<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

વિક્રમી ભાડા વચ્ચે સાઉદી અરેબિયાનો મોટો ધડાકો: નવેમ્બર માટે એશિયા માટે તેલના ભાવ છ વર્ષના તળિયે ઘટાડ્યા

અમેરિકા અને ઇઝરાયેલ-ઇરાન તણાવ વચ્ચે શિપિંગ ભાડાં વધતાં સાઉદી અરામકોનો ખરીદદારોને રાહત આપવા અણધારો નિર્ણય

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે માલવાહક જહાજોના ભાડામાં થયેલા અભૂતપૂર્વ વધારા વચ્ચે વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર દેશ સાઉદી અરેબિયાએ એશિયન ખરીદદારો માટે નવેમ્બર માસના ક્રૂડ ઓઇલના ભાવમાં અણધારો મોટો ઘટાડો કરીને છ વર્ષના નીચલા સ્તરે પહોંચાડી દીધા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે વધી ગયેલા ટ્રાન્સપોર્ટેશન ખર્ચથી એશિયન રિફાઇનરીઓને બચાવવા અને બજારમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે સાઉદી રાષ્ટ્રીય તેલ કંપની 'સાઉદી અરામકો'એ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બીજી તરફ, યુરોપ માટેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

 

સત્તાવાર વિગતો અનુસાર, સાઉદી અરામકોએ નવેમ્બર મહિના માટે તેના મુખ્ય 'આરબ લાઇટ ક્રૂડ' માટે સત્તાવાર વેચાણ કિંમત (OSP) ઓમાન-દુબઈ સરેરાશ કરતાં બારલ દીઠ $૫ નીચે નક્કી કરી છે, જે પાછલા મહિનાની સરખામણીએ બારલ દીઠ $૩ નો મોટો ઘટાડો દર્શાવે છે. જૂન ૨૦૨૦ પછી એશિયન બજાર માટે આપવામાં આવેલું આ સૌથી મોટું ડિસ્કાઉન્ટ છે. બજારના વિશ્લેષકો ધારણા લગાવી રહ્યા હતા કે બેન્ચમાર્કમાં વધારાને પગલે ભાવ વધી શકે છે, પરંતુ સાઉદી અરેબિયાના આ અચાનક નિર્ણયથી ઉર્જા ક્ષેત્રના નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

 

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ દરિયાઈ માર્ગે થતા પરિવહન ખર્ચ (Freight Cost) માં થયેલો રેકોર્ડબ્રેક વધારો છે. તાજેતરના આંકડા મુજબ, ગલ્ફ વિસ્તારથી ચીન સુધી ૨ મિલિયન બેરલ તેલ લઈ જઈ શકતા વિશાળ ક્રૂડ કેરિયર્સ (VLCC) નું દૈનિક બુકિંગ ભાડું વધીને $૧.૨ મિલિયન સુધી પહોંચી ગયું છે, જે ગયા વર્ષે માત્ર $૮૦,૦૦૦ પ્રતિ દિવસ હતું. તેલ શિપિંગના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, એશિયાની રિફાઇનિંગ કંપનીઓ પર નૂર ભાડાંનો બોજ અસહ્ય ન બને અને સાઉદી ક્રૂડની માંગ જળવાઈ રહે તે માટે અરામકોએ ભાવમાં આ કાપ મૂક્યો છે.

 

આ ઉપરાંત, પશ્ચિમ એશિયામાં યુએસ-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધેલા સૈન્ય તણાવ અને હોર્મુઝ સામુદ્રધુનીમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે પણ પુરવઠા શૃંખલા ખોરવાઈ છે. સપ્ટેમ્બર મહિનાથી સાઉદી અરામકોએ હોર્મુઝ સ્ટ્રેટની બહાર શિપ-ટુ-શિપ ટ્રાન્સફર પદ્ધતિનો ઉપયોગ કરવો પડ્યો છે. લાલ સમુદ્રમાં યાનબુ બંદર પર ડ્રોન હુમલા બાદ સ્થગિત થયેલું લોડિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ઈજિપ્તના સિદી કેરીર બંદર પર પણ વિલંબનો સામનો કરવો પડી રહ્યો હોવાથી ખરીદદારોને વળતર આપવું જરૂરી બન્યું હતું.

 

બજારના વ્યૂહાત્મક ફેરફારો દર્શાવે છે કે એશિયા માટે ભાવ ઘટાડવાની સાથે સાઉદી અરામકોએ ઉત્તર-પશ્ચિમ યુરોપના ખરીદદારો માટે નવેમ્બરના OSP માં તમામ ક્રૂડ ગ્રેડમાં પ્રતિ બેરલ $૩ નો વધારો કર્યો છે. જ્યારે બીજી તરફ, અમેરિકન ગ્રાહકો માટે તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યા વિના તેને યથાવત રાખવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે સાઉદી અરેબિયા એશિયાના વિશાળ બજારમાં પોતાનો હિસ્સો જાળવી રાખવા માટે વધુ આક્રમક નીતિ અપનાવી રહ્યું છે.

 

આ ઘટનાક્રમ ભારતીય રિફાઇનરીઓ અને સમગ્ર એશિયન ઉર્જા બજાર માટે ટૂંકા ગાળાની રાહત સમાન માનવામાં આવે છે. વધતા નૂર ભાડા વચ્ચે સાઉદી અરેબિયાના આ નિર્ણયથી ભારત જેવા આયાતકાર દેશોની ઇંધણ પડતરમાં સંતુલન જળવાઈ રહેશે. જોકે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓ અને દરિયાઈ માર્ગો પરના જોખમોને જોતાં આગામી દિવસોમાં વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ અને સપ્લાય ચેઇન પર કડક નજર રાખવામાં આવી રહી છે.

 

(5:49 PM IST)