<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

દિલ્હીમાં કાળઝાળ ગરમીનું રૌદ્ર સ્વરૂપ: મયુર વિહારના સંજય તળાવમાં ઓક્સિજન ખૂટતાં સેંકડો માછલીઓના સામૂહિક મોત, પાણીની સપાટી પર તરતા મૃતદેહો જોઈ લોકો ધ્રૂજી ઉઠ્યા!

પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચતા જળચરો માટે કાળ સાબિત થઈ ગરમી: બુંદેલખંડમાં પણ આભમાંથી વરસી આગ, તરસથી બેભાન થઈને ઝાડ પરથી પટકાયેલા ચામાચીડિયાને વકીલોએ પાણી પાઈને જીવતદાન આપ્યું

નવી દિલ્હી, તા.૨૨: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો હાલમાં ભયાનક હીટવેવ (ગરમીના મોજા) ની ચપેટમાં છે, જ્યાં આકાશમાંથી વરસતી અગનજ્વાળાઓ માત્ર માણસો જ નહીં પરંતુ મૂંગા પશુ-પક્ષીઓ અને જળચર જીવો માટે પણ જીવલેણ સાબિત થઈ રહી છે. દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત કૃત્રિમ સંજય તળાવમાંથી એક અત્યંત હૃદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં તીવ્ર ગરમીના કારણે નાની-મોટી સેંકડો માછલીઓ અચાનક સામૂહિક રીતે મૃત્યુ પામી છે. તળાવની સપાટી પર ચારેય તરફ મરેલી માછલીઓ તરતી દેખાતા સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
પાણીનું સ્તર ઘટતાં તળાવ બન્યું ‘ડેથ ઝોન’
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં પારો સતત ૪૫ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યો છે, જેના કારણે છેલ્લા ૧૦ દિવસથી સંજય તળાવમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું હતું. પાણી ઓછું થવાને લીધે અને સૂર્યના પ્રચંડ તાપને કારણે તળાવનું પાણી ઉકળવા લાગ્યું હતું, જેનાથી પાણીમાં ઓક્સિજનની માત્રા નહિવત થઈ ગઈ હતી. આ જ કારણે આ શ્વાસ રૂંધાવાથી સેંકડો માછલીઓએ દમ તોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ગત ૨૧ મેના રોજ દિલ્હીમાં છેલ્લા ૧૪ વર્ષમાં મે મહિનાની સૌથી ગરમ રાત નોંધાઈ હતી, જેમાં સફદરજંગ હવામાન સ્ટેશન પર લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ એટલે કે ૩૧.૯°C નોંધાયું હતું, જે દર્શાવે છે કે હવે રાત્રે પણ કુદરત કોઈ રાહત નથી આપી રહી.
બુંદેલખંડમાં ગરમીથી ચામાચીડિયું પટકાયું, વકીલો બન્યા દેવદૂત
આવી જ એક કાળજું કંપાવનારી ઘટના ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાંથી પણ સામે આવી છે, જ્યાં હમીરપુર જિલ્લામાં તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. અહીં કોર્ટ પરિસરમાં ભારે ગરમી અને અસહ્ય તરસના કારણે ઝાડ પર ઊંધું લટકતું એક ચામાચીડિયું અચાનક ચક્કર ખાઈને બેભાન અવસ્થામાં જમીન પર પટકાયું હતું. આ જોઈને ત્યાં હાજર વકીલો અને લોકો ચોંકી ગયા હતા.
જોકે, વકીલોએ માનવતા દાખવીને તરત જ પોતાની પાણીની બોટલમાંથી તેના પર પાણીનો છંટકાવ કર્યો હતો. ગરમીથી તોબા પોકારી ગયેલા ચામાચીડિયાએ ધીમે-ધીમે વકીલોના હાથમાંથી પાણી ચાટવાનું શરૂ કર્યું હતું. થોડીવાર સુધી પાણી પીધા બાદ ચામાચીડિયાના શરીરમાં ફરી જીવ આવ્યો હતો અને તે ધીમે-ધીમે હલનચલન કરવા લાગ્યું હતું. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને પર્યાવરણવાદીઓએ અપીલ કરી છે કે આ આકરી ગરમીમાં લોકો પોતાના ઘરની બહાર પક્ષીઓ માટે પાણીના કુંડા અચૂક રાખે.

(3:25 PM IST)