<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

રૂપિયાને પાતાળમાં જતો રોકવા રિઝર્વ બેંક એક્શન મોડમાં: વ્યાજદરમાં વધારો અને NRI પાસેથી $૫૦ અબજ એકત્ર કરવા સહિતના મોટા પગલાંની તૈયારી

અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ૯૭ ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચતા જ કેન્દ્રીય બેંકમાં બેઠકોનો દોર શરૂ; વર્ષ ૨૦૧૩ ની આર્થિક કટોકટી જેવી કડક નીતિઓ ફરી લાગુ થવાના સંકેત

મુંબઈ : અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં થઈ રહેલા સતત ઘટાડાને અટકાવવા અને ચલણને સ્થિર કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) હવે આરપારના મૂડમાં આવી ગઈ છે. આ બાબતથી પરિચિત ટોચના વર્તુળોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય બેંક પોતાના ભાથામાં રહેલા તમામ સંભવિત આર્થિક હથિયારોનો ઉપયોગ કરવાનું મૂલ્યાંકન કરી રહી છે. આ વ્યૂહરચના હેઠળ વ્યાજદરમાં તાકીદનો વધારો કરવો, કરન્સી સ્વેપ વિન્ડો ખોલવી અને વિદેશી રોકાણકારો તેમજ બિન-નિવાસી ભારતીયો (NRIs) પાસેથી મોટા પાયે ડોલર ભંડોળ એકત્ર કરવા જેવા આકરા પગલાં સામેલ હોઈ શકે છે.
રૂપિયો ૯૭ ની સપાટી વટાવી જતાં આરબીઆઈ એલર્ટ
ચાલુ સપ્તાહે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રૂપિયો ગબડીને ડોલર સામે ૯૭ ની તદ્દન નવી અને ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ચલણની આ ઝડપી પડતી રોકવા માટે આરબીઆઈના ઉચ્ચ અધિકારીઓએ તાકીદની આંતરિક બેઠકોનો દોર શરૂ કર્યો છે. નીતિ નિર્માતાઓમાં હવે એવી ચિંતા વધી રહી છે કે રૂપિયો અપેક્ષા કરતાં વધુ ઝડપથી નબળો પડી રહ્યો છે. જો કે, અધિકારીઓનું માનવું છે કે દેશની બેંકિંગ સિસ્ટમ અને આર્થિક પાયો (Fundamentals) આજે પણ અત્યંત મજબૂત છે, પરંતુ આ મજબૂતાઈ વિનિમય દરમાં દેખાઈ રહી નથી. આથી, અત્યારે આરબીઆઈની ટોચની પ્રાથમિકતા રૂપિયાનું અવમૂલ્યન રોકવાની છે અને તે માટે બેંક ગમે તે કરવા તૈયાર છે.
જૂનની પોલિસી પહેલાં જ વ્યાજદરમાં આવી શકે છે મોટો ઉછાળો
રૂપિયાને ટેકો આપવા માટે સેન્ટ્રલ બેંક પાસે વ્યાજદરમાં વધારો કરવાનો એક મોટો વિકલ્પ ટેબલ પર છે. જો કે આગામી ધિરાણ નીતિ (Monetary Policy) ની બેઠક ૩ થી ૫ જૂન દરમિયાન સુનિશ્ચિત થયેલી છે, પરંતુ કટોકટીને જોતાં આરબીઆઈ શેડ્યૂલ બહાર જઈને પણ વ્યાજદર વધારી શકે છે. અગાઉ મે ૨૦૨૨ માં પણ બેંકે આવો જ આઉટ-ઓફ-સાયકલ નિર્ણય લીધો હતો. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પીએલસીના મતે, ચાલુ નાણાકીય વર્ષમાં વ્યાજદરમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે, જેની શરૂઆત જૂન મહિનાથી થવાની પ્રબળ સંભાવના છે.
વર્ષ ૨૦૧૩ ની કટોકટી જેવી ફોર્મ્યુલાથી $૫૦ અબજ લાવવાનું આયોજન
આરબીઆઈ દ્વારા અત્યારે જે આર્થિક મોરચે આયોજન થઈ રહ્યું છે તે વર્ષ ૨૦૧૩ ના પ્રખ્યાત 'ટેપર ટેન્ટ્રમ' (Taper Tantrum) સમયગાળાની યાદ અપાવે છે. એ સમયે પણ વિદેશી ચલણનો પ્રવાહ વધારવા ભારતે સ્થાનિક બેંકો દ્વારા એનઆરઆઈ માટે વિશેષ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી હતી. કેન્દ્રીય બેંકનો અંદાજ છે કે આ વખતે આવી ડિપોઝિટ સ્કીમ દ્વારા વૈશ્વિક બજારમાંથી આશરે $૫૦ અબજ ડોલર એકત્ર કરી શકાશે, જે અગાઉના સમય કરતાં ઘણી વધારે છે. આ ઉપરાંત, સરકાર દ્વારા સોવરિન ડોલર બોન્ડ બહાર પાડવાની બાબત પર પણ વિચારણા થઈ શકે છે.
વૈશ્વિક એજન્સીઓ દ્વારા રૂપિયાના મૂલ્યનું અનુમાન
આંતરરાષ્ટ્રીય સ્તરે એબરડીન ઇન્વેસ્ટમેન્ટ્સ અને મેટલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ જેવી દિગ્ગજ સંસ્થાઓ આગામી સમયમાં રૂપિયો નબળો પડીને પ્રતિ ડોલર ૧૦૦ ની સપાટી સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરી રહી છે. જ્યારે ડીબીએસ (DBS) ગ્રુપ હોલ્ડિંગ્સે પણ પોતાની આગાહી સુધારીને ૯૫ થી ૧૦૦ ની વચ્ચે કરી છે. આ સેન્ટિમેન્ટના કારણે બજારમાં બોન્ડ યીલ્ડ વધવા લાગ્યા છે. ૫-વર્ષનું બોન્ડ યીલ્ડ ૧૪ બેસિસ પોઈન્ટ વધીને ૭.૦૧ ટકા અને ૧૦-વર્ષનું યીલ્ડ ૭.૧૩ ટકા પર પહોંચી ગયું છે.
જેપી મોર્ગનના વૈશ્વિક ઉભરતા બજારોની વ્યૂહરચનાના સહ-મુખ્ય રાજીવ બત્રાના જણાવ્યા મુજબ, આરબીઆઈએ કોઈ એક એકલા પગલા પર નિર્ભર રહેવાને બદલે એકસાથે અનેક આર્થિક મોરચે હુમલો કરવો પડશે જેથી ઇક્વિટી, વ્યાજદર અને ચલણ એમ ત્રણેય સંપત્તિ વર્ગોને સ્થિરતા આપી શકાય. એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ફુગાવો બમણો થઈને ૮.૩ ટકા થતાં રિટેલ માર્કેટ પર પણ દબાણ વધ્યું છે, જેથી વ્યાજદરમાં વધારો આયાતી સોના અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની માંગ ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

(7:24 PM IST)