News of Sunday, 18th October 2026
રાખી સાવંતની મુશ્કેલીઓ વધી: ૧૬ વર્ષ જૂના ટીવી શો વિવાદમાં ઝાંસી કોર્ટે જારી કર્યું ધરપકડ વોરંટ
વર્ષ ૨૦૧૦ના 'રાખી કા ઇન્સાફ' શો દરમિયાન યુવક સાથે અભદ્ર વર્તન અને અપમાનના ગંભીર કેસમાં કાયદાકીય શિખંજો કસાયો

ઝાંસી : અભિનેત્રી રાખી સાવંતની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે, કારણ કે ઝાંસીની એક અદાલતે ૧૬ વર્ષ જૂના એક ચર્ચિત કેસમાં તેની સામે ધરપકડ વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલો વર્ષ ૨૦૧૦માં પ્રસારિત થયેલા વિવાદાસ્પદ ટીવી શો "રાખી કા ઇન્સાફ" સાથે જોડાયેલો છે, જ્યાં પટોરિયાના રહેવાસી લક્ષ્મણ અહિરવાર નામના યુવક સાથે કથિત રીતે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. સરકારી વકીલ મૃદુલ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, આ કેસની આગામી સુનાવણી આગામી ૧ ડિસેમ્બરે CAW (FTC) કોર્ટમાં હાથ ધરવામાં આવશે.
ઘટનાની વિગતો મુજબ, ૨૦૧૦માં લક્ષ્મણ અહિરવાર અને તેની પત્ની વચ્ચેના પારિવારિક વિવાદને કારણે અનિતા પોતાના પિયર જતી રહી હતી, ત્યારબાદ આ દંપતીએ મુંબઈમાં જઈને "રાખી કા ઇન્સાફ" શોમાં હાજરી આપી હતી. પરિવારના ગંભીર આક્ષેપો છે કે ૨૩ ઓક્ટોબર ૨૦૧૦ના રોજ રેકોર્ડિંગ દરમિયાન રાખી સાવંતે લક્ષ્મણનું જાહેરમાં અપમાન કર્યું હતું અને તેને કાયર કહીને બોલાવ્યો હતો. આ સાર્વજનિક અપમાનના કારણે માનસિક રીતે ભાંગી પડેલો યુવક ઊંઘ ન આવવાથી પીડાતો હતો અને પરિવારના જણાવ્યા મુજબ તેણે રાખી સાવંતે જીવન બરબાદ કરી દીધાનું કહીને આત્મહત્યા કરી લીધી હતી, જે બાદ તેની માતા સાવિત્રીએ પ્રેમનગર પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવી હતી.
તબક્કાવાર તપાસ અને કાનૂની પ્રક્રિયા બાદ ૯ નવેમ્બર ૨૦૧૦ના રોજ ગંભીર તબિયત બગડતા મેડિકલ કોલેજમાં દાખલ કરાયેલા લક્ષ્મણનું બીજા દિવસે જ કરૂણ અવસાન થયું હતું. આ પ્રકરણમાં સરકારી વકીલે સ્પષ્ટ કર્યું છે કે હવે કાયદાકીય પ્રક્રિયા હેઠળ રાખી સાવંતે ઝાંસી કોર્ટમાં રૂબરૂ હાજર થઈને જામીન માટે અરજી કરવી પડશે, અને જો તે હાજર નહીં થાય તો પોલીસ દ્વારા વોરંટના અમલીકરણ માટે આગળની સખત પગલાં લેવામાં આવશે.
ભૂતકાળમાં આવા રિયાલિટી શોઝની પબ્લિસિટી સ્ટંટ અને સંવેદનશીલ મુદ્દાઓને હેન્ડલ કરવાની પદ્ધતિઓ સામે અવારનવાર નૈતિક અને કાનૂની સવાલો ઊભા થતા રહ્યા છે. આ કેસમાં હવે આગામી ૧ ડિસેમ્બરે યોજાનારી સુનાવણી દરમિયાન અદાલત શું નવો આદેશ આપે છે અને અભિનેત્રી ક્યારે કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારે છે તેના પર સૌની નજર ટકેલી છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
