News of Saturday, 19th September 2026
રશિયન તેલ પર અમેરિકાનો ચાબુક: ટ્રમ્પને ભારત સામે સો ટકા સુધી જકાત લાદવાની સત્તા આપતા ખરડા ઉપર ટ્રમ્પની સહી ? ભારત પર સો ટકા જકાતનો નિર્ણય ગમે તે ઘડીએ..? ન્યૂઝ ફર્સ્ટ

વોશિંગ્ટન, તા. ૧૯ : રશિયાના ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રની આવક ઉપર પ્રહાર કરવા અમેરિકી સંસદનાં બંને ગૃહોએ વ્યાપક પ્રતિબંધ ખરડો પસાર કરતાં ભારત સહિત રશિયન ઊર્જાના મોટા ખરીદદારો સામે નવી જકાતનું જોખમ ઊભું થયું છે. પ્રતિનિધિસભામાં ખરડો ૨૬૨ વિરુદ્ધ ૧૫૯ મતથી અને અગાઉ સેનેટમાં ૮૬ વિરુદ્ધ ૧૧ મતથી પસાર થયો હતો. હવે તેને કાયદાનું સ્વરૂપ આપવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી આજે ગમે તે ઘડીએ થઈ જશે તેમ ન્યુઝ ફર્સ્ટ મોડી રાત્રે જણાવે છે.
ખરડો ટ્રમ્પને રશિયન તેલ અથવા કુદરતી વાયુના મોટા ખરીદદારોમાંથી અમેરિકામાં આવતા માલ ઉપર સો ટકા સુધીની આયાત જકાત લાદવાની સત્તા આપે છે. આનો અર્થ ભારતે અમેરિકી નિકાસ ઉપર જકાત ચૂકવવી જ એવો નથી; સંભવિત જકાત અમેરિકામાં પહોંચતા ભારતીય માલ ઉપર લાગશે. સહી થતાં જ બીજા દિવસે સો ટકા જકાત આપોઆપ અમલમાં આવવાની વાતની સત્તાવાર પુષ્ટિ નથી. પણ નિર્દેશો એવા મળે છે. દર કેટલો રાખવો, ક્યારે અમલ કરવો અથવા રાષ્ટ્રીય હિતમાં છૂટ આપવી તેનો નિર્ણય ટ્રમ્પ પ્રશાસને કરવાનો રહેશે.
ભારતે વોશિંગ્ટન સમક્ષ આ પગલાંથી દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય ઊર્જાબજાર ઉપર થનારી સંભવિત અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે દેશના ૧૪૦ કરોડ લોકોની ઊર્જાસુરક્ષા સર્વોપરી છે અને બજારભાવ તથા ઉપલબ્ધતાના આધારે વિવિધ દેશોમાંથી ખરીદી ચાલુ રહેશે. ભારતે પોતાના વેપારી અને આર્થિક હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં લેવાનો પણ સ્પષ્ટ સંકેત આપ્યો છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
