News of Monday, 26th October 2026
બનાવટી વેબ સિરીઝ જોઈને શરૂ કરી અસલી ગુનાખોરી: પાંચ રાજ્યોમાં ફેલાયેલું નકલી નોટોનું આંતરરાજ્ય રેકેટ ઝડપાયું
રાજસ્થાન પોલીસનું 'ઓપરેશન નોટફ્લિક્સ': ફોટોશોપ, યુટ્યુબ અને ટેલિગ્રામની મદદથી ચાલતા કુખ્યાત કૌભાંડમાં 6 આરોપીઓની ધરપકડ : લુધિયાણાથી મુખ્ય સૂત્રધાર સકંજામાં

ડુંગરપુર : લોકપ્રિય વેબ સિરીઝ 'ફર્જી'ની કહાનીથી પ્રેરણા લઈને વાસ્તવિક દુનિયામાં નકલી ચલણનું સામ્રાજ્ય ઊભું કરનાર એક કુખ્યાત આંતરરાજ્ય ગેંગનો રાજસ્થાન પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનના ડુંગરપુર પોલીસે 'ઓપરેશન નોટફ્લિક્સ' હેઠળ સફળ કાર્યવાહી કરીને પાંચ અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલા આ મોટા રેકેટનો ભાંડો ફોડીને કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ અપરાધની શરૂઆત 29 સપ્ટેમ્બરના રોજ ડુંગરપુરના માડા સ્કૂલ ગ્રાઉન્ડ પાસેથી ભાવેશ ખાટીક અને નયન જોશી નામના શખ્સોની રૂપિયા 4,95,500ની નકલી ચલણી નોટો સાથે થયેલી ધરપકડથી થઈ હતી, જેણે પોલીસ તપાસમાં દેશભરમાં હડકંપ મચાવી દીધો છે.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે હરિયાણાના અંબાલાનો રહેવાસી આનંદ રાજપૂત આ વેબ સિરીઝથી પ્રેરિત થઈને નકલી નોટો છાપવાનો માસ્ટરમાઇન્ડ બન્યો હતો. આ ગેંગે ડિજિટલ ફાઇલો બનાવવા માટે ફોટોશોપ અને યુટ્યુબની મદદ લીધી હતી, જ્યારે ઉત્તર પ્રદેશના કાનપુરથી ઝડપાયેલા મોહમ્મદ આરિફ દ્વારા ટેલિગ્રામ ચેનલ 'અંકિત પેપર સેલર' મારફતે નોટો છાપવા માટેનો ખાસ કાગળ પૂરો પાડવામાં આવતો હતો. એટલું જ નહીં, છત્તીસગઢના દુર્ગથી પકડાયેલા તરુણ માલેકર પર રૂપિયા 500ની નોટ સંબંધિત અસલી જેવી દેખાતી ડિજિટલ ફાઇલ પ્રદાન કરવાનો ગંભીર આરોપ છે. આ નેટવર્ક રાજસ્થાનથી આગળ વધીને ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને છત્તીસગઢ સુધી યુ્દ્ધના ધોરણે વિસ્તરણ પામ્યું હતું.
પોલીસની પકડમાંથી બચવા માટે આ કેસનો મુખ્ય આરોપી રવિ કુમાર સતત પોતાના મોબાઈલ નંબર અને ઠેકાણા બદલીને નાસતો ફરતો હતો, પરંતુ ડુંગરપુર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે તેને ઘટનાસ્થળથી આશરે 1300 કિલોમીટર દૂર પંજાબના લુધિયાણા રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. હાલ ડુંગરપુર પોલીસે રવિ કુમાર, આનંદ રાજપૂત, મોહમ્મદ આરિફ, તરુણ માલેકર તેમજ સ્થાનિક સાગરીતો ભાવેશ ખાટીક અને નયન જોશી સહિત તમામ છ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. બજારમાં આ ગેંગ દ્વારા કુલ કેટલું નકલી ચલણ ફરતું કરવામાં આવ્યું છે અને આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
