News of Thursday, 30th April 2026
નીતાભાભી સાથે ‘વાટકી વહેવાર' કરવો હોય તો એન્ટીલિયા પાસેનો ફલેટ ભાડે ઉપલબ્ધ
મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર ‘એન્ટીલિયા' પાસે પેડર રોડ પર એક 4BHK ફલેટ ભાડે માટે ઉપલબ્ધ છેઃ તેનું મહિનાનું ભાડું અને સિક્યુરિટી ડિપોઝિટની રકમ સાંભળીને તમે ડઘાઈ જશો : આ ફલેટ ૩૦૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે તેમાં ૩ બેડરૂમ, ૪ બાથરૂમ અને એક પાઉડર રૂમ છેઃ મહિનાનું ભાડું ૧૨ લાખ રૂપિયાઃ ફક્ત ડિપોઝિટ તરીકે તમને ૭૨ લાખ રૂપિયા જમા કરાવવા પડશે

મુંબઈ,તા.૩૦: મુંબઈમાં પોતાનું ઘર હોવું કોઈ સપનાથી ઓછું નથી, અને જો એ ઘર સાઉથ મુંબઈમાં હોય... અને તે પણ દેશના સૌથી તવંગર માણસ મુકેશ અંબાણીના મહેલ ‘એન્ટીલિયા'ના બિલકુલ પડોશમાં હોય, તો પછી વાત જ શું કરવી! પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અંબાણી સાહેબના વિસ્તારમાં રહેવાની કેટલી કિમત ચૂકવવી પડે? વિચારો તમારો વાટકી વહેવાર નીતા અંબાણી સાથે હોય તો? આજ કાલ સોશિયલ મીડિયા પર અંબાણીના ઘરના નજીક આવેલા એક 4BHK ફલેટનો વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ ફલેટનું અંદરનું દ્રશ્ય જેટલું ભવ્ય છે, તેનું ભાડું સાંભળીને સામાન્ય માણસના પગ નીચેની જમીન પણ ભવ્યતાથી ખસી જશે એવું કહેવામાં કંઈ ખોટું નથી.
આ ફલેટ પેડર રોડ પર આવેલી પ્રસિદ્ધ અને ઐતિહાસિક ‘માર્લબોરો હાઉસ'માં છે. ૧૯૩૮માં બનેલી આ ‘આર્ટ ડેકો' શૈલીની બિલ્ડિંગ પોતે જ મુંબઈના ઇતિહાસનું એક પાનું છે. મિડ ડેની એક રિપોર્ટ મુજબ, તેને પ્રસિદ્ધ બ્રિટિશ આર્કિટેક્ટ ક્લોડ બેટલેએ એક જર્મન મહિલાની માટે ડિઝાઇન કર્યું હતું, જે વર્લ્ડ વોર ત્ત્ના કારણે ભારત છોડી ગઈ અને ક્યારેય આ ઘરમાં રહી જ ન શકી. ૧૯૪૫માં તેને રામજી હંસરાજ કમાણીએ ખરીદી લીધી હતી. આ સમગ્ર બિલ્ડિંગમાં માત્ર ૬ ફલેટ છે.
લક્ઝરી રિયલ એસ્ટેટ કન્ટેન્ટ ક્રિએટર ગૌરવ બોધિજા Realty sharks એ આ ફલેટના રિનોવેશન બાદનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. હવે જરા દિલ થામો, કારણ કે આ ૪ગ્ણ્ધ્ ફલેટનું મહિનાનું ભાડું ૧૨ લાખ રૂપિયા માંગવામાં આવી રહ્યું છે. થોભો જરા, હજુ ટ્વિસ્ટ બાકી છે. આ ફલેટમાં શિફટ થવા માટે તમને એડવાન્સ સિક્યુરિટી ડિપોઝિટ તરીકે ૬ મહિનાનું ભાડું આપવું પડશે. એટલે કે ફક્ત ડિપોઝિટ તરીકે તમને ૭૨ લાખ રૂપિયા જમા કરાવવા પડશે. એટલા પૈસામાં તો ભારતમાં કોઈપણ ટિયર ૨ શહેરમાં એક સારું ઘર ખરીદી શકાય!
જો તમને લાગતું હોય કે કે એટલા પૈસામાં શું સોનાની દીવાલો મળશે, તો ચાલો જરા એ પણ જાણી લઈએ કે આ ફલેટમાં છે શું? આ ફલેટ ૩૦૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે
તેમાં ૩ બેડરૂમ, ૪ બાથરૂમ અને એક પાઉડર રૂમ છે. મુંબઈ જેવા શહેરમાં જ્યાં બાલ્કનીના નામે માત્ર કબૂતર ખાના કે માચીસની ડબ્બી જેવી જગ્યા મળે છે, ત્યાં આ ફલેટમાં ૭૫૦ સ્ક્વેર ફૂટનો પ્રાઇવેટ અને લીલોછમ ગાર્ડન છે. સાથે ૨ કાર પાર્કિગ, સર્વન્ટ ક્વાર્ટર અને પિકલ બોલ કોર્ટનો એક્સેસ પણ મળે છે. એ વાત અલગ છે કે ભાડું કે ડિપોઝિટ બેમાંથી કંઇપણ ભર્યું તો બાકી બધું વસાવવા માટે કંઈ બચશે કે નહીં એ ખબર નથી.
સાવ સીધી વાત છે, જ્યારે ૧૨ લાખ રૂપિયા મહિનાનું ભાડું સોશિયલ મીડિયા પર ચર્યાય, તો મીમર્સ અને સામાન્ય લોકો શાંત કેવી રીતે બેસે. વીડિયો ના કોમેન્ટ સેક્શનમાં લોકો આ બાબતની મજા લઈ રહ્યા છે. એક યુઝરે મજાકમાં પૂછ્યું કે જો હું તેમના મુકેશ અંબાણીના પડોશમાં રહીશ તો શું અંબાણી મને આ પૈસા આપશે? બીજા એક યુઝરે લખ્યું કે હું આ જ વિસ્તારમાં ઘર શોધી રહ્યો છું, તમારી પાસે આનાથી પણ વધુ મોંઘું કંઈ છે? કદાચ એમ બને કે આપણા જેવા સામાન્ય માણસ માટે આ ફલેટનું ભાડું સાંભળવું પણ ગરીબીનો અહેસાસ કરવા જેવું હશે પરંતુ મુંબઈના અરબપતિઓ માટે આ કદાચ સામાન્ય વાત હશે. જો તમારે માટે આ ભાડું કોઈ ભરવા તૈયાર હોય અથવા તો તમને ટંકશાળ મળે તો તમે અહીં ૧૨ લાખ રૂપિયાનું ભાડું આપી રહેવા તૈયાર થશો?
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
