News of Tuesday, 14th April 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની મંત્રણા ટૂંક સમયમાં : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન ફરી યજમાન બને તેવા આપ્યા સંકેત
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાની આર્મી ચીફ આસીમ મુનીરના મુક્તકંઠે વખાણ કર્યા, તેમને 'ફેન્ટાસ્ટિક' ગણાવ્યા : આગામી બે દિવસમાં મડાગાંઠ ઉકેલવા રાજદ્વારી ગતિવિધિઓ તેજ બનશે

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયાના યુદ્ધને રોકવા માટે ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સૂચક સંકેત આપ્યા છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે બીજા રાઉન્ડની મંત્રણા આગામી બે દિવસમાં શરૂ થઈ શકે છે. આ મંત્રણા માટે ટ્રમ્પે ફરી એકવાર પાકિસ્તાન પર પસંદગી ઉતારી છે અને આ પ્રક્રિયામાં પાકિસ્તાની સૈન્યના નેતૃત્વની ભૂમિકાની પ્રશંસા કરી છે.
આગામી બે દિવસ નિર્ણાયક:
ન્યૂયોર્ક પોસ્ટ સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, "આગામી બે દિવસ દરમિયાન કંઈક મહત્વનું બની શકે છે. અમે ફરીથી પાકિસ્તાન જઈ શકીએ છીએ." અગાઉ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયેલી મંત્રણાઓ અનિર્ણિત રહી હતી, પરંતુ ૨૨ એપ્રિલની યુદ્ધવિરામની મુદત પૂરી થાય તે પહેલા ટ્રમ્પ પ્રશાસન કોઈ નક્કર ઉકેલ લાવવા ઈચ્છે છે. ટ્રમ્પે અન્ય કોઈ ત્રીજા દેશમાં જવાને બદલે પાકિસ્તાન પર ભરોસો વ્યક્ત કર્યો છે.
પાક. આર્મી ચીફના ભરપેટ વખાણ:
ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસીમ મુનીરની રાજદ્વારી કુનેહના વખાણ કરતા તેમને 'ફેન્ટાસ્ટિક' ગણાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, "ફિલ્ડ માર્શલ ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે અને તેથી જ અમે ફરી ત્યાં જઈ રહ્યા છીએ. આપણે એવા કોઈ દેશમાં શા માટે જવું જોઈએ કે જેને આ મામલા સાથે કોઈ લેવાદેવા નથી?" ટ્રમ્પના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાની સૈન્ય નેતૃત્વ અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે મહત્વની કડી સાબિત થઈ રહ્યું છે.
શાંતિ મંત્રણા પર વિશ્વની મીટ:
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને ડામવા માટે આ બેઠક અત્યંત મહત્વની માનવામાં આવે છે. પ્રથમ રાઉન્ડની મંત્રણામાં કોઈ પરિણામ ન આવ્યા બાદ, હવે બીજા રાઉન્ડમાં શું રણનીતિ અપનાવવામાં આવે છે તેના પર સમગ્ર વિશ્વની નજર છે. જો આગામી ૪૮ કલાકમાં બંને દેશો કોઈ સમજૂતી પર પહોંચે છે, તો પ્રદેશમાં લાંબા ગાળાના યુદ્ધવિરામની આશા જાગશે. પાકિસ્તાન ફરી એકવાર આ વૈશ્વિક મંત્રણાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
