News of Sunday, 28th June 2026
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો માટે રાહતના સમાચાર: ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા પ્રતિબંધો હટાવી લેવાયા
સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની શરતે પર્સિયન ગલ્ફમાં ભારતીય જહાજો અને નાવિકોની અવરજવરને મળી મંજૂરી

મુંબઈ :ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DGS) દ્વારા ૨૮ જૂન, ૨૦૨૬ ના રોજ એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને હોર્મુઝ સ્ટ્રેટ અને સંઘર્ષગ્રસ્ત ગલ્ફ રિજનમાં ભારતીય જહાજો તથા નાવિકોની તૈનાતી પરનો અગાઉનો પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. શિપિંગ રેગ્યુલેટરે સ્પષ્ટ કર્યું છે કે જહાજ માલિકો અને પ્લેસમેન્ટ એજન્સીઓ હવે સુરક્ષા પ્રોટોકોલને આધિન રહીને આ વિસ્તારમાં વ્યવસાયિક કામગીરી કરી શકશે, જેનાથી દરિયાઈ વેપારને મોટું પ્રોત્સાહન મળશે.
આ સુધારેલા આદેશમાં વહીવટીતંત્ર દ્વારા એજન્સીઓને દરિયાકાંઠાના રાજ્યોના કાયદાઓ અને સુરક્ષા એજન્સીઓની ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. જોકે પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે, તેમ છતાં જહાજોએ આ સંવેદનશીલ વિસ્તારમાં સંચાલન કરતી વખતે ઉચ્ચ સ્તરની સાવધાની રાખવી પડશે અને તમામ પ્રકારની નેવિગેશનલ ચેતવણીઓનું સતત મોનિટરિંગ કરવું અનિવાર્ય રહેશે.
પર્સિયન ગલ્ફ રિજનમાં જહાજોની અવરજવર માટે લેવાયેલો આ નિર્ણય ભારતીય મેરિટાઇમ સેક્ટર માટે રાહત સમાન છે. અગાઉ, સુરક્ષાના કારણોસર જે નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, તેના કારણે અનેક જહાજ માલિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે નવી સૂચનાઓ સાથે શિપિંગ ક્ષેત્રમાં કામ કરી રહેલા હજારો ભારતીય નાવિકો માટે રોજગારીની તકો અને જહાજોના સંચાલનમાં સરળતા રહેશે.
ભૂતકાળમાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવને પગલે સલામતી માટે આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, પરંતુ હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિયમનકારે આ છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. ભવિષ્યમાં પણ સુરક્ષાની સ્થિતિને આધારે પ્રોટોકોલ્સમાં ફેરફાર થઈ શકે છે. દરિયાઈ સુરક્ષા માટે સરકાર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે, જેથી ભારતીય જહાજો અને નાગરિકોની સલામતી સાથે કોઈ પણ બાંધછોડ ન થાય.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
