<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ઢગલાબંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ

 *હરિદ્વાર સહિત ઉત્તરાખંડમાં ઠેર ઠેર ભારે વરસાદ પડી રહ્યો છે, આવતા બે ત્રણ દિવસમાં વધુ ભારે વરસાદની આગાહી :   સીઝનમાં પ્રથમ વખત નદીઓમાં પાણીનો પ્રવાહ વધવા લાગ્યો છે, લોકોને નદીઓથી દૂર રહેવા કડક ચેતવણી આપવામાં આવી છે : હરિદ્વાર: ઉત્તરાખંડ રાજ્યમાં હરિદ્વાર સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨ થી ૩ દિવસ માટે દેહરાદૂન, તેહરી, પૌડી, હરિદ્વાર, ઉધમ સિંહ નગર, નૈનીતાલ અને ચંપાવત સહિતના ૭ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે આ સીઝનમાં પ્રથમ વખત ગંગા અને યમુના સહિતની નદીઓમાં પાણીનો પ્રવાહ અને જળસ્તર ભયજનક સપાટીએ વધવા લાગ્યા છે. નદીઓના ધસમસતા પ્રવાહ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીઓ, નાળાઓ અને પાણી વાળા વિસ્તારોથી સુરક્ષિત અંતર જાળવવા અને દૂર રહેવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે.*

 * ઇઝરાયલે અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ચોકાવનારી વિગતો આપતા કહ્યું છે કે ઈરાન તેમની હત્યા માટે પૂરા પ્રયાસ કરી રહેલ છે :    ડોનાલ્ડ ટ્રમ્પે પણ નાટો બેઠકમાં પત્રકારોને સ્પષ્ટ જણાવેલ કે દુશ્મન દેશ ઈરાન તેમની હત્યાનો ભયાનક પ્લાન કરી રહેલ છે : તેલ અવીવ:  ઇઝરાયલે તાજેતરમાં અમેરિકન ગુપ્તચર સંસ્થાઓને ચોંકાવનારી વિગતો આપતા ચેતવણી આપી છે કે ઈરાન દ્વારા અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માટે એક નવો અને સુનિયોજિત પ્લાન બનાવવામાં આવ્યો છે. આ ચોક્કસ ઇનપુટ મળ્યા બાદ અમેરિકી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. તુર્કીમાં યોજાયેલી નાટો શિખર પરિષદ દરમિયાન ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પત્રકારો સમક્ષ આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઈરાન તેમની હત્યાનો પ્લાન કરી રહ્યું છે અને તેઓ ઈરાનના હિટ લિસ્ટમાં સૌથી ઉપર છે. આ જોખમને પગલે ટ્રમ્પે નાટો બેઠક બાદ સુરક્ષાના કારણોસર પોતાનું સામાન્ય વિમાન બદલીને જૂના વિમાનમાં અમેરિકા પરત ફરવું પડ્યું હતું.

 *અયોધ્યા ખાતે રામ મંદિરમાં દાનની ગણતરી કરી રહેલા ૨૩ કર્મચારીઓએ એક સાથે રાજીનામાં આપી દેતા ખળભળાટ મચી ગયો છે :    અત્યારે માત્ર ૧૩ કર્મચારી જ કામ કરી રહ્યા છે, સ્ટેટ બેંક દ્વારા થઈ રહેલ દાનની ગણતરી પર અસર પડી : અયોધ્યા: અહીં આવેલા ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આવતા દાનની રકમની ગણતરી માટે ફરજ બજાવતા અંદાજે બે ડઝન જેટલા કર્મચારીઓએ અચાનક એક સાથે રાજીનામાં આપી દેતા ભારે ખળભળાટ મચી ગયો છે. દાનની રકમની ગણતરીની જવાબદારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય સંસ્થાઓ દ્વારા સંભાળવામાં આવી રહી છે. એકસાથે આટલા બધા કર્મચારીઓના રાજીનામાને કારણે હવે માત્ર એકાદ ડઝન કર્મચારીઓ જ કામ કરી રહ્યા છે. સ્ટાફની આ ભારે અછતને લીધે મંદિરમાં આવતી લાખો રૂપિયાની રોકડ રકમ અને દાનની ગણતરીની કામગીરી પર મોટી માઠી અસર પડી છે અને કામગીરી અત્યંત ધીમી પડી ગઈ છે.

 

 *ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સવારમાં જ મેલબોર્નના પ્રખ્યાત ક્રિકેટ ગ્રાઉન્ડની ખાસ મુલાકાત લીધી: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ સાથે મોદીએ રમતગમત અને બંને દેશોના મજબૂત સંબંધો વિશે મહત્વપૂર્ણ ચર્ચા કરી*

મેલબોર્ન: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાના ઓસ્ટ્રેલિયાના ત્રણ દિવસના પ્રવાસના અંતિમ દિવસે સવારે મેલબોર્નના જગવિખ્યાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયા હતા. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ પણ જોડાયા હતા. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બંને નેતાઓએ યુવા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી અને ભારત તેમજ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમતગમત ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ ભારતમાં વર્ષ ૨૦૩૬ માં ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. *

 

 *દિલ્હીમાં આજે પણ જોરદાર અને ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું: રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું અને લોકોને સાવચેત કરાયા*

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વરસાદનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે. આજે પણ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની ચેતવણીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. નાગરિકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને ટ્રાફિક જામ તેમજ જળભરાવ વાળા વિસ્તારોથી દૂર રહેવા માટે પણ ખાસ સાવચેત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ વાતાવરણ આવું જ રહેવાની પૂરી સંભાવના છે. *

 

 *અમેરિકામાં વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત યુએફસી શો ઉપર હુમલો કરવાના કાવતરામાં ૮ લોકો સામે ગંભીર કેસ: ડ્રોન અને સ્નાઈપર દ્વારા હુમલો કરવાના પ્રયાસ બદલ મર્ડર અને ટેરેરિઝમનો કેસ નોંધાયો*

ન્યુ યોર્ક: અમેરિકાના વ્હાઇટ હાઉસ ખાતે જૂન મહિનામાં આયોજિત યુએફસી શો દરમિયાન મોટા હુમલાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ કેસમાં હવે ૮ લોકો સામે મર્ડર અને ટેરેરિઝમના ગંભીર આરોપો હેઠળ સત્તાવાર રીતે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ દ્વારા ડ્રોન અને સ્નાઈપર હથિયારો મારફતે હુમલો કરવાની ભયાનક યોજના બનાવવામાં આવી હતી જેને સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવી દીધી હતી. આ તમામ ૮ આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. *

 

 *સીરિયાને ટેરર દેશોના લિસ્ટમાંથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરવાના અમેરિકાના મહત્વપૂર્ણ નિર્ણયને કતાર દેશે આવકાર્યો અને વધાવ્યો: અમેરિકા દ્વારા સીરિયા સાથે સંબંધો સામાન્ય કરવાના લેવાયેલા આ પગલાંથી આંતરરાષ્ટ્રીય વેપાર અને શાંતિ વધવાની આશા*

દોહા: અમેરિકાના પ્રમુખ દ્વારા સીરિયાને સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિઝમના લિસ્ટમાંથી હટાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અમેરિકાના આ મોટા નિર્ણયને કતાર દ્વારા ખુલ્લા મને વધાવી લેવામાં આવ્યો છે. અમેરિકાનું માનવું છે કે સીરિયા સાથેના સંબંધો સામાન્ય થવાથી આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણ માટે નવી તકો ખુલશે. આ નિર્ણય સીરિયાના પુનર્નિર્માણ અને પ્રાદેશિક શાંતિ માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. *

 

 *સુરત શહેરમાં સર્જાયેલી ભીષણ પૂરની સ્થિતિ બાદ પાણી ઓસરતા વધુ ૧૩ મૃતદેહો મળી આવતા હાહાકાર: સતત ભારે વરસાદ અને પૂરના કારણે અનેક વિસ્તારો જળમગ્ન: મોતનો આંકડો ૪૧ ઉપર પહોંચ્યો*

સુરત: શહેરમાં થોડા દિવસો પહેલા આવેલા ભયંકર પૂર અને સતત વરસેલા મુશળધાર વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. પૂરના પાણી ઓસર્યા બાદ હવે શહેરમાંથી વધુ ૧૩ મૃતદેહો મળી આવ્યા છે. અહેવાલો મુજબ આ તમામ લોકોના મોત પાણીમાં ડૂબી જવાથી થયા છે. નવા ૧૩ મૃતદેહો મળવાની સાથે જ સુરતમાં પૂરના કારણે થયેલા મૃત્યુનો કુલ આંકડો વધીને ૪૧ ઉપર પહોંચી ગયો છે. રાહત અને બચાવ કામગીરી હજુ પણ પૂરજોશમાં ચાલુ છે. *

 

 *ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ નવ ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો હોવાના સત્તાવાર આંકડા જાહેર: દિલ્હી ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત દેશના ૧૮ રાજ્યોમાં ભારે વરસાદ તેમજ તોફાની પવન ફૂંકાવાની ચેતવણી

અમદાવાદ: હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ ગુજરાતમાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં કુલ સરેરાશ નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ નોંધાયેલો વરસાદ રાજ્યના કુલ સરેરાશ વરસાદના માત્ર ૨૪.૬૩ ટકા જેટલો જ થાય છે. 

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દેશના દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત કુલ ૧૮ જેટલા રાજ્યોમાં આગામી દિવસો માટે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની અને સાથે જ તોફાની પવન ફૂંકાવાની ગંભીર ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. 

 

 *સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસનો ભરડો, પાંચ બાળકોના મોત: હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ દર્દીઓ માટે ક્વૉરન્ટાઇન વ્યવસ્થા ઉભી કરાઇ*

સાબરકાંઠા: જિલ્લાના હિંમતનગર સિવિલમાં છેલ્લા ૧૪ દિવસમાં ચાંદીપુરા વાયરસના ૭ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં ૪ શંકાસ્પદ અને ૧ પોઝિટિવ સહિત કુલ ૫ બાળકોના કમકમાટીભર્યા મોત થયા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. અન્ય શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. આરોગ્ય વિભાગ દ્વારા ૪ ગામોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે.*

 

 *ડેટા સેન્ટર્સને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ, સિંગલ વિન્ડો સિસ્ટમથી પ્રોજેક્ટ મંજૂરી: સરકારે ડેટા સેન્ટર નીતિ ૨૦૨૬ થી ૨૯ ની નવી પોલિસી જાહેર કરી*

ગાંધીનગર: ગુજરાત સરકારે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ ૨૦૨૬ થી ૨૯ જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય હેતુ દેશ અને ગુજરાતમાં હાઇપસ્કેલ એઆઇ આધારિત ડેટા સેન્ટર વિકસાવવાનો છે. ધોલેરામાં ડેટા સેન્ટર સ્થાપવા માટે વિશેષ સહાય અને ૧૦ વર્ષ સુધી ૨.૫ ટકા મૂડી સહાય અપાશે. આ ઉપરાંત રૂપિયા ૬ લાખ કરોડનું રોકાણ અને મોટા પાયે રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે, જેનાથી ગુજરાત આર્થિક રીતે વધુ મજબૂત બનશે.*

 

 *ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ફ્રાન્સની ધમાકેદાર એન્ટ્રી, મોરક્કો સામે શાનદાર વિજય: રોમાંચક મેચમાં એમ્બાપ્પે અને ડેમ્બેલેના ગોલથી ફ્રાન્સનો વિજય*

વોશિંગ્ટન: ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સે મોરોક્કોને ૨-૦ થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગુરુવારે રમાયેલી આ રોમાંચક મેચમાં કિલિયન એમ્બાપ્પે અને ઉસ્માન ડેમ્બેલેના ગોલથી ફ્રાન્સનો વિજય થયો હતો. ડલાસ ખાતે મંગળવારે ફ્રાન્સ હવે સ્પેન અથવા બેલ્જિયમ સામે ટકરાશે. ફ્રાન્સ સતત ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલ રમવા તરફ આગળ વધી રહ્યું છે.*

 

 *ઈરાનના બુશહેરમાં ફરી મોટા ધડાકા, નવા યુદ્ધની શરૂઆત વચ્ચે ભારે ચિંતા: ટ્રમ્પ અને નેતન્યાહૂએ કરી ટેલિફોનિક વાતચીત*

ન્યૂયોર્ક: હોર્મુઝની ખાડીમાં ઈરાન દ્વારા ૩ જહાજો પર હુમલા બાદ અમેરિકાએ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. દક્ષિણ ઈરાનના કોનારકમાં ઈરાની નૌસેનાના ઠેકાણા પર મોટો હુમલો થયો છે. બુશેહર અને ચોગાદકમાં ૬ બોમ્બ બ્લાસ્ટ થયા છે. અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ૧૪ ના મોત અને ૭૮ ઘાયલ થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથે ચર્ચા કરી છે.*

 

 *મેલબોર્નથી વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત, ચેન્નઈમાં રમાશે બિગ બેશ લીગની ઓપનિંગ મેચ: બંને દેશો વચ્ચે રમતગમતના સંબંધો મજબૂત કરવા સ્પોર્ટ્સ રોડમેપ જાહેર*

મેલબોર્ન: વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બાનિઝે ઐતિહાસિક જાહેરાત કરી છે. ૨૦૨૬ થી ૨૭ ની બિગ બેશ લીગ સીઝનની શરૂઆત ભારતમાં થશે. ડિસેમ્બરમાં ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ચેપોક ખાતે મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ ઓસ્ટ્રેલિયા બહાર બિગ બેશ લીગની પ્રથમ મેચ હશે. બંને દેશો વચ્ચે રમતગમતના સંબંધો મજબૂત કરવા સ્પોર્ટ્સ રોડમેપ પણ જાહેર કરાયો છે.*

પેરિસમાં મોરોક્કોના પ્રવાસીઓનો હોબાળો: વર્લ્ડ કપમાં ફ્રાન્સ સામે હાર બાદ હિંસા ભડકી

​સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળતી માહિતી અનુસાર, વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ફ્રાન્સ સામે ૨-૦ થી પરાજય થતાં જ પેરિસમાં મોરોક્કોના  પ્રવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. મેચમાં મળેલી હાર બાદ પેરિસના વિવિધ વિસ્તારોમાં પ્રવાસીઓ દ્વારા તોડફોડ અને હિંસક પ્રદર્શનો શરૂ કરવામાં આવ્યા છે, જેના કારણે ત્યાં ભારે અરાજકતાનો માહોલ સર્જાયો છે.*

​* આગરામાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું: કમલા નગરમાં મુખ્ય રસ્તો ધસી પડ્યો

​ઉત્તર પ્રદેશના આગરા શહેરમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અહેવાલો અનુસાર, આગરાના થાણા કમલા નગર વિસ્તારમાં આવેલા કર્મયોગી ફુવારા રોડ પર વરસાદના કારણે એક મુખ્ય સડક વચ્ચેથી ધસી ગઈ છે, જેના લીધે ત્યાં એક મોટો ખાડો પડી ગયો છે અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.*

 

(10:49 AM IST)