<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

રશિયાની ખુલ્લી ધમકીથી યુરોપમાં ફફડાટ: પુતિનના ખાસ ગણાતા મેદવેદેવે બ્રિટન સહિતના દેશોને ગણાવ્યા ‘સંભવિત લક્ષ્ય’, લંડન-લેસ્ટર પર તોળાતું જોખમ!

યુક્રેન માટે ડ્રોન અને હથિયારો બનાવતી યુરોપિયન ફેક્ટરીઓ પર મિસાઇલ હુમલાની ચેતવણી; મેદવેદેવે X પર લખ્યું- "સારી રીતે સૂઈ જાઓ યુરોપિયન ભાગીદારો, હવે વારો તમારો છે!"

લંડન, : વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા યુક્રેન-રશિયા યુદ્ધે હવે અત્યંત ખતરનાક વળાંક લીધો છે. રશિયાએ હવે સીધું જ બ્રિટન અને અન્ય યુરોપિયન દેશોને બોમ્બમારો કરવાની ધમકી આપી છે. રશિયાની સુરક્ષા પરિષદના નાયબ વડા દિમિત્રી મેદવેદેવે સોશિયલ મીડિયા પર એક યાદી જાહેર કરી છે, જેમાં લંડન, લેસ્ટર, રીડિંગ અને સફોક જેવા બ્રિટિશ શહેરોને રશિયન સૈન્યના ‘સંભવિત લક્ષ્યો’ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
શા માટે રશિયાએ આપી ધમકી?
રશિયાનો દાવો છે કે બ્રિટન, જર્મની, ડેનમાર્ક અને નેધરલેન્ડ જેવા દેશોમાં આવેલી ફેક્ટરીઓ યુક્રેન માટે મોટા પાયે આધુનિક ડ્રોન અને તેના સ્પેરપાર્ટ્સ બનાવી રહી છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે ચેતવણી આપી છે કે યુરોપના આ દેશો યુક્રેનના ‘વ્યૂહાત્મક પાછળના વિસ્તાર’ તરીકે કામ કરી રહ્યા છે, જે રશિયા સહન કરશે નહીં. મેદવેદેવે કટાક્ષમાં લખ્યું કે, "રશિયન સશસ્ત્ર દળોની આ યાદીને ગંભીરતાથી લેવી જોઈએ, હુમલા ક્યારે વાસ્તવિકતા બનશે તે સમય નક્કી કરશે."
યુકેના RAF બેઝ અને યુરોપિયન ફેક્ટરીઓ નિશાના પર
આ યાદીમાં બ્રિટનના સફોકમાં આવેલા મિલ્ડેનહોલ (RAF બેઝ) નો પણ સમાવેશ થાય છે. આ સિવાય જર્મની, સ્પેન, ઇટાલી અને તુર્કીમાં ચાલતા ડ્રોન ઉત્પાદન એકમોને પણ રશિયાએ પોતાના રડારમાં લીધા છે. રશિયાનું કહેવું છે કે યુરોપિયન નેતાઓ પોતાના દેશને યુદ્ધમાં ધકેલી રહ્યા છે અને જનતાએ જાણવું જોઈએ કે તેમના પડોશમાં કઈ ફેક્ટરીઓ રશિયા વિરુદ્ધ શસ્ત્રો બનાવી રહી છે.
યુક્રેન પર રશિયાનો ભયાનક ડ્રોન વરસાદ
આ ધમકી એવા સમયે આવી છે જ્યારે રશિયાએ પોતે રાતોરાત યુક્રેન પર ૩૨૪ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. કિવમાં થયેલા આ ભીષણ હુમલામાં ૧૨ વર્ષના માસૂમ બાળક સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. રશિયાએ સ્લોવિઆન્સ્ક પર ૧.૫ મેટ્રિક ટનનો શક્તિશાળી FAB-1500 ગ્લાઇડ બોમ્બ ઝીંકીને બાળકોના સ્પોર્ટ્સ સેન્ટરને પણ જમીનદોસ્ત કરી દીધું છે.
ઝેલેન્સકીની મદદ માટે દોડાદોડ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી હાલમાં યુરોપના પ્રવાસે છે. તેમણે જર્મની પાસેથી આશરે ₹૩૨,૦૦૦ કરોડ અને નોર્વે પાસેથી જંગી નાણાકીય સહાય મેળવી છે. બ્રિટને પણ જાહેરાત કરી છે કે તે આ વર્ષે યુક્રેનને ૧.૨૦ લાખ ડ્રોન મોકલશે, જે અત્યાર સુધીની સૌથી મોટી ડિલિવરી હશે. જોકે, ઈરાન સાથેના સંભવિત યુદ્ધ અને મધ્ય પૂર્વના સંઘર્ષ વચ્ચે યુક્રેનને મળતી મદદમાં ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે.
રશિયાની ચેતવણી: "યુરોપિયન દેશોની સુરક્ષા વધારવાને બદલે, તેમના નેતાઓ રશિયા સાથે સીધા યુદ્ધને આમંત્રણ આપી રહ્યા છે, જેના પરિણામો અણધાર્યા હશે."

(6:48 PM IST)