<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

આરએસએસ વડા મોહન ભાગવત મુંબઈમાં IIMUN ની ૧૫મી વાર્ષિક કોન્ફરન્સમાં ૨,૦૦૦ થી વધુ યુવાનો સાથે સંવાદ કરશે: વૈશ્વિક એકતા અને ભારતીય દ્રષ્ટિકોણ પર થશે મંથન

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે દેશના ૧૦૦ થી વધુ શહેરોમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે આયોજિત થશે ખાસ ઉદ્ઘાટન સત્ર.

મુંબઈ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત આગામી ૬ ઓગસ્ટના રોજ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર' (NMACC) ખાતે યોજાનારા એક ભવ્ય કાર્યક્રમમાં દેશભરના ૨,૦૦૦ થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. 'ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ' (IIMUN) ની ૧૫મી વાર્ષિક ચેમ્પિયનશિપ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વના સૌથી મોટા યુવા-નેતૃત્વ પ્લેટફોર્મ્સ પૈકીના એક ગણાતા આ સંમેલનમાં દેશના ૧૦૦ થી વધુ શહેરોમાંથી ૧૫ થી ૧૯ વર્ષની વયજૂથના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ વર્ષના ઉદ્ઘાટન સત્રની મુખ્ય થીમ "વિશ્વને એકતામાં લાવવામાં યુવાનોની ભૂમિકા, ભારતીય માર્ગ" રાખવામાં આવી છે. આ સત્ર દરમિયાન ડૉ. ભાગવત ભારતીય સંસ્કૃતિ, વૈશ્વિક નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોના યોગદાન વિશે વિદ્યાર્થીઓ સાથે વિચારોનું આદાન-પ્રદાન કરશે.
ઉલ્લેખનીય છે કે, ઋષભ શાહ દ્વારા વર્ષ ૨૦૧૧ માં સ્થાપિત IIMUN એક એવું જાહેર પ્લેટફોર્મ છે જે યુવાનોમાં નેતૃત્વ ગુણો અને નાગરિક જોડાણને પ્રોત્સાહન આપે છે. હાલમાં આ સંસ્થા ભારત અને વિશ્વના ૪૦ દેશોના ૨૭૫ થી વધુ શહેરોમાં સક્રિય છે. સંસ્થાના સ્થાપક ઋષભ શાહે જણાવ્યું હતું કે, "સાચું નેતૃત્વ એ માત્ર નવી પેઢીને માર્ગદર્શન આપવાનું નથી પરંતુ તેમના વિચારો સાંભળવાનું પણ છે. ભારતની વિકાસયાત્રાના આ મહત્વપૂર્ણ તબક્કે દેશના ભવિષ્ય સમાન યુવાનો સાથે સંવાદ અત્યંત જરૂરી છે."

(6:52 PM IST)