ત્યાં સુધી મુસાફરો માટે આરએસી ટિકિટ યથાવત રહેશે. આમ, દાયકાઓથી ચાલી આવતી આ વ્યવસ્થાનું ભવિષ્ય હવે રેલવેના અંતિમ નિર્ણય પર નિર્ભર છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
