News of Thursday, 12th November 2026
રાજસ્થાનના હિસ્ટ્રીશીટર વિજય બાજિયાની જયપુરમાં જાહેર રસ્તા ઉપર કુહાડીના ઘા ઝીંકીને હત્યા : ફોર્ચ્યુનર કારને ટક્કર મારી હુમલાખોરોએ પીછો કરી મોતને ઘાટ ઉતાર્યો
ચારથી છ હુમલાખોરોએ વિજયને ઘેરી લઈને પાંચ મિનિટમાં હત્યાને અંજામ આપ્યો : જૂની અદાવત કારણભૂત હોવાની પોલીસને શંકા, સમગ્ર ઘટના મોબાઇલ અને રસ્તા પરના સુરક્ષા કેમેરામાં કેદ

જયપુર, તા. ૧૨ : રાજસ્થાનની રાજધાની જયપુરમાં બુધવારે રાત્રે જૂની અદાવતના કારણે એક હિસ્ટ્રીશીટરની જાહેર રસ્તા ઉપર અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતાં સનસનાટી મચી ગઈ છે. મૃતકની ઓળખ જોબનેરના ૨૫ વર્ષીય વિજય બાજિયા તરીકે થઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ વિજય બુધવારે રાત્રે આશરે આઠ વાગ્યે જોબનેરથી જયપુર તરફ પોતાની ફોર્ચ્યુનર કારમાં જઈ રહ્યો હતો. કરધની પોલીસ સ્ટેશન વિસ્તારના જગદંબા નગર નજીક બોલેરો કેમ્પરમાં આવેલા ચારથી છ હુમલાખોરોએ તેની કારનો પીછો કરીને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર બાદ વિજય કારમાંથી ઊતરીને પોતાનો જીવ બચાવવા ભાગ્યો હતો, પરંતુ હુમલાખોરોએ તેનો પીછો કરીને ઘેરી લીધો હતો. ત્યારબાદ કુહાડી, લાકડીઓ અને અન્ય ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાક્રમ આશરે પાંચ મિનિટમાં બની ગયો હતો.
ગંભીર રીતે ઘવાયેલા વિજયને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવ સમયે આસપાસનાં મકાનોમાં રહેતા લોકોએ મોબાઇલમાં ઘટનાનું રેકોર્ડિંગ કર્યું હતું. પોલીસને સુરક્ષા કેમેરાનાં દૃશ્યો પણ મળ્યાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બે જૂથો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી અદાવતને કારણે હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
હુમલાખોરો છેલ્લા કેટલાક દિવસોથી વિજયની હિલચાલ ઉપર નજર રાખી રહ્યા હોવાની વિગતો સામે આવી છે. પોલીસની જુદી જુદી ટીમોએ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
