<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

બિહારમાં 'સમ્રાટ'નો સપાટો: પટનાથી સિવાન સુધી એન્કાઉન્ટરનો ખેલ, ગુનેગારોમાં ફફડાટ

મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ પોલીસ એક્શન મોડમાં: 20 લાખની લૂંટ અને શિક્ષક પર હુમલાના આરોપીઓને ભરી બજારે પાઠ ભણાવ્યો : ઘૂંટણિયે પડેલા બદમાશો પહોંચ્યા જેલના સળિયા પાછળ

પટના:  બિહારમાં કાયદો અને વ્યવસ્થાને પાટા પર લાવવા માટે નીતિશ-સમ્રાટ સરકાર હવે 'યુપી મોડલ' પર આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં બિહાર પોલીસે પટના અને સિવાનમાં બે અલગ-અલગ એન્કાઉન્ટર કરીને રાજ્યના ગુનેગારોને કડક સંદેશ આપ્યો છે. સિવાનમાં ગત 6 મેના રોજ જામાપુર બજારમાં જ્વેલરી શોપમાંથી 20 લાખના દાગીનાની સનસનાટીભરી લૂંટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર અંકિત કુમાર સિંહને પોલીસે ઘેરી લીધો હતો. આત્મસમર્પણ કરવાને બદલે ગોળીબાર કરનાર આ બદમાશને પોલીસે વળતા જવાબમાં બંને ઘૂંટણમાં ગોળી મારીને ઘાયલ કર્યો હતો. હાલમાં આ રીઢો ગુનેગાર હોસ્પિટલના બિછાને છે અને પોલીસની કસ્ટડીમાં છે.

બીજી તરફ, રાજધાની પટનાના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં પણ ખાખીનો ખોફ જોવા મળ્યો હતો. અહીં એક સરકારી શાળાના શિક્ષક પર જીવલેણ હુમલો કરનાર આરોપીઓ સંદીપ ઉર્ફે બાદલ અને પ્રિન્સ કુમારને પોલીસે એન્કાઉન્ટરમાં દબોચી લીધા હતા. પોલીસની ઘેરાબંધી જોઈને એક આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો તો તેના પગમાં ગોળી વાગી હતી, જ્યારે બીજા સાગરીતે પોલીસની બંદૂક જોઈને તાત્કાલિક હથિયાર હેઠા મૂકી આત્મસમર્પણ કરી દીધું હતું. સમ્રાટ ચૌધરીએ સત્તા સંભાળ્યા બાદ જે રીતે સપ્તાહમાં સરેરાશ બે એન્કાઉન્ટર થઈ રહ્યા છે, તેનાથી સ્પષ્ટ છે કે હવે બિહારમાં ગુનેગારો માટે 'ભાગો અથવા જેલ જાવ' જેવી સ્થિતિ સર્જાઈ છે.

આંકડાકીય રીતે જોઈએ તો, 15 એપ્રિલથી અત્યાર સુધીમાં બિહારના અલગ-અલગ જિલ્લાઓમાં અડધા ડઝનથી વધુ મોટા એન્કાઉન્ટર થયા છે. ભાગલપુરમાં હત્યાના આરોપીનો ખાતમો હોય કે બિહતામાં શાર્પશૂટરોની ધરપકડ, પોલીસ હવે માત્ર તપાસ કરવાને બદલે સ્થળ પર જ ફેંસલો કરવાના મૂડમાં દેખાય છે. વિપક્ષો ભલે આ કાર્યવાહી પર સવાલ ઉઠાવતા હોય, પરંતુ સામાન્ય જનતામાં પોલીસની આ આક્રમક શૈલીને કારણે સુરક્ષાનો ભાવ જાગ્યો છે. સરકારનું કહેવું છે કે જ્યાં સુધી બિહારના છેલ્લા ગુનેગારના મનમાં પોલીસનો ડર નહીં બેસે, ત્યાં સુધી આ 'ઓપરેશન ક્લીન' અટકશે નહીં.

(6:33 PM IST)