News of Thursday, 3rd September 2026
દિલ્હીવાસીઓ માટે રેડ અલર્ટ: ઓગસ્ટમાં ડેન્ગ્યુનો પહાડ જેવો વિસ્ફોટ, મચ્છર કરડ્યા બાદ કેટલા દિવસે દેખાય છે જોખમી લક્ષણો?
જુલાઈ કરતા બમણાથી વધુ કેસ નોંધાયા: MCD દ્વારા ૧.૨૫ લાખ ઘરોમાંથી મચ્છરોના લાર્વા ઝડપાયા, ૯૦ હજારથી વધુ લોકોને કાનૂની નોટિસ

નવી દિલ્હી | તા.૦૩: દેશની રાજધાની દિલ્હીમાં ચોમાસાની ઋતુ વચ્ચે મચ્છરજન્ય બીમારીઓએ કેર વર્તાવવાનું શરૂ કર્યું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ચિંતાજનક આંકડા અનુસાર, ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસોમાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે. જુલાઈ મહિનાની સરખામણીએ ઓગસ્ટમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા બમણાથી પણ વધી ગઈ છે, જેના કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને દિલ્હીવાસીઓને ભારે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.
MCD ની રિપોર્ટ મુજબ, ૨૯ ઓગસ્ટ સુધીમાં દિલ્હીમાં ડેન્ગ્યુના કુલ ૩૧૧ કેસ, મેલેરિયાના ૧૧૯ કેસ અને ચિકનગુનિયાના ૨૨ કેસ નોંધાઈ ચૂક્યા છે. ચિંતાજનક વાત એ છે કે સામાન્ય રીતે ચોમાસામાં ફેલાતો ડેન્ગ્યુ આ વર્ષે એપ્રિલ મહિનાથી જ પગપેસારો કરી ચૂક્યો હતો, જેમાં એપ્રિલમાં જ પ૨ કેસ સામે આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ ત્રણેય મચ્છરજન્ય રોગોથી અત્યાર સુધી રાજધાનીમાં એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી.
સ્થિતિ પર કાબૂ મેળવવા માટે MCD ની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે મચ્છર નિયંત્રણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૨.૫ કરોડથી વધુ ઘરોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી આશરે ૧.૨૫ લાખ ઘરોમાં મચ્છરોના લાર્વા (પોરા) મળી આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૬.૭૫ લાખ ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે, જ્યારે બેદરકારી દાખવનાર ૯૦,૦૦૦ થી વધુ ઘરમાલિકોને કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એડીસ મચ્છર કરડ્યા બાદ ડેન્ગ્યુના લક્ષણો દેખાવામાં સામાન્ય રીતે ૪ થી ૧૦ દિવસનો સમય લાગે છે (જેને ઈન્ક્યુબેશન પીરિયડ કહેવાય છે). શરૂઆતમાં સખત તાવ, માથાનો અસહ્ય દુખાવો, આંખોની પાછળ દુખાવો, સ્નાયુઓ અને સાંધાનો દુખાવો તેમજ શરીર પર લાલ ચકમા દેખાવા જેવા લક્ષણો સામે આવે છે. તબીબોએ ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા અને મચ્છરદાની કે મોસ્કિટો રેપેલન્ટનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
