<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ઓમાનના દરિયામાં સલાયાનું જહાજ 'હાજી અલી' વિસ્ફોટ બાદ ડૂબી ગયું: 14 ખલાસીઓનો બચાવ

ડ્રોન કે મિસાઈલ હુમલાનો ભોગ બન્યું હોવાની આશંકાથી ખળભળાટ: 14 ભારતીય ખલાસીઓએ લાઈફ બોટ દ્વારા દરિયામાં ઝંપલાવી જીવ બચાવ્યા

દેવભૂમિ દ્વારકાના સલાયાનું ‘હાજી અલી’ નામનું જહાજ ઓમાનના લિમાહ નજીક દરિયામાં ડૂબી જવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં સૌથી આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત એ છે કે, જહાજ ડૂબતા પહેલા તેમાં એક ભયાનક વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક આશંકા મુજબ, આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે કોઈ ડ્રોન કે મિસાઈલ હુમલાનો આ જહાજ ભોગ બન્યું હોઈ શકે છે

પ્રાપ્ત વિગતો અનુસાર, જહાજ 5 મેના રોજ સોમાલિયાના બરબરા બંદરેથી નીકળી શારજાહ  જઈ રહ્યું હતું. મુસાફરી દરમિયાન ઓમાનના દરિયામાં અચાનક વિસ્ફોટ થતા જહાજમાં વિકરાળ આગ  ફાટી નીકળી હતી. જહાજમાં સવાર તમામ 14 ખલાસીઓએ સમયસૂચકતા વાપરી લાઈફ બોટ દ્વારા દરિયામાં ઝંપલાવ્યું હતું. સદનસીબે, ઓમાન કોસ્ટગાર્ડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. ખલાસીઓના પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો પણ સલામત હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવની અસર આ વિસ્તારમાં જોવા મળી રહી છે. આ ઘટના પાછળ કોઈ અજાણ્યા હુમલાખોરનો હાથ હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. ઓમાન રોયલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશને ભારત સરકારને અપીલ કરી છે કે તમામ ખલાસીઓને વહેલી તકે સલામત રીતે વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.

 

(12:20 AM IST)