તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
News of Tuesday, 10th November 2026
રામપુર CRPF કેમ્પ હુમલાનો દોષિત મોહમ્મદ શરીફ ગોળીબારમાં ઠાર: હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યાના એક વર્ષમાં જ હત્યા
અજાણ્યા હુમલાખોરોએ ખજુરિયા વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર કરી જીવન ટૂંકાવ્યું, સાત જવાનોની શહીદીના હાઈ-પ્રોફાઇલ કેસમાં નવો વળાંક.

રામપુર : ઉત્તર પ્રદેશના રામપુરમાં ૨૦૦૭ના ચકચારી CRPF કેમ્પ હુમલા કેસના મુખ્ય દોષિત એવા મોહમ્મદ શરીફની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ખજુરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત બદનપુરી ગામના રહેવાસી મોહમ્મદ શરીફ પર હુમલાખોરોએ અચાનક ફાયરિંગ કર્યું હતું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને સનસનાટી ફેલાઈ ગઈ હતી.
ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા શરીફને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ૩૧ ડિસેમ્બર ૨૦૦૭ અને ૧ જાન્યુઆરી ૨૦૦૮ ની રાત્રે રામપુર સ્થિત CRPF કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં સાત જવાનો શહીદ થયા હતા અને એક રિક્ષાચાલકનું પણ મોત નીપજ્યું હતું, જે મામલે લાંબી કાનૂની લડાઈ ચાલી હતી.
આ કેસમાં ૨૦૧૯માં રામપુર સેશન્સ કોર્ટે મોહમ્મદ શરીફને દોષી ઠેરવીને ફાંસીની સજા ફટકારી હતી. જોકે, અલ્હાબાદ હાઈકોર્ટે ઓક્ટોબર ૨૦૨૫માં પૂરતા પુરાવા ન મળવાના કારણે તેમને નિર્દોષ જાહેર કરીને મૃત્યુદંડની સજા રદ કરી હતી, જેના પગલે તેઓ નવેમ્બર ૨૦૨૫ની આસપાસ જેલમાંથી મુક્ત થઈને પોતાના વતન પરત ફર્યા હતા અને સામાન્ય જીવન જીવી રહ્યા હતા.
હત્યાની આ સનસનાટીભરી ઘટના બાદ પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધીને યુદ્ધના ધોરણે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ હુમલા પાછળ જૂની અદાવત છે કે અન્ય કોઈ મોટું કારણ, તે દિશામાં પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે, તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
