તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Sunday, 12th April 2026
મહારાષ્ટ્રમાં ફિલ્મી ઢબે સહ્યાદ્રિ એક્સપ્રેસમાં કરોડોની લૂંટ: સિગ્નલ સિસ્ટમ સાથે ચેડાં કરી ટ્રેન રોક્યા બાદ ડાકુઓ ત્રાટક્યા, મુસાફરોમાં ફફડાટ
સતારા પાસે સિગ્નલના વાયર કાપી અને કપડાં બાંધી ટ્રેન ઉભી રખાવી: ૨૦ મિનિટ સુધી મુસાફરો પાસેથી સોના-ચાંદીના દાગીના અને મોબાઈલની લૂંટ ચલાવી બદમાશો ફરાર, ડોગ સ્કવોડની મદદથી તપાસ તેજ

મહારાષ્ટ્ર:મહારાષ્ટ્રમાં ટ્રેન લૂંટની એક ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. કોલ્હાપુરથી મુંબઈ જતી સહ્યાદ્રિ એક્સપ્રેસમાં અજાણ્યા બદમાશોએ ફિલ્મી સ્ટાઈલમાં સિગ્નલ સિસ્ટમ ખોરવી નાખી ટ્રેનને વચ્ચે રસ્તે રોકી હતી અને મુસાફરો પાસે રહેલા કિંમતી સામાનની બેફામ લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે રેલવે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
મધ્યરાત્રિએ સિગ્નલ સાથે ચેડાં કરી સર્જ્યો ગતિરોધ:
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ સાતારા જિલ્લાના કરાડ તાલુકામાં આવેલા શેણોલી સ્ટેશન પાસે બની હતી. લૂંટારુઓએ અત્યંત ચાલાકીપૂર્વક રેલવેની સિગ્નલ સિસ્ટમને નિશાન બનાવી હતી. બદમાશોએ સિગ્નલનો ઉપરનો વાયર કાપી નાખ્યો હતો અને નીચેના સિગ્નલ પર મોટું જાડું કપડું બાંધી દીધું હતું. સિગ્નલ કામ કરતું બંધ થઈ જતાં ટેકનિકલ ખામી હોવાનું સમજીને મોટરમેને ટ્રેન ઉભી રાખી દીધી હતી.
૨૦ મિનિટ સુધી આચર્યું લૂંટનું તાંડવ:
જેવી ટ્રેન ઉભી રહી કે તરત જ પૂર્વયોજિત કાવતરા મુજબ ડાકુઓ ટ્રેનમાં ચડી ગયા હતા. અંદાજે ૨૦ થી ૨૫ મિનિટ સુધી બદમાશોએ બારી અને દરવાજા પાસે બેઠેલા મુસાફરોને નિશાન બનાવ્યા હતા. હથિયારધારી લૂંટારુઓએ મુસાફરો પાસેથી રોકડ રકમ, મોંઘા મોબાઈલ ફોન અને સોના-ચાંદીના ઘરેણાં લૂંટી લીધા હતા. લૂંટની આ ઘટનાને પગલે ટ્રેનના ડબ્બાઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
કરાડ સ્ટેશને ફરિયાદ અને પોલીસ તપાસ:
લૂંટારુઓ ભાગી ગયા બાદ રેલવે કર્મચારીઓએ સિગ્નલ પરથી કપડું હટાવી સિસ્ટમ કાર્યરત કરી હતી અને ટ્રેનને આગળ રવાના કરી હતી. શનિવારે વહેલી સવારે પોણા ત્રણ વાગ્યાની આસપાસ જ્યારે ટ્રેન કરાડ સ્ટેશન પહોંચી ત્યારે પીડિત મુસાફરોએ રેલવે પોલીસને આખી ઘટનાની જાણ કરી હતી. સબ ઈન્સ્પેક્ટર સુભાષ મુંડેના જણાવ્યા મુજબ, આ એક સુનિયોજિત લૂંટ હતી.
આરોપીઓને ઝડપી પાડવા માટે પુણે, સોલાપુર અને મિરજથી ત્રણ ડોગ સ્કવોડ બોલાવવામાં આવી છે અને આસપાસના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રેલવે પોલીસ અને લોહમાર્ગ પોલીસની ટીમો લૂંટારુઓના સગડ મેળવવા માટે તમામ કડીઓ તપાસી રહી છે. મુસાફરોની સુરક્ષામાં થયેલી આ મોટી ખામીને પગલે રેલવે પ્રશાસન દ્વારા પણ આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
