<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

બિહારમાં આરજેડીને મસમોટો ઝટકો: તેજસ્વી યાદવના 'ખાસ' ગણાતા મહિલા ફાયરબ્રાન્ડ નેતા રિતુ જયસ્વાલ કેસરિયા રંગે રંગાયા

ઓબીસી વોટબેંકના નવા સામાજિક સમીકરણો ગોઠવવાની ભાજપની મોટી ગેમ પ્લાન

પટણા : બિહારના રાજકારણમાં એક મોટો ગરમાવો આવી ગયો છે, જ્યાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના યુવા અને તેજસ્વી યાદવના અત્યંત નજીકના ગણાતા ફાયરબ્રાન્ડ મહિલા નેતા રિતુ જયસ્વાલે અચાનક પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટી (BJP)નો ભગવો ધારણ કરી લીધો છે. પટણા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સંજય સરાવગી અને મંત્રી દિલીપ કુમાર જયસ્વાલની વિશેષ ઉપસ્થિતિમાં તેમણે વિધિવત રીતે પક્ષનું સભ્યપદ સ્વીકાર્યું હતું. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં શિવહર બેઠક પરથી આરજેડીની ટિકિટ પર નસીબ અજમાવનાર રિતુ જયસ્વાલનું આ રીતે અચાનક પક્ષ છોડવું એ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી માટે બિહારમાં એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે.

ભાજપમાં જોડાયા બાદ રિતુ જયસ્વાલે પોતાની જૂની વિચારધારાને અલવિદા કહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કાર્યશૈલીના ખુલ્લા મને વખાણ કર્યા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પીએમ મોદી દેશના નાગરિકોને કોઈ ચોક્કસ ધર્મ કે જાતિના ચશ્માથી નથી જોતા પરંતુ સમાજના દરેક વર્ગને સમાન તકો આપવાના 'સબકા સાથ, સબકા વિકાસ'ના દ્રષ્ટિકોણ પર કામ કરે છે. આ સિવાય કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત, પીએમ આવાસ યોજના અને કિસાન સમૃદ્ધિ યોજના કોઈપણ ભેદભાવ વિના સીધી જ જનતા સુધી પહોંચી રહી છે, જેનાથી પ્રભાવિત થઈને તેમણે રાષ્ટ્રહિતમાં ભાજપ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે.

રાજકીય વિશ્લેષકોના મતે, રિતુ જયસ્વાલનો ભાજપમાં પ્રવેશ એ માત્ર સામાન્ય પક્ષ પલટો નથી, પરંતુ ઓબીસી (OBC) કેટેગરીના પ્રભાવશાળી 'તલવાર સમુદાય' પર પોતાની પકડ મજબૂત કરવાની ભાજપની એક સુનિયોજિત વ્યૂહરચનાનો ભાગ છે. અગાઉ આ સમુદાયના કદાવર નેતા રમા દેવી લાંબા સમય સુધી શિવહરથી ભાજપના સાંસદ રહ્યા હતા, પરંતુ ગત ચૂંટણીમાં બેઠક જેડીયુ (JDU)ના ફાળે જતાં આ વોટબેંક અસંતુષ્ટ હોવાની ચર્ચા હતી. હવે રિતુ જયસ્વાલના આગમનથી ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા છે – એક તરફ તેજસ્વી યાદવના કિલ્લામાં ગાબડું પાડ્યું છે, તો બીજી તરફ શિવહર અને તેની આસપાસના વિસ્તારોમાં પોતાના સામાજિક સમીકરણોને ફરીથી મજબૂત કરી દીધા છે.

(6:33 PM IST)