News of Tuesday, 21st April 2026
કેદારનાથ ધામમાં હવે 'રીલ્સ' અને ફોટોગ્રાફી પર ફૂલ સ્ટોપ: મંદિર પરિસરમાં મોબાઈલ લાવવા પર પ્રતિબંધ, નિયમ તોડનારાઓ સામે લેવાશે કડક કાનૂની પગલાં
ભક્તિના નામે 'સોશિયલ મીડિયા ફેમ' મેળવનારાઓ પર તંત્રની તરાપ: કેદારનાથ મંદિરની મર્યાદા અને પવિત્રતા જાળવવા પ્રશાસનનો મોટો નિર્ણય

કેદારનાથ (ઉત્તરાખંડ):વિશ્વપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ ધામની પવિત્રતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા એક મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મંદિર પરિસરમાં વ્લોગર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હવે મંદિરની અંદર મોબાઈલ ફોનના ઉપયોગ પર પૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
મંદિર પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ, હવેથી કોઈ પણ શ્રદ્ધાળુ કે પ્રવાસી મંદિરની અંદર ફોટોગ્રાફી કે વ્લોગિંગ કરી શકશે નહીં.
ગર્ભગૃહ અને મંદિરના મુખ્ય પરિસરમાં કેમેરા કે મોબાઈલથી ફોટા પાડવા કે વીડિયો બનાવવા પર કડક પ્રતિબંધ રહેશે.
રીલ્સ બનાવવા પર રોક: ભક્તિના વાતાવરણમાં ખલેલ પહોંચાડતા 'રીલ્સ' બનાવનારાઓ સામે પ્રશાસન હવે લાલ આંખ કરશે.
મંદિર પરિસરમાં ઠેર-ઠેર સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેમાં શ્રદ્ધાળુઓને સૂચના આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ નિયમ તોડશે અથવા ચોરી-છૂપીથી વીડિયો બનાવતા પકડાશે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, ભક્તોના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવી શકે છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેદારનાથ મંદિરના પરિસરમાંથી અનેક એવા વીડિયો વાયરલ થયા હતા જે ધાર્મિક લાગણી દુભાવનારા હતા. મંદિર સમિતિનું માનવું છે કે ભક્તો અહીં બાબાના દર્શન અને આશીર્વાદ લેવા આવે છે, નહીં કે વીડિયો શૂટિંગ કરવા. આ નિર્ણયથી સામાન્ય શ્રદ્ધાળુઓને શાંતિથી દર્શન કરવાની તક મળશે અને ધામની આધ્યાત્મિક ગરિમા જળવાઈ રહેશે
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
