News of Thursday, 15th October 2026
ખેડૂતો માટે જીએસટી કરરાહતની ભલામણ: વાવણી માટેના બીજના સંગ્રહ અને કોફીની પ્રક્રિયાને મુક્તિ, ફરી રબર ચઢાવેલા ટ્રેક્ટરના ટાયર પર પાંચ ટકા દર રાખવા નિર્ણય

નવી દિલ્હી: માલ અને સેવા કર પરિષદ - જીએસટીની ૮ ઓક્ટોબરે મળેલી ૫૭મી બેઠકમાં ખેતી સાથે સંકળાયેલી કેટલીક વસ્તુઓ અને સેવાઓ માટે કરરાહતની ભલામણ કરવામાં આવી છે. તેમાં વાવણી માટેનાં બીજના સંગ્રહ અને ગોદામ સેવાઓને કરમુક્તિ આપવાનો સમાવેશ થાય છે. બીજ ‘ખેતપેદાશ’ની વ્યાખ્યામાં આવે છે કે નહીં, તેના આધારે આ રાહત અટકશે નહીં.
વાવણી પહેલાં બીજનું વર્ગીકરણ, માવજત અને પેકિંગ થતું હોવાથી અગાઉ સંગ્રહસેવાની કરમુક્તિ અંગે અસ્પષ્ટતા રહેતી હતી. હવે વાવણીના ઉપયોગને ધ્યાનમાં રાખીને અલગ મુક્તિ સૂચવાઈ છે. આ જોગવાઈ ખાવા માટે કે ઔદ્યોગિક ઉપયોગ માટે રાખવામાં આવતાં બીજને લાગુ પડતી નથી.
પરિષદે ખેડૂતોને આપવામાં આવતી કોફી સૂકવવા, સાફ કરવા અને વર્ગીકરણ જેવી પ્રક્રિયાની સેવાઓને પણ કરમુક્ત કરવાની ભલામણ કરી છે. ઇસબગુલનાં બીજ માટે તાજાં કે સૂકાં સહિતનાં સ્વરૂપોમાં શૂન્ય કરદર સૂચવાયો છે. ફરી રબર ચઢાવેલા ટ્રેક્ટરના ટાયરનો દર ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા રાખવાની ભલામણથી નવા અને આવા ટાયરનો કરદર સમાન થશે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
