તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Friday, 18th September 2026
ડિજિટલ પેમેન્ટ્સમાં સાયબર છેતરપિંડી રોકવા RBI નો મોટો માસ્ટરપ્લાન: 'IDPIC' ના અમલીકરણ માટે પ્રોજેક્ટ પાયલોટ ધોરણે શરૂ!
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ ટેકનોલોજી દ્વારા બેંકોને ત્વરિત રિયલ-ટાઈમ એલર્ટ મળશે: આરબીઆઈ ડેપ્યુટી ગવર્નર શિરીષ ચંદ્ર મુર્મુએ આપ્યા સંકેત

મુંબઈ : દેશમાં વધતા જતા સાયબર અને ડિજિટલ નાણાકીય ફ્રોડ પર કડક લગામ કસવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામગીરી ઝડપી બનાવી દીધી છે. ઓનલાઈન છેતરપિંડી અટકાવવા માટે ‘ઈન્ડિયા ડિજિટલ પેમેન્ટ ઈન્ટેલિજન્સ કોર્પોરેશન’ (IDPIC) ની સ્થાપના કરવામાં આવી રહી છે, જેનો પાયલોટ પ્રોજેક્ટ હાલ દેશની ૮ મુખ્ય બેંકો સાથે સફળતાપૂર્વક કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર શિરીષ ચંદ્ર મુર્મુએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ સુવિધાના વ્યાપક અમલીકરણ માટે કામગીરી ઝડપથી ચાલી રહી છે.
IDPIC નો મુખ્ય ઉદ્દેશ્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ (ML) અને બિગ ડેટા એનાલિટિક્સ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે 'રિયલ-ટાઈમ' ફ્રોડ ઈન્ટેલિજન્સ તથા શંકાસ્પદ વ્યવહારોના વિગતોની લેવડ-દેવડ કરવાનો છે. જેનાથી કોઈપણ ગ્રાહકના ખાતામાંથી ગેરકાયદેસર નાણાં ઉપડે તે પહેલાં જ સીસ્ટમ એલર્ટ જનરેટ કરીને છેતરપિંડી અટકાવી શકાશે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યા છતાં કેશ ઇન સર્ક્યુલેશન કેમ ઘટતું નથી?
કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી ગવર્નરે ડિજિટલ પેમેન્ટ્સ અને રોકડના વ્યવહારો અંગે એક આશ્ચર્યજનક વિરોધાભાસી વલણ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ડિજિટલ વ્યવહારો ખૂબ જ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને અર્થતંત્રનું ઝડપથી ઔપચારિકીકરણ થઈ રહ્યું છે, છતાં પણ લોકો પાસે રહેલી રોકડની રકમમાં ધાર્યા મુજબનો ઘટાડો થયો નથી.
આરબીઆઈ અનુસાર, ભારતીય પરિવારો અને લોકો વ્યવહારના માધ્યમ (Medium of exchange) તરીકે યુપીઆઈ કે ડિજિટલ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, પરંતુ મુશ્કેલીના સમય માટે 'મૂલ્યના સંગ્રહ' (Store of value) તરીકે આજે પણ રોકડ રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત, તેમણે ઉમેર્યું હતું કે બેંકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે આરબીઆઈએ છેલ્લા એક જ વર્ષમાં ૬૦૦થી વધુ ડ્રાફ્ટ અને નિયમનકારી પરિપત્રો જારી કરીને મોટો સુધારાત્મક અભિગમ અપનાવ્યો છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
