News of Tuesday, 21st July 2026
મહાસંગ્રામનો બીજો તબક્કોઃ ઈરાન પર અમેરિકા તૂટી પડ્યું
૧૦મા દિવસે યુદ્ધે ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપઃ અમેરિકી બોમ્બમારા સામે ઈરાનનો પલટવારઃ કુવૈત અને લાલ સમુદ્રમાં ઘેરાબંધીથી વૈશ્વિક હાહાકાર : સિરિક, બંદર અબ્બાસ, ક્શેમ આઇલેન્ડ, ચાબહાર અને કોનારકની આસપાસ જોરદાર વિસ્ફોટો થતાં અફડાતફડી મચી

વોશિંગ્ટન, તા.૨૧: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો યુદ્ધનો જ્વાળામુખી હવે સમગ્ર મધ્ય પૂર્વને પોતાના લપેટામાં લઈ ચૂકયો છે. દસમા દિવસે પણ બંને દેશો આરપારના મૂડમાં છે અને હવાઈ હુમલાઓનો સિલસિલો વધુ હિંસક બન્યો છે. ઈરાનના સિરિક, બંદર અબ્બાસ, કેશ્મ ટાપુ અને ચાબહાર જેવા વ્યૂહાત્મક વિસ્તારો અમેરિકી બોમ્બમારાથી ધડાકાભેર ગુંજી ઉઠ્યા હતા. આ જ સમયે પશ્ચિમી ઇલામ પ્રાંતના અબદાનનમાં આવેલા એક મહત્વના સૈન્ય કમ્પાઉન્ડ પર ભયાનક વિસ્ફોટો થતાં અફરાતફરી મચી ગઈ છે. પોતાના ત્રણ સૈનિકોના મોતથી રોષે ભરાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મોટી કિંમત ચૂકવવાની આકરી ધમકી આપી છે. પરંતુ ઈરાન પણ શાંત બેસે તેમ નથી; તેણે કુવૈતના કેમ્પ આરિફજાન ખાતે સ્થિત યુએસ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પર સીધો જ હુમલો કરીને અમેરિકી દળોની કમર તોડવાનો દાવો કર્યો છે.
આ મહાયુદ્ધ વચ્ચે ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ એક નવો અને અત્યંત ખતરનાક મોરચો ખોલી દીધો છે. સાઉદી અરેબિયાના વેશમાં ઘૂસણખોરી કરી રહેલા હુથીઓએ લાલ સમુદ્રમાં નૌકાદળ નાકાબંધીની જાહેરાત કરીને વૈશ્વિક વેપારના માર્ગો રુદ્ધ કરી દીધા છે. બાબ અલ-મંડેબ સ્ટ્રેટ પર હુથીઓના કબજાથી સાઉદી અરેબિયાના તેલ નિકાસ પર સીધો અને મરણતોલ ફટકો પડ્યો છે. ઓમાનના દરિયાકાંઠે વધુ એક તેલ ટેન્કર પર થયેલા હુમલાએ આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર અને વૈશ્વિક સપ્લાય ચેઈનને મુશ્કેલીમાં મૂકી દીધી છે, જેના કારણે વિશ્વભરમાં તેલની અછત અને ભાવવધારાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
બીજી તરફ, યુદ્ધના મેદાનમાં યુએસ સૈનિકોની સ્થિતિ અંગે અમેરિકાની અંદર જ મોટા રાજકીય ધમાસાણના એંધાણ દેખાઈ રહ્યા છે. પેન્ટાગોનના -વક્તા સીન પાર્નેલે જણાવ્યું હતું કે ૭ જુલાઈથી અત્યાર સુધીમાં લગભગ ૧૦૦ અમેરિકી જવાનો ઘાયલ થયા છે, જેમાંથી મોટાભાગના ઈજાગ્રસ્તો ફરજ પર પરત ફર્યા છે. પરંતુ, મીડિયા અહેવાલો અને ન્યૂ યોર્ક ટાઈમ્સના સનસનાટીભર્યા દાવો મુજબ પેન્ટાગોન અમેરિકી સૈનિકોની ઈજાઓ અને વાસ્તવિક આંકડાઓ દુનિયાથી છુપાવી રહ્યું છે. સંરક્ષણ સચિવ પીટ હેગસેથ દ્વારા છેલ્લા અઢી મહિનાથી કોઈ પ્રેસ બ્રીફિંગ ન યોજાતા અને મૌન સેવતા અમેરિકી લશ્કરી વ્યૂહરચના અને ટ્રમ્પ પ્રશાસનની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
