<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

૨૩ થી ૨૮ વચ્‍ચે SBIની બ્રાન્‍ચો સતત ૬ દિવસ સુધી બંધ રહી શકે છે

ઓલ ઇન્‍ડિયા સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા સ્‍ટાફ ફેડરેશને સોમવાર અને મંગળવારના રોજ દેશભરમાં બે દિવસની હડતાળની દરખાસ્‍ત મૂકી છે

નવી દિલ્‍હી તા.૨૨: દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ (SBI) ના ગ્રાહકોએ બ્રાન્‍ચ (શાખા) ને લગતા પોતાના તમામ જરૂરી કામ આજે જ પતાવી લેવા જોઈએ. આવું એટલા માટે, કારણ કે ૨૩ મે થી ૨૮ મે ૨૦૨૬ વચ્‍ચે SBI બ્રાન્‍ચો સતત ૬ દિવસ સુધી બંધ રહી શકે છે.

આનું મુખ્‍ય કારણ વીકેન્‍ડ (શનિ-રવિની રજા), કર્મચારીઓની પ્રસ્‍તાવિત બે દિવસની હડતાળ અને રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયા (RBI) દ્વારા બકરી ઇદ (ઈદ-ઉલ-અઝહા) માટે જાહેર કરાયેલી બે દિવસની રજાઓ છે.

૨૩ મે ના રોજ મહિનાનો ચોથો શનિવાર છે અને ૨૪ મે ના રોજ રવિવાર છે. નિયમ મુજબ, દેશની તમામ બેંકોમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા હોય છે, જેના કારણે આ બે દિવસ બેંક બંધ રહેશે.

ઓલ ઇન્‍ડિયા સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા સ્‍ટાફ ફેડરેશને પોતાની વિવિધ માંગણીઓને લઈને ૨૫ અને ૨૬ મે (સોમવાર અને મંગળવાર) ના રોજ દેશભરમાં બે દિવસની હડતાળની દરખાસ્‍ત (પ્રસ્‍તાવ) મૂકી છે. આનાથી બેંકોની કામગીરી પર સીધી અસર પડી શકે છે.

ભારતના અલગ-અલગ રાજ્‍યોમાં બકરી ઇદનો તહેવાર અલગ-અલગ દિવસે ઉજવવામાં આવશે, જેના માટે આરબીઆઈ (RBI) એ બે દિવસની રજાઓ નક્કી કરી છે. દેશના મોટાભાગના ભાગોમાં ૨૭ મે ના રોજ બકરીદના કારણે SBI બંધ રહેશે, જ્‍યારે કેટલાક ભાગોમાં ૨૮ મે ના રોજ રજા રહેશે. વળી, જમ્‍મુ-કાશ્‍મીર કેન્‍દ્રશાસિત પ્રદેશમાં ૨૭ અને ૨૮ મે એમ બંને દિવસ બેંકો બંધ રહેશે.

ઓલ ઇન્‍ડિયા સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા સ્‍ટાફ ફેડરેશન (AISBISF) એ પોતાની ૧૬ માંગણીઓને લઈને હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળ કર્મચારીઓના અધિકારોની રક્ષા, કામ કરવાની વધુ સારી સ્‍થિતિ નક્કી કરવા અને ગ્રાહકોના હિતોને ધ્‍યાનમાં રાખીને બોલાવવામાં આવી છે.

આ હડતાળ વર્કમેન કેટેગરી (ક્‍લાર્ક અને અન્‍ય સ્‍ટાફ) ની છે, તેથી ચેક ક્‍લિયરિગ, કેશ કાઉન્‍ટર અને પાસબુક અપડેટ જેવા કામો ઠપ રહી શકે છે.

(3:03 PM IST)