News of Tuesday, 27th October 2026
વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું કાન પાસે પહેરવાનું ઉપકરણઃ દવા વગર કંટ્રોલમાં રહેશે બીપી
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આશાનું કિરણ ભારતમાં અંદાજે ૨૨ કરોડ લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાય છે અને ઘણા લોકોને પોતાની સ્થિતિ વિશે જાણ પણ હોતી નથી

નવી દિલ્હી,તા.૨૭: ભારતમાં અસંખ્ય લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે, જેમાંથી ઘણા લોકો ક્યારેય પોતાનું બ્લડ પ્રેશર તપાસતા નથી અને હોસ્પિટલ જતા નથી. પરિણામે, વસ્તીના એક મોટા ભાગને ખબર પણ ન પડે તે રીતે હાઈ બ્લડ પ્રેશર છે. તેમ છતાં, લેખિત રૂપથી ભારતમાં ૨૨ કરોડ પુખ્ત વયના લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. આનો અર્થ એ છે કે દેશમાં દર ચાર પુખ્ત વયના લોકોમાંથી એકને હાઈ બ્લડ પ્રેશર છે. આ લાખો વ્યક્તિઓ માટે, બ્લડ પ્રેશર ફક્ત દૈનિક દવા દ્વારા જ નિયંત્રણમાં રહે છે અને આકસ્મિક રીતે પણ ડોઝ ચૂકી જવાથી ગંભીર આફત આવી જાય છે. આ પડકારને ઓળખીને, વૈજ્ઞાનિકોએ એક નાનું ઉપકરણ વિકસાવ્યું છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે કાનની નજીક પહેરી શકાય છે. ક્લિનિકલ ટ્રાયલ્સના પ્રારંભિક પરિણામો પ્રોત્સાહક રહ્યા છે.
લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના સંશોધકએ એક ડિવાઈઝ વિકસાવ્યું છે. આ નાનકડું ડિવાઈઝ છે, આ ડિવાઈઝ ટ્રાન્સક્યુટેનીયસ ઓટોનોમિક ન્યુરોમોડ્યુલેશન નામની તકનીકનો ઉપયોગ કરે છે. તે હળવા વિદ્યુત પલ્સ ઉત્પન્ન કરે છે. જ્યારે કાનની નજીક મૂકવામાં આવે છે, ત્યારે તે એ ભાગની નસોમાં ખુબ સૌમ્ય અને સલામત વિદ્યુત સંકેતો પહોંચાડે છે. કાનના આ ભાગમાં શરીરની ઓટોનોમિક નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ચેતાઓ હોય છે. એક સિસ્ટમ જે અનૈચ્છિક શારીરિક કાર્યોને નિયંત્રિત કરે છે, જેમ કે સ્થિર ધબકારા જાળવવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા. જેમ જેમ આ હળવા વિદ્યુત સંકેતો ચેતાઓ દ્વારા મગજ અને ચેતાતંત્ર સુધી મુસાફરી કરે છે, તેમ તેમ તેઓ શરીરના બ્લડ પ્રેશર નિયમન પદ્ધતિને રીસેટ અથવા ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. આ ચેતાને શાંત કરે છે અને રક્ત વાહિનીઓની દિવાલો પર દબાણ ધીમે ધીમે ઘટાડે છે.
ઈયરફોન પહેરવાની જેમ જ, આ નાનકડી ક્લિપ કાનના બહારના ભાગમાં આવેલા 'ટ્રેગસ' પર લગાવી શકાય છે, જે કાનનો એક નાનો, બહારની તરફ ઉપસેલો ભાગ છે. તેને હાથમાં પકડી શકાય છે અને તેમાં બે નાની ક્લિપ્સ હોય છે, જે ખાસ કરીને ટ્રેગસ પર લગાવવા માટે બનાવવામાં આવ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, ટ્રેગસ એ કાનની નળીની બરાબર બહાર આવેલો માંસલ અથવા કાર્ટિલેઝ વાળો નાનો ભાગ છે. આ એ જ ભાગ છે જેને આપણે ઘણીવાર કાન બંધ કરતી વખતે દબાવતા હોઈએ છીએ. આ ઉપકરણ ટ્રેગસ પર ખૂબ જ સરળતાથી લગાવી શકાય છે, જાણે કે કોઈ નાની ક્લિપ કે ઈયરફોન હોય! દર્દીઓ ડોક્ટરની મદદ લીધા વિના, ઘરે જાતે જ આ ઉપકરણ લગાવી શકે છે.
ક્વીન મેરી યુનિવર્સિટીના સંશોધકોએ ૬૩ એવા દર્દીઓ પર આ ઉપકરણનું પરીક્ષણ કર્યું, જેમને ખૂબ ઊંચું બ્લડ પ્રેશર હતું અને તેઓ નિયમિત દવાઓ લઈ રહ્યા હતા. દર્દીઓને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા, એક જૂથને સક્રિય વિદ્યુત ઉત્તેજના (active electrical stimulation) આપવામાં આવી, જ્યારે બીજા જૂથને એક બનાવટી (પ્લેસિબો) ઉપકરણ આપવામાં આવ્યું. આ બંને જૂથોની સરખામણી કરીને સંશોધકો એ જાણી શક્યા કે શું આ ઉપકરણ પહેરવાથી બ્લડ પ્રેશરમાં ખરેખર કોઈ ફેરફાર થાય છે કે કેમ.
સહભાગીઓને શરૂઆતના બે અઠવાડિયા સુધી દરરોજ અડધા કલાક માટે આ ઉપકરણ પહેરવાની સૂચના આપવામાં આવી હતી, અને ત્યારબાદના ૧૦ અઠવાડિયા સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. સમગ્ર અભ્યાસ દરમિયાન આ ઉપકરણ અત્યંત સુરક્ષિત જણાયું, તેનાથી કોઈ ઈલેક્ટ્રિક શોક કે દુખાવો થયો નહીં અને દર્દીઓ કોઈપણ મુશ્કેલી વિના તેને સરળતાથી લગાવી શક્યા. અભ્યાસમાં જાણવા મળ્યું કે જે દર્દીઓનું બ્લડ પ્રેશર અગાઉ અનિયંત્રિત હતું, તેમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના ક્લિનિકલ રીડર અને મુખ્ય તપાસકર્તા ડો. અજય ગુપ્તાએ આ ઉપકરણને એક રોમાંચક આવિષ્કાર ગણાવ્યું અને નોંધ્યું કે દર્દીઓએ તેને ખૂબ જ સહજતાથી સ્વીકારી લીધું હતું. આ ટેક્રોલોજી ભવિષ્યમાં લાખો લોકો માટે એક સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવું સમાધાન બની શકે છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
