News of Friday, 11th September 2026
ટ્રેઇની ડોક્ટર વિરુદ્ધ સૈફી હોસ્પિટલે માંડયો ૧૨૫ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો
સોશ્યલ મીડિયા પોસ્ટમાં ટ્રેઇની ડોક્ટરે માનસિક સતામણીનો લગાવ્યો આરોપ

મુંબઈ,તા.૧૧: ચર્ની રોડમાં આવેલી સૈફી હોસ્પિટલે એક ટ્રેઇની ડોક્ટર વિરુદ્ધ બોમ્બે હાઈ કોર્ટમાં ૧૨૫ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડ્યો છે. ટ્રેઇની ડોક્ટર આસિયા ખાન લુકમાને હોસ્પિટલમાં ગેરકાયદે રીતે વધુ કલાકો કામ કરાવવામાં આવતું હોવાનો, ટોર્ચર અને રેગિગ થતું હોવાનો તથા તેની માનસિક સતામણી કરવામાં આવતી હોવાનો આરોપ કરતી બે સોશ્યલ મીડિયા પોસ્ટ મૂકી હતી જેને પગલે હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે.
હોસ્પિટલના સત્તાવાળાઓએ ડોક્ટર આસિયાના બધા જ આરોપો ફગાવ્યા હતા અને તે પોતે જ યોગ્ય રીતે કામ ન કરતી હોવાનો વળતો આરોપ કર્યો હતો. પોતાની ગેરવર્તણૂક છુપાવવા માટે તથા હોસ્પિટલ તેની માગણીઓ પૂરી કરે એ માટે હોસ્પિટલને મજબૂર કરવા માટે આવો આરોપ મૂક્યો હોવાનું હોસ્પિટલના સત્તાવાળાઓનું કહેવું છે. માનહાનિના દાવા બાદ ડોક્ટર આસિયાના વકીલે કહ્યું હતું કે કામના સ્થળે ભોગવવી પડતી મુશ્કેલીઓની ફરિયાદ કરવી એને માનહાનિ ગણી ન શકાય.
બોમ્બે હાઈ કોર્ટે આ કેસની સુનાવણી હાથ ધરી હતી અને એ દરમ્યાન ડોક્ટર આસિયાને હોસ્પિટલથી સંબંધિત કોઈ પણ સોશ્યલ મીડિયા પોસ્ટ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈ કોર્ટની સિગલ જજની બેન્ચે ડોક્ટર આસિયાને હોસ્પિટલ વિરુદ્ધ કોઈ પોસ્ટ ન મૂકવા જણાવ્યું હતું.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
