<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

રેસ્ટોરન્ટ માલિકો ગ્રાહકોની સંમતિ વિના બિલમાં આપમેળે સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં: દિલ્હી હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

હોટલ અને રેસ્ટોરન્ટમાં વસૂલાતા સર્વિસ ચાર્જ મુદ્દે દિલ્હી હાઈકોર્ટ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા :કોર્ટે 28 માર્ચ 2025 ના સિંગલ જજના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો

નવી દિલ્હી :જો તમે પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો અને બિલમાં આપમેળે ઉમેરાઈ જતા સર્વિસ ચાર્જથી પરેશાન છો, તો દિલ્હી હાઈકોર્ટ તરફથી ગ્રાહકો માટે અત્યંત રાહતરૂપ સમાચાર આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમણે રેસ્ટોરન્ટ અને હોટલોને ગ્રાહકો પાસેથી આપમેળે સર્વિસ ચાર્જ વસૂલવાની કોઈ મંજૂરી આપી નથી. એટલે કે, અગાઉના પ્રતિબંધાત્મક આદેશ પર રોક લગાવવામાં ન આવી હોવાથી કોઈ પણ રેસ્ટોરન્ટ ગ્રાહકોની સંમતિ વિના બિલમાં પોતાની મરજીથી સર્વિસ ચાર્જ જોડી શકશે નહીં.

 

આ સમગ્ર મામલો નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) અને ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા (FHRAI) દ્વારા દાખલ કરાયેલી અપીલ સાથે જોડાયેલો છે, જેમાં સિંગલ જજના ચુકાદાને પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટે તેમની અપીલ સુનાવણી માટે સ્વીકારી છે, પરંતુ જૂના આદેશ પર સ્ટે મૂક્યો નથી.

 

એક્ટિંગ ચીફ જસ્ટિસ નીતિન વાસુદેવ સામ્બ્રે અને જસ્ટિસ સંજય શર્માની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે 28 માર્ચ 2025 ના સિંગલ જજના આદેશ પર કોઈ વચગાળાની રાહત અપાઈ નથી. કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે કેટલાક રેસ્ટોરન્ટ જૂના ચુકાદા છતાં સર્વિસ ચાર્જને ફરજિયાત ગણાવીને વસૂલી રહ્યા છે, જે કોર્ટના આદેશનું સીધું ઉલ્લંઘન છે.

 

 

 

ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ જુલાઈ 2022 માં ગાઈડલાઈન્સ જારી કરીને ગ્રાહકોની મંજૂરી વિના બિલમાં સર્વિસ ચાર્જ ઉમેરવા પર રોક લગાવી હતી, કારણ કે ગ્રાહકો પાસેથી 5% થી 20% સુધીનો ચાર્જ વસૂલાતો હતો. માર્ચ 2025 માં સિંગલ જજે CCPA ની ગાઈડલાઈન્સને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે સર્વિસ ચાર્જ આપવો ગ્રાહકની મરજી પર નિર્ભર છે અને તેને ફરજિયાત બનાવવો એ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019 હેઠળ અયોગ્ય વેપાર વ્યવહાર ગણાય છે, તેમજ રેસ્ટોરન્ટ તેને સરકારી ટેક્સ ગણાવી ગેરસમજ ઊભી ન કરી શકે.

બીજી તરફ, NRAI અને FHRAI એ દલીલ કરી હતી કે સર્વિસ ચાર્જ કર્મચારીઓના પગાર સાથે જોડાયેલો છે અને મેનૂમાં તેની અગાઉથી જાણકારી અપાય છે, પરંતુ હાલ હાઈકોર્ટે જૂના આદેશ પર રોક ન લગાવતા ગ્રાહકોને મોટી રાહત મળી છે.

(11:01 PM IST)