News of Tuesday, 12th May 2026
આયાતી ઇંધણ અને વિદેશી મુદ્રા ભંડાર બચાવવા અને રૂપિયાને સાચવવા RBIના 4 હથિયાર કરશે ઉપયોગ
વર્ષ 2026માં રૂપિયો એશિયાની સૌથી નબળી કરન્સી સાબિત થયો જેને રોકવા માટે હવે સરકાર અને RBI નીતિગત ફેરફારોની તૈયારીમાં

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે ઈરાન-ઈઝરાયેલ સંકટને કારણે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $100ને પાર કરી ગયા છે. ભારત તેની જરૂરિયાતનું 90% તેલ આયાત કરતું હોવાથી વિદેશી મુદ્રા ભંડાર પર ભારે દબાણ આવી રહ્યું છે. વર્ષ 2026માં રૂપિયો એશિયાની સૌથી નબળી કરન્સી સાબિત થયો છે, જેને રોકવા માટે હવે સરકાર અને RBI નીતિગત ફેરફારોની તૈયારી કરી રહ્યા છે.
ધણની વધતી જતી ખપતને ઘટાડવા માટે સરકાર ફરી એકવાર કોર્પોરેટ સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ ને પ્રોત્સાહન આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ક્ષેત્રોમાં કર્મચારીઓની પ્રત્યક્ષ હાજરી અનિવાર્ય નથી, ત્યાં અઠવાડિયામાં ઓછા દિવસ ઓફિસ બોલાવવાની ભલામણ કરવામાં આવી શકે છે. ટાટા ગ્રુપ અને રિલાયન્સ જેવી દિગ્ગજ કંપનીઓએ પહેલેથી જ તેમની વર્કપ્લેસ પોલિસીની સમીક્ષા શરૂ કરી દીધી છે જેથી લોજિસ્ટિક્સ અને ઈંધણના ખર્ચમાં ઘટાડો કરી શકાય.
ભારતે અત્યાર સુધી તેલની કિંમતોમાં વધારો કરવાનું ટાળ્યું છે પરંતુ આ સ્થિતિ લાંબો સમય ટકી શકે તેમ નથી. નોમુરાના રિપોર્ટ મુજબ, જો ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ $10 વધારો થાય, તો ભારતનું આયાત બિલ અંદાજે $14 બિલિયન વધી જાય છે. તેલ કંપનીઓની ખોટ ઘટાડવા માટે સરકાર આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તબક્કાવાર વધારો કરવા પર વિચાર કરી શકે છે.
રૂપિયાના સતત મૂલ્યહ્રાસને રોકવા માટે RBI પાસે કેટલાક મજબૂત વિકલ્પો છે-
NRI બોન્ડ્સ: વર્ષ 2013ની જેમ વિદેશી ભારતીયો માટે ખાસ ડિપોઝિટ સ્કીમ અથવા બોન્ડ્સ લાવી શકાય છે, જેથી દેશમાં ડૉલરનો પ્રવાહ વધે.
ઓઈલ કંપનીઓને ડાયરેક્ટ ડૉલર: બજારમાં ડૉલરની અછત ન સર્જાય તે માટે RBI સીધું જ તેલ કંપનીઓને ડૉલર પૂરું પાડી શકે છે.
વ્યાજદરમાં વધારો: ફુગાવાને નિયંત્રિત કરવા અને રૂપિયાને ટેકો આપવા માટે આગામી સમયમાં વ્યાજદરમાં વધારો થઈ શકે છે.
FPIના નિયમોમાં છૂટછાટ: વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે રોકાણ મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે.
પીએમ મોદીએ સોનાની ખરીદી ઘટાડવાની અપીલ કરી હોવા છતાં, હાલમાં સરકારી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સોના પર આયાત ડ્યૂટી (Import Duty) વધારવાનો કોઈ તત્કાલ વિચાર નથી. તેવી જ રીતે, વિદેશમાં નાણાં મોકલવાની મર્યાદા (LRS)માં પણ હાલ કોઈ કાપ મૂકવામાં આવશે નહીં, કારણ કે તેનાથી રોકાણકારોમાં નકારાત્મક સંદેશ જવાનો ભય છે.
સરકાર હાલ 'ધીરે ચલો'ની નીતિ અપનાવી રહી છે. આર્થિક મોરચે કોઈ પણ આકરો નિર્ણય લેતા પહેલા ઉદ્યોગ જગત સાથે પરામર્શ કરવામાં આવી રહ્યો છે, જેથી બજારમાં અફરાતફરી ન સર્જાય. જો કે, પશ્ચિમ એશિયાનો વિવાદ લાંબો ખેંચાશે તો કઠોર આર્થિક પગલાં અનિવાર્ય બની શકે છે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
