News of Wednesday, 17th June 2026
ગ્લોબલ માર્કેટમાંથી ડોલર ખેંચવા RBIનો માસ્ટરસ્ટ્રોક: FCNR ડિપોઝિટ પર વ્યાજની તમામ મર્યાદાઓ હટાવી
ઘટતા રૂપિયાને ઓક્સિજન આપવા અને વિદેશી હૂંડિયામણ વધારવા સેન્ટ્રલ બેંકનો મોટો દાવ : હવે ભારતીય બેંકો NRIsને બમ્પર વ્યાજ ઓફર કરીને આકર્ષી શકશે

મુંબઈ: વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના ઘટી રહેલા મૂલ્યને મજબૂતી આપવા અને દેશમાં વિદેશી મૂડીનો પ્રવાહ તેજીથી વધારવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ એક મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો છે. કેન્દ્રીય બેંકે સત્તાવાર જાહેરાત કરીને વિદેશી ચલણ બિન-નિવાસી (FCNR-B) અને નોન-રેસિડેન્ટ એક્સટર્નલ (NRE) ફિક્સ્ડ ડિપોઝિટ પર લાગુ વ્યાજ દરોની મહત્તમ મર્યાદા (કેપ) ને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી હંગામી ધોરણે સંપૂર્ણપણે હટાવી દીધી છે. RBIના આ ઐતિહાસિક નિર્ણયથી ભારતીય બેંકો હવે મુક્ત બનીને વિદેશી ગ્રાહકો અને બિન-નિવાસી ભારતીયો (NRIs) ને આકર્ષવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ગમે એટલા ઊંચા વ્યાજ દર ઓફર કરી શકશે, જે દેશના બેંકિંગ સેક્ટરમાં વિદેશી હૂંડિયામણનો મોટો પૂર લાવશે.
આ નવી વ્યવસ્થા હેઠળ, ૩ થી ૫ વર્ષની પાકતી મુદત ધરાવતી નવી FCNR(B) થાપણો તેમજ પરિપક્વતા પર રીન્યુ થતી ડિપોઝિટ પર વ્યાજ દરો નક્કી કરવાની સંપૂર્ણ આઝાદી બેંકોને મળી ગઈ છે, જે ૧૭ જૂન, ૨૦૨૬થી જ દેશભરમાં અમલી બની ચૂકી છે. સામાન્ય રીતે NRIs પોતાના વિદેશી ચલણ જેવા કે ડોલર, પાઉન્ડ કે યુરોને વિદેશી મુદ્રામાં જ ભારતીય બેંકોમાં ટર્મ ડિપોઝિટ તરીકે રાખવા માટે આ ખાતાનો ઉપયોગ કરે છે. આ અગાઉ બેંકો પર વ્યાજ ચૂકવવાની એક ચોક્કસ કડક મર્યાધા નિર્ધારિત હતી, જેના કારણે તેઓ વૈશ્વિક બેંકો સામે સ્પર્ધા કરી શકતી નહોતી, પરંતુ હવે આ મર્યાદા હટતાં જ ભારતીય બેંકો વૈશ્વિક રોકાણકારો માટે વ્યાજ કમાવવાનું સૌથી મોટું હબ બની જશે.
આ મહિનાની શરૂઆતમાં જ રૂપિયાના અવમૂલ્યનને રોકવા માટે આરબીઆઈએ અનેક આકરા પગલાંની શ્રેણી શરૂ કરી હતી, જેના ભાગરૂપે અધિકૃત ડીલર (AD) બેંકોને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી નવી થાપણો એકત્ર કરવા માટે કન્સેશનલ ફોરેક્સ સ્વેપ સુવિધા (છૂટછાટ વાળો વિદેશી વિનિમય દર) આપવાની પણ જાહેરાત કરાઈ છે. આ સંદર્ભે દેશની તમામ વાણિજ્યિક બેંકો, સહકારી બેંકો અને નાની ફાઇનાન્સ બેંકોને અલગથી કડક ગાઈડલાઈન જારી કરી દેવામાં આવી છે. જોકે, આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે NRE અને NRO ખાતાઓ પરના વ્યાજ દરો સામાન્ય સ્થાનિક રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટના દરો કરતાં વધુ ન હોવા જોઈએ. કેન્દ્રીય બેંકની આ સ્માર્ટ ચાલથી આગામી ત્રણ મહિનામાં ભારતમાં અબજો ડોલરનું રોકાણ ઠલવાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
