<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

વિદેશી રોકાણ અને શેરબજારની તેજીના ટેકે રૂપિયો ૬૩ પૈસા ઊછળ્યો: આઠ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો

વર્તમાન નાણાકીય વર્ષનું ધોવાણ સરભર થતા ડૉલર સામે રૂપિયો ૯૨.૨૨ પર બંધ; ક્રૂડના ઘટતા ભાવનો મળ્યો ટેકો, ડૉલર ઈન્ડેક્સથી સુધારો મર્યાદિત

મુંબઈ : સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણકારોનો અવિરત આંતરપ્રવાહ, ક્રૂડ તેલના ભાવમાં ઘટાડાતરફી વલણ અને શેરબજારની મજબૂત તેજીના ટેકે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૬૩ પૈસા ઊછળીને આઠ મહિનાની ટોચની ૯૨.૨૨ની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉછાળા સાથે વર્તમાન નાણાકીય વર્ષમાં રૂપિયામાં થયેલું ધોવાણ સરભર થઈ ગયું હતું, જોકે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાને કારણે રૂપિયાની તેજી અમુક અંશે મર્યાદિત રહી હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.

 

બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે રૂપિયો ગત સોમવારના ૯૨.૮૫ના બંધ સામે મજબૂત વલણ સાથે ૯૨.૬૫ પર ખૂલ્યો હતો અને દિવસ દરમિયાન નીચામાં ૯૨.૭૮ તથા ઉપરમાં ૯૨.૧૬ની રેન્જમાં અથડાઈને અંતે ૬૩ પૈસાના ઉછાળા સાથે ૯૨.૨૨ના સ્તરે સ્થિર થયો હતો. અગાઉ ગત સોમવારે રૂપિયો ૨૩ પૈસા ઘટીને સાત મહિનાની ઊંચી સપાટીએથી પાછો ફર્યો હતો, જ્યારે ગઈકાલે મંગળવારે ગુરુ નાનક જયંતી નિમિત્તે બજાર બંધ રહી હતી.

 

આજના કારોબારમાં વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ ૦.૧૬ ટકા ઘટીને બેરલદીઠ ૯૧.૫૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જેણે રૂપિયાને મજબૂતી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત સ્થાનિક શેરબજારમાં બીએસઈ સેન્સેક્સ ૧,૨૧૫.૦૨ પૉઈન્ટ અને એનએસઈ નિફ્ટી ૩૬૮.૧૫ પૉઈન્ટ ઊછળતા રૂપિયાને મોટો ટેકો મળ્યો હતો, પરંતુ ડૉલર ઈન્ડેક્સ ૦.૧૫ ટકા વધીને ૧૦૩.૯૦ આસપાસ રહેતા અને અમેરિકી ટ્રેઝરી યિલ્ડ વધતા સુધારો સીમિત રહ્યો હતો.

 

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટી અને બૉન્ડમાં સતત ખરીદીને કારણે ચાલુ નવેમ્બર મહિનામાં કુલ ૧૪ અબજ ડૉલરથી વધુનો આંતરપ્રવાહ નોંધાયો છે, જેના પગલે ૧૩ નવેમ્બરે ૯૪.૧૯ની સપાટીએ રહેલા રૂપિયામાં સતત પાંચ સત્રમાં ૧.૧૬ ટકાનો તીવ્ર ઉછાળો આવ્યો છે. વધુમાં, ૮ ઑક્ટોબરની ૯૬.૮૮ની નીચી સપાટીએથી રૂપિયામાં અત્યાર સુધીમાં પાંચ ટકા જેટલો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

 

બજારના વિશ્લેષણ અંગે મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે, "શેરબજારની તેજી, વિદેશી રોકાણકારોની લેવાલી અને ક્રૂડ તેલના ઘટતા ભાવને કારણે રૂપિયામાં ઉછાળો આવ્યો છે, પરંતુ ડૉલર ઈન્ડેક્સના સુધારાએ તેજીને મર્યાદિત રાખી છે." તેમણે ઉમેર્યું હતું કે ટૂંકા ગાળામાં ડૉલર સામે રૂપિયો ૯૧.૯૫થી ૯૨.૫૫ની રેન્જમાં રહેવાની શક્યતા છે.

 

વર્તમાન નાણાકીય વર્ષમાં અગાઉ થયેલા મોટા ઘટાડા બાદ હવે રૂપિયાએ આઠ મહિનાની ઊંચી સપાટી હાંસલ કરીને નોંધપાત્ર રિકવરી કરી છે. આગામી દિવસોમાં રોકાણકારોની નજર અમેરિકાના જીડીપી, બેરોજગારી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ ગૂડ્સના ઓર્ડરના ડેટા પર રહેશે, જેના આધારે ફોરેક્સ માર્કેટની આગળની દિશા નક્કી થશે.

(8:27 PM IST)