News of Thursday, 18th June 2026
છત્તીસગઢમાં રેતી માફિયાઓનો આતંક: ફોર્ચ્યુનર ગાડીને બંને તરફથી ટ્રકો વડે આંતરી, જીવતા સળગાવી દેવાયા 3 લોકો; ભાજપ નેતા સહિત ત્રણના દર્દનાક મોત!
રેતી-ખનનના વિવાદમાં સમાધાન કરવા ગયેલા પૂર્વ જનપદ પ્રમુખ લલ્લા સિંહ અને તેમના સાથીઓ પર પૂર્વઆયોજિત લોહિયાળ હુમલો, સમગ્ર વિસ્તારમાં સન્નાટો, CM વિષ્ણુ દેવ સાઈએ આપ્યા કડક કાર્યવાહીના આદેશ.

કોરિયા (છત્તીસગઢ): તા.18: છત્તીસગઢના કોરિયા જિલ્લામાંથી એક હૃદયકંપાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. અહીં લાંબા સમયથી ચાલી રહેલા રેતી-ખનનના વિવાદે મંગળવારે મોડી રાત્રે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે તે ટ્રિપલ મર્ડરમાં ફેરવાઈ ગયું. સોનહટ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌગૈન ગામમાં ફિલ્મી ઢબે એક લક્ઝરી SUV (ફોર્ચ્યુનર) કારને ઘેરીને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દેવામાં આવી હતી, જેમાં ભાજપના દિગ્ગજ નેતા સહિત 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે.
ષડયંત્ર રચીને મોતની જાળમાં ફસાવ્યા!
મળતી માહિતી મુજબ, ભાજપના નેતા અને પૂર્વ જનપદ પંચાયત પ્રમુખ ભરત સિંહ (જેઓ લલ્લા સિંહ તરીકે જાણીતા હતા) રેતી ખાણકામના વિવાદ અંગે સમાધાનની વાટાઘાટો કરવા માટે ગયા હતા. પરંતુ, વિરોધી જૂથે તેમને એક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે ત્યાં બોલાવ્યા હતા. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, ભરત સિંહ અને તેમના સાથીઓ જે ફોર્ચ્યુનર ગાડીમાં સવાર હતા, તેને આગળ અને પાછળથી ભારે ભરખમ ટ્રકો લગાવીને રસ્તો બ્લોક કરી દેવાયો હતો. ત્યારબાદ ગાડી પર પેટ્રોલનો મારો ચલાવીને તેને આગને હવાલે કરી દેવામાં આવી હતી.
3ના મોતથી અરેરાટી, એક જિંદગી અને મોત વચ્ચે જોલા ખાતો
આ ભયાનક અગ્નિકાંડમાં ભરત સિંહ ઉપરાંત વીરેન્દ્ર સિંહનું ગંભીર રીતે બળી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પિતરાઈ ભાઈ અને શાળાના શિક્ષક નાગેન્દ્ર સિંહે પણ આ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. અન્ય એક પીડિત મયંક સિંહ હાલમાં બિલાસપુરની હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે, તેના માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી છે.
ચાર આરોપીઓની ધરપકડ, CBI તપાસની માંગ
આ ચકચારી ઘટના બાદ છત્તીસગઢ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચાર મુખ્ય આરોપીઓ - અક્ષત ત્રિપાઠી, વિશાલ ત્રિપાઠી, સત્યપ્રકાશ ત્રિપાઠી અને મન્નુ ત્રિપાઠીની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં કુલ 9 લોકો સામે નામજોગ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ, ન્યાયની આશા સાથે પીડિત પરિવારે આ સમગ્ર મામલાની સીબીઆઈ (CBI) તપાસની માંગ કરી છે.
CM વિષ્ણુ દેવ સાઈનું કડક વલણ
આ વિસ્તારમાં રેતી પરિવહન અને ગેરકાયદેસર ખનન પર વર્ચસ્વ જમાવવા માટે બે જૂથો વચ્ચે જૂની અદાવત ચાલી રહી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લેતા જણાવ્યું છે કે, ગુનેગારો ગમે તેટલા વગદાર હોય, તેમને છોડવામાં નહીં આવે અને કાયદાના દાયરામાં રહીને તેમની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
