News of Tuesday, 14th April 2026
ખેલ રત્ન અને અર્જુન એવોર્ડની પસંદગીમાં હવે 'રેવડી' કલ્ચર બંધ: રમતગમત મંત્રાલયે બદલી નાખી આખી નીતિ, ખેલાડીઓએ હવે એવોર્ડ માટે અરજી નહીં કરવી પડે!
ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપના મેડલ પોઈન્ટ્સના આધારે આપોઆપ મળશે સન્માન; ૨૦૨૭માં નોઈડાના ટ્રેક પર ફરી ગુંજશે ફોર્મ્યુલા વન રેસના એન્જિનનો અવાજ

નવી દિલ્હી: ભારતના સર્વોચ્ચ રમતગમત પુરસ્કારોને લઈને કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી છે. રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારોમાં પારદર્શિતા લાવવા અને દર વર્ષે થતા વિવાદોને જડમૂળથી ઉખેડી નાખવા માટે રમતગમત મંત્રાલયે ખેલ રત્ન, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ માટેની પસંદગી પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. મંત્રાલયનું માનવું છે કે આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સનું ગૌરવ જળવાઈ રહેવું જોઈએ અને તે જથ્થાબંધ રીતે વહેંચવાને બદલે માત્ર અત્યંત લાયક ખેલાડીઓને જ મળવા જોઈએ.
અરજી કરવાની ઝંઝટમાંથી મુક્તિ, પોઈન્ટ સિસ્ટમ લાગુ
નવી નીતિનો સૌથી મોટો ફાયદો એ થશે કે ખેલાડીઓએ હવે એવોર્ડ મેળવવા માટે મંત્રાલયના ધક્કા ખાવા કે અરજી કરવાની જરૂર રહેશે નહીં. જેમ ઓલિમ્પિકમાં મેડલ જીતનારને તાત્કાલિક રોકડ પુરસ્કાર મળે છે, તેમ હવે ઓલિમ્પિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓના પ્રદર્શનને આધારે પોઈન્ટ્સ નક્કી કરવામાં આવશે. આ પોઈન્ટ્સના લિસ્ટ મુજબ પસંદગી સમિતિ આપોઆપ લાયક નામોની ભલામણ કરશે.
અર્જુન એવોર્ડની યાદીનું પુનઃમૂલ્યાંકન
મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષના એવોર્ડ્સમાં હજુ વિલંબ થઈ રહ્યો છે કારણ કે પસંદગી સમિતિએ મોકલેલી ૨૪ એથ્લેટ્સની યાદીનું અત્યારે પુનઃમૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. મંત્રી મનસુખ માંડવિયા પાસે રહેલી આ યાદીમાં કાપ મુકાય તેવી શક્યતા છે, કારણ કે સરકાર "બધાને એવોર્ડ" આપવાના પક્ષમાં નથી.
૨૦૨૭માં નોઈડાના ટ્રેક પર પરત ફરશે F1 રેસ!
રમતગમત પ્રેમીઓ માટે વધુ એક આનંદના સમાચાર આપતા મંત્રી માંડવિયાએ જણાવ્યું કે, ગ્રેટર નોઈડાના બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ (BIC) પર ૨૦૨૭માં ફરી ફોર્મ્યુલા વન (F1) રેસ યોજાવાની પૂરી શક્યતા છે. પશ્ચિમ એશિયામાં પ્રવર્તતા તણાવને કારણે ત્રણ મોટી કંપનીઓએ ભારતમાં આ રેસ યોજવા ઉત્સાહ બતાવ્યો છે. કરવેરાના જૂના પ્રશ્નો ઉકેલાઈ જશે અને અદાણી ગ્રુપ દ્વારા આ ટ્રેકનું સંચાલન સંભાળ્યા બાદ ભારતમાં રેસિંગનો ક્રેઝ ફરી પાછો આવશે.
દેશી રમતોનો વિદેશમાં દબદબો: કોમનવેલ્થમાં એન્ટ્રી
૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સને લઈને પણ મોટા અપડેટ્સ સામે આવ્યા છે. ભારતની પરંપરાગત રમતો જેવી કે યોગ, ખો-ખો, કબડ્ડી અને મલ્લખંભમાંથી કોઈપણ બે રમતોનો ટીમ ગેમ્સ તરીકે સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, હોકીને લઈને પણ મોટો નિર્ણય લેવાયો છે. એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપ વચ્ચે ઓછો સમય હોવાથી, ભારત બે અલગ ટીમો ઉતારશે, જેમાં મુખ્ય ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ માટે લડશે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
