News of Thursday, 25th June 2026
ગરમીના વધતા પારા સાથે ૮૧ દિવસમાં એરકન્ડીશનર્સનું રેકોર્ડજનક વેચાણ થયું
GSTની પોઝિટીવ અસર, ભાવ વધ્યાં પરંતુ વેચાણને અસર નહીં

મુંબઇ તા.૨૫: આ વર્ષે સુપર અલનીનોની અસર અને દેશમાં અસહ્ય ગરમીના કારણે એરકન્ડીશનર્સ ઇન્ડસ્ટ્રીઝ માટે નાણાવર્ષ ૨૦૨૭ની શરૂઆત મજબૂત રહી છે. ભૌગોલિક-રાજકીય તણાવ હોવા છતાં એપ્રિલથી જૂન દરમિયાન એર કંડિશનર તથા રેફ્રિજરેટરની માંગમાં ૧૭-૧૮% નો વધારો થયો હોવાનું વોલ્ટાસ લિમિટેડના આરએસી બિઝનેસના પ્રમુખ જયંત બાલને જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું કે વોલ્ટાસે માત્ર ૮૧ દિવસમાં રેકોર્ડ ૧૦ લાખ એસીનું વેચાણ કર્યું છે અને ગુજરાત મહત્વનું માર્કેટ છે સાથે હાઈ ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવ્યો છે. કંપનીના કુલ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ગુજરાતના
મહત્વના યોગદાનને ધ્યાનમાં લેતા અને વધતી ગ્રાહક આકાંક્ષાઓ-ઊર્જા-કાર્યક્ષમ ટેકનોલોજીઓની માગણીને કારણે અમદાવાદ કૂલિગ અને હોમ એપ્લાયન્સીસ ઉદ્યોગ માટે મુખ્ય વિકાસશીલ બજારોમાંનું એક છે. શહેરમાં પ્રથમ COCO સ્ટોરની રજૂઆત કરાઈ છે જેનાથી ગ્રાહકો સાથેના સીધા જોડાણને મજબૂત બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે, દેશમાં અત્યાર સુધીમાં કોકો મોડલ હેઠળ ૬ સ્ટોર્સની રજૂઆત કરાઈ છે અને વર્ષાન્ત સુધીમાં ૧૦-૧૨ સ્ટોર સુધી વિસ્તરણ કરાશે.
વધુમાં તેઓએ જણાવ્યું કે ઈરાન યુદ્ધના કારણે ઊભા થયેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને કાચા માલની કિમતોમાં વધારો થવાના કારણે ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો હતો પરંતુ અગાઉ સરકારે જીએસટીમાં રાહત આપી હતી તેનો ફાયદો મળી રહ્યો છે. આ વખતે નબળા ચોમાસાની આશંકા છે. જૂન મહિનામાં જ ઓછો વરસાદ પડયો છે જેની પણ એસીના વેચાણ પર પોઝિટીવ અસર રહી છે. આ ઉનાળામાં એર કંડિશનરના વેચાણે નવો ઈતિહાસ રચ્યો છે. કિમતોમાં ૮-૧૨% નો વધારો થવા છતાં માંગમાં વૃદ્ધિ નોંધાઈ છે. કંપનીના કુલ વેચાણમાં ૪૫ ટકા હિસ્સો ઇએમઆઈ આધારિત રહ્યો છે. ગ્રાહકોની વધી રહેલી જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા ઈનોવેશન સાથે અદ્યતન ટેકનોલોજી પ્રોડક્ટ પોર્ટફોલિયો વિસ્તારવામાં આવી રહ્યો છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
