News of Monday, 9th November 2026
કાશ્મીરમાં આતંકવાદના દાયકાઓ બાદ પ્રાચીન મંદિરોનો પુનરુદ્ધાર : શ્રીનગરનું ઐતિહાસિક શીતલનાથ મંદિર ફરી ધમધમ્યું, ૩૫૦ સ્થળે જીર્ણોદ્ધાર શરૂ
૧૯૯૦ના દાયકામાં બંધ પડેલાં તથા નુકસાન પામેલાં મંદિરોને પુનર્જીવિત કરવાની કવાયત : ૩૫ વર્ષના લાંબા અંતરાલ બાદ શીતલનાથ મંદિરના પુનર્નિર્મિત સંકુલનું ઉદ્ઘાટન : વૈતાલ ભૈરવ મંદિરના જીર્ણોદ્ધાર માટે ૨.૮૪ કરોડ : બારામુલ્લામાં પ્રાચીન શિવલિંગનું સંરક્ષણ : કાશ્મીર ખીણમાં નોંધાયેલાં ૪૩૮ મંદિરો પૈકી ૨૦૮ને નુકસાન થયાનો સત્તાવાર આંકડો

શ્રીનગર, તા. ૯ : જમ્મુ-કાશ્મીરમાં વર્ષો સુધી આતંકવાદ, સ્થળાંતર અને ઉપેક્ષાને કારણે નુકસાન પામેલાં અનેક પ્રાચીન હિન્દુ મંદિરો અને ધાર્મિક સ્થળોના જીર્ણોદ્ધારની કામગીરી શરૂ થઈ છે. ખાસ કરીને શ્રીનગર અને બારામુલ્લા જિલ્લામાં ઐતિહાસિક મંદિરોના પુનર્નિર્માણ અને સંરક્ષણ માટે સરકારી તંત્ર તથા કાશ્મીરી પંડિતોની ધાર્મિક સંસ્થાઓ સક્રિય બની છે. શ્રીનગરના હબ્બા કદલ વિસ્તારનું ઐતિહાસિક શીતલનાથ ભૈરવ મંદિર સપ્ટેમ્બર મહિનામાં જીર્ણોદ્ધાર બાદ ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાશ્મીરી પંડિતોએ હવન, વૈદિક મંત્રોચ્ચાર અને પૂજાઅર્ચના કરી હતી. સ્થાનિક મુસ્લિમ સમાજના લોકોએ પણ આ પ્રસંગને આવકાર્યો હતો.
શ્રીનગરના ક્રાલખુદ વિસ્તારમાં આવેલું શીતલનાથ મંદિર કાશ્મીરી પંડિતો માટે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. સ્થાનિક પરંપરા મુજબ તેને શ્રીનગરના આઠ ભૈરવ સ્થાનકો પૈકીનું એક માનવામાં આવે છે. આ મંદિર વર્ષ ૧૯૯૧માં આગને કારણે ભારે નુકસાન પામ્યું હતું. વર્ષ ૨૦૨૧માં વસંતપંચમીના દિવસે અહીં ફરી પૂજાઅર્ચના શરૂ કરવાનો પ્રયાસ થયો હતો અને હવન યોજાયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં મંદિરના વ્યાપક પુનર્નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગર્ભગૃહ અને હવનશાળા સહિતના ભાગોનું કામ પૂર્ણ થતાં ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ મુખ્ય સચિવ અટલ દુલ્લૂની ઉપસ્થિતિમાં પુનર્નિર્મિત સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું જ કેન્દ્ર નહોતું, પરંતુ કાશ્મીરની સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ મહત્ત્વનું સ્થળ હતું. અહીં જન્માષ્ટમી, વસંતપંચમી સહિતના તહેવારોની ઉજવણી થતી હતી. મંદિર પરિસરમાં અગાઉ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી. મુખ્ય સચિવ અટલ દુલ્લૂએ મંદિરના પુનરુદ્ધાર પ્રસંગે જણાવ્યું હતું કે આવા ઐતિહાસિક ધાર્મિક સ્થળોનું સંરક્ષણ ભાવિ પેઢીઓ માટે અત્યંત જરૂરી છે.
દરમિયાન શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક વૈતાલ અથવા વિટ્ટલ ભૈરવ મંદિરના જીર્ણોદ્ધાર માટે ૨ કરોડ ૮૪ લાખ રૂપિયાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. મુખ્ય સચિવ અટલ દુલ્લૂએ ૧૭ ઓક્ટોબરે તેના પુનરુદ્ધારનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ મંદિરની મૂળ સ્થાપત્યકળા અને ધાર્મિક મહત્ત્વ જળવાઈ રહે તે રીતે પુનર્નિર્માણ કરવામાં આવશે. આ પ્રસંગે કાશ્મીરના ડિવિઝનલ કમિશનર અંશુલ ગર્ગ, શ્રીનગરના ડેપ્યુટી કમિશનર અક્ષય લાબરૂ તથા કાશ્મીરી પંડિત સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રૈનાવારીના જોગી લંગર વિસ્તારમાં આવેલા પ્રાચીન વૈતાલ ભૈરવ મંદિરમાં ૨૮ એપ્રિલ, ૨૦૧૬ના રોજ લગભગ ૨૭ વર્ષ બાદ ફરી સામૂહિક પૂજા યોજાઈ હતી. દેશ-વિદેશથી કાશ્મીરી પંડિતો ત્યાં પહોંચ્યા હતા. મંદિરની જમીનને લગતા વિવાદો બાદ સ્થાનિક કાશ્મીરી પંડિતો અને મુસ્લિમ નાગરિકોના સહકારથી મંદિરને પુનર્જીવિત કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. હવે તેના વધુ વ્યાપક જીર્ણોદ્ધાર માટે સરકારી પ્રોજેક્ટ આગળ વધ્યો છે.
બારામુલ્લા જિલ્લાના કાનલીબાગ વિસ્તારમાં આવેલા પ્રાચીન શિવલિંગ અને મંદિરના સંરક્ષણ માટે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. અહીં લગભગ ૧૨ ફૂટ ઊંચું શિવલિંગ આવેલું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સ્થાનિક ધાર્મિક પરંપરા પ્રમાણે આ સ્થાનક સદીઓ જૂનું છે. તેના જીર્ણોદ્ધાર માટે લગભગ ૧૨થી ૧૩ લાખ રૂપિયાના ખર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે શિવલિંગની ચોક્કસ પ્રાચીનતા અને સ્થાપત્યકાળ અંગે પુરાતત્ત્વીય તપાસ જરૂરી છે.
કાશ્મીરમાં મંદિરોના સંરક્ષણની સમસ્યા કેટલી ગંભીર રહી છે તેનો અંદાજ જૂના સરકારી આંકડાઓ પરથી આવે છે. વર્ષ ૨૦૧૨માં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં રજૂ થયેલી માહિતી મુજબ કાશ્મીર ખીણમાં નોંધાયેલાં ૪૩૮ મંદિરોમાંથી ૨૦૮ મંદિરોને વર્ષ ૧૯૮૯ બાદ નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાયું હતું. આ ઐતિહાસિક આંક છે,
જમ્મુ-કાશ્મીરના પુરાતત્ત્વ અને સંગ્રહાલય વિભાગે સપ્ટેમ્બર ૨૦૨૫માં ધાર્મિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે આગામી તબક્કામાં આશરે ૩૫૦થી ૪૦૦ સ્થળોને આવરી લેવાની યોજના હોવાની માહિતી આપી હતી. આ યોજનામાં માત્ર મંદિરો નહીં, પરંતુ વિવિધ ધર્મોનાં સ્મારકો અને ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી ૨૦૨૬માં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગના સંરક્ષણ હેઠળ ૫૬ સ્મારકો છે અને નારાનાગના મંદિરો, માર્તંડ સૂર્યમંદિર તથા અન્ય ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ માટે તબક્કાવાર કામગીરી વિચારાધીન છે.
કાશ્મીરી પંડિત સમાજ માટે આ મંદિરોનું પુનરુદ્ધાર માત્ર ઇમારતોના જીર્ણોદ્ધાર પૂરતું નથી, પરંતુ પોતાના પૂર્વજોના ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક વારસા સાથે ફરી જોડાવાની પ્રક્રિયા છે. બીજી તરફ સ્થાનિક સમાજના સહકારથી આગળ વધતા આ પ્રયાસો કાશ્મીરની સહિયારી સાંસ્કૃતિક પરંપરાને સાચવવા માટે પણ મહત્ત્વપૂર્ણ બની રહ્યા છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
