<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

રાજ્‍યસભા VS લોકસભાઃ સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ.૧૧૫ કરોડને પાર

લોકસભાના સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ.૪૬.૩૪ કરોડની સામે રાજ્‍યસભાના સાંસદો રૂ.૧૧૫.૨૫ કરોડની સરેરાશ સંપત્તિ સાથે મોખરે : રાજ્‍યસભાના સાંસદો લોકસભાના સાંસદ કરતા અઢી ગણા વધારે સંપત્તિવાન છે

નવી દિલ્‍હી,તા.૧: દેશમાં મધ્‍યમવર્ગની બચત વધે કે ન વધે પણ સંસદમાં કરોડપતિ સાંસદની સંખ્‍યા સતત વધી રહી છે. લોકસભા કરતા રાજ્‍યસભાના સાંસદો વધુ માલામાલ થઈ રહ્યા છે. એટલે સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. એવું કઈ રીતે બન્‍યું એની વિગતવાર વાત કરીએ. વર્ષ ૨૦૨૪માં લોકસભાના ૯૩ ટકા સાંસદ કરોડપતિ હતા, જ્‍યારે એમની સરેરાશ સંપત્તિ ઘણી વધારે હતી.

બીજી બાજુ સંપત્તિના મામલે રાજ્‍યસભાના સાંસદ વધારે પૈસાવાળા બન્‍યા છે લોકસભાના સાંસદ કરતા રાજ્‍યસભામાં સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ.૧૧૫.૨૫ કરોડ છે, જ્‍યારે લોકસભાના સાંસદની સરેરાશ સંપત્તિ રૂ.૪૬.૩૪ કરોડ છે. સ્‍પષ્ટ રીતે કહી શકાય કે, રાજ્‍યસભાના સાંસદો લોકસભાના સાંસદ કરતા અઢી ગણા વધારે સંપત્તિવાન છે.

ટકાવારી પરથી એટલું કહી શકાય છે કે, સંસદમાં પૈસાદાર જનપ્રતિનિધિની સંખ્‍યા સતત વધી રહી છે. લોકસભામાં કરોડપતિ સાંસદની ટકાવારી પણ વધી રહી છે. કરોડપતિની સંખ્‍યા ભલે લોકસભામાં વધારો હોય પણ સરેરાશ સંપત્તિના આધાર પર રાજ્‍યસભાના સાંસદ વધારે સંપત્તિ ધરાવે છે. આ પણ નવી સંસદની સાથે ભારતીય સાંસદોની નવી હકીકત સમાન છે. ડો. ચંદ્રશેખર પેમ્‍માસા જેઓ  ટીડીપીના છે. એ સૌથી ધનિક લોકસભાના સાંસદ છે. એમની જાહેર કરેલી સંપત્તિ રૂ.૫,૭૦૫ કરોડથી વધુ છે, ભાજપના કોંડા વિશ્વેશ્વર રેડ્ડી રૂ.૪,૫૬૮ કરોડથી વધુની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. ભાજપના નવીન જિદાલ રૂ.૧,૨૪૧ કરોડથી વધુની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. તેમના પછી ટીડીપીના પ્રભાકર રેડ્ડી વેમીરેડ્ડી અને ભાજપના સી. એમ. રમેશનો ક્રમ આવે છે. દેશની સંસદમાં સંપત્તિના આંકડા એક નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સના એક રિપોર્ટમાંથી સાંસદોની સંપત્તિ અંગેનો એક વિગતવાર રિપોર્ટ મળ્‍યો છે.

રાજ્‍યસભામાં અને લોકસભા એમ બન્ને સદનના સાંસદ વચ્‍ચે સરેરાશ સંપત્તિમાં રૂ.૬૯ કરોડનું અંતર છે. લોકસભામાં 'કરોડપતિ' સાંસદો (જેમની પાસે રૂ.૧ કરોડથી વધુની સંપત્તિ છે તે)ની સંખ્‍યા સતત વધી રહી છે. વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં ચૂંટાયેલા કુલ ૫૪૩ સાંસદોમાંથી ૫૦૪ કરોડપતિ છે. આનો સીધો અર્થ એવો થયો કે, દરેક ૧૦૦ સાંસદમાંથી ૯૩ એ રૂ.૧ કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે.

છેલ્‍લી ચાર લોકસભા ચૂંટણીઓના ડેટા દર્શાવે એ છે કે સાંસદોની સંપત્તિમાં સતત વધારો થયો છે. ખાસ કરીને લોકસભાના સાંસદ પર કરેલા સર્વેમાંથી આ વાત સામે આવી છે. વર્ષ ૨૦૦૯માં ફક્‍ત ૫૮ ટકા સાંસદો કરોડપતિ હતા. આ આંકડો ૨૦૧૪માં ૮૨ ટકા, ૨૦૧૯માં ૮૮ ટકા અને ૨૦૨૪માં ૯૩ ટકા થયો, જે ૧૫ વર્ષમાં ૩૫ ટકાનો વધારો દર્શાવે છે. આ દર્શાવે છે કે, સમય આગળ જતા સાંસદોની સંપત્તિમાં નોંધપાત્ર કહી શકાય એટલો વધારો થયો છે.

રાજ્‍યસભાના સૌથી ધનિક સાંસદ ડો. બંદી પાર્થસારથી (BRS) છે. એમની જાહેર કરેલી સંપત્તિ રૂ.૫,૩૦૦ કરોડથી વધારે છે. ભાજપના રાજિન્‍દર ગુપ્તા બીજા સ્‍થાને  છે, એમની સંપત્તિ ? ૫,૦૫૩ કરોડથી વધુ છે. ગુપ્તા તાજેતરમાં AAP છોડીને ભાજપમાં જોડાયા છે. અલ્‍લા અયોધ્‍યા રામી રેડ્ડી ળ્‍લ્‍ય્‍ઘ્‍ભ્‍ના છે એ ત્રીજા સ્‍થાને છે, એમની જાહેર કરેલી સંપત્તિ રૂ.૨,૫૭૭ કરોડથી વધુ છે.

રાજ્‍યસભાના ૨૨૬ સાંસદોની કુલ સંપત્તિ રૂ.૨૬,૦૪૭ કરોડ છે. લોકસભામાં 'કરોડપતિ' સાંસદોની સંખ્‍યા વધુ હોવા છતાં રાજ્‍યસભા સરેરાશ સંપત્તિની દ્રષ્ટિએ નોંધપાત્ર રીતે આગળ છે. રાજ્‍યસભાના સાંસદોની સરેરાશ સંપત્તિ મૂલ્‍ય રૂ.૧૧૫.૨૫ કરોડ છે, જ્‍યારે લોકસભાના સાંસદો માટે, તે રૂ.૪૬.૩૪ કરોડ છે.

રાજ્‍યસભામાં અનેક પક્ષોના સાંસદો પાસે અપવાદરૂપે ઊંચી સરેરાશ સંપત્તિ છે. ત્રણ BRS સાંસદોની સરેરાશ સંપત્તિ મૂલ્‍ય રૂ.૧,૮૪૧.૩૯ કરોડ છે. ત્‍યારબાદ સમાજવાદી પાર્ટી (રૂ. ૩૯૯.૭૧ કરોડ), TDP (રૂ.૨૫૧.૯૫ કરોડ), YSRCP (રૂ. ૧૭૦.૮૮ કરોડ), NCP (રૂ.૧૪૯.૩૫ કરોડ) અને કોંગ્રેસના (રૂ.૧૩૦.૩૭ કરોડ) સાંસદોની સરેરાશ સંપત્તિનો ક્રમ આવે છે. આ આંકડા પક્ષ અનુસાર જે તે સાંસદોની સંખ્‍યા પરથી લેવામાં આવ્‍યા છે.  ભાજપના રાજ્‍યસભાના સાંસદોની સરેરાશ સંપત્તિ મૂલ્‍ય રૂ.૭૬.૪૬ કરોડ છે. દરમિયાન, AITC રાજ્‍યસભાના નવ સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ.૧૬.૭૨ કરોડ છે, અને ઝપ્‍ધ્‍ રાજ્‍યસભાના આઠ સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ.૧૧.૯૦ કરોડ છે.

સંપત્તિની દ્રષ્ટિએ લોકસભામાં સરેરાશમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP) સૌથી આગળ છે. પાર્ટીના ૧૬ સાંસદો પાસે સરેરાશ સંપત્તિ રૂ.૪૪૨.૨૬ કરોડ છે. ત્‍યારબાદ ભાજપના ૨૪૦ સાંસદો પાસે સરેરાશ સંપત્તિ રૂ.૫૦.૦૪ કરોડ છે, DMKના ૨૨ સાંસદો પાસે સરેરાશ સંપત્તિ રૂ.૩૧.૨૨ કરોડ છે, કોંગ્રેસના ૯૯ સાંસદો પાસે સરેરાશ સંપત્તિ રૂ.૨૨.૯૩ કરોડ છે, AITCના ૨૯ સાંસદો પાસે સરેરાશ સંપત્તિ રૂ.૧૭.૯૮ કરોડ છે અને સમાજવાદી પાર્ટીના ૩૭ સાંસદો પાસે સરેરાશ સંપત્તિ રૂ.૧૫.૨૪ કરોડ છે. અનેક પક્ષોના લોકસભામાં તમામ વિજેતા ઉમેદવારો 'કરોડપતિ' છે. ટીડીપી, જેડી(યુ), શિવસેના (યુબીટી), શિવસેના, લોક જનશક્‍તિ પાર્ટી (રામવિલાસ), આરએલડી, આમ આદમી પાર્ટી, આઈયુએમએલ અને એનસીપીના બધા સાંસદો કરોડપતિ છે.

(10:05 AM IST)