<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ધમકીભર્યા ઈમેલ બાદ દિલજીત દોસાંજના મુંબઈ કોન્સર્ટમાં ચાંપતી સુરક્ષા: 500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત

મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે પાંચેય ગેટ પર તપાસ, BDDS-ડોગ સ્ક્વોડ તૈનાત અને 500-700 મીટરનો વિસ્તાર 'નો-કાર ઝોન'; પોસ્ટર-ધ્વજ પર પ્રતિબંધ

મુંબઈ : અભિનેતા અને ગાયક દિલજીત દોસાંજના શુક્રવારે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે યોજાનારા કોન્સર્ટના સ્થળ તથા મેટ્રો સ્ટેશનો પર હુમલાની ચેતવણી આપતો ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે 500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ગુરુવારે 26/11ના હુમલાની વરસીના દિવસે મળેલા ધમકીભર્યા ઈમેલમાં મેયર ઓફિસ, મેટ્રો સ્ટેશનો અને કોન્સર્ટમાં વિસ્ફોટ, ગ્રેનેડ હુમલા તથા IED ગોઠવવાની ચીમકી અપાયા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

 

અધિકારીઓના જણાવ્યા અનુસાર 'હેન્ના મેલર' (Hannah Meler) નામે મોકલાયેલા ઈમેલમાં ખાલિસ્તાન અને 1984ના શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરતાં કાર્યક્રમ તથા સંકળાયેલા લોકો સામે હિંસાની ધમકી અપાઈ હતી, જેના પગલે 'બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ' (BDDS) દ્વારા સ્થળની તપાસ કરાઈ છે અને હવે ત્રણને બદલે તમામ પાંચેય ગેટ પર પ્રવેશ તપાસ થશે.

 

મુંબઈ પોલીસે સુરક્ષા માટે આશરે 200 કોન્સ્ટેબલ, 150 મહિલા કોન્સ્ટેબલ અને 75 અધિકારીઓની સાથે સાદા વેશમાં પોલીસકર્મીઓ, ડોગ સ્ક્વોડ, 'એન્ટી-નાર્કોટિક્સ સેલ' (ANC) તથા ખાનગી સુરક્ષાકર્મીઓને પણ તૈનાત કર્યા છે.

 

વાહનવ્યવહાર અને ભીડ વ્યવસ્થાપન માટે રેસકોર્સની આસપાસ 500થી 700 મીટરના વિસ્તારને 'નો-કાર ઝોન' જાહેર કરાયો છે અને સ્થળ પર પાર્કિંગની મંજૂરી અપાઈ નથી, જોકે હાલ કોઈ રસ્તા ડાયવર્ટ કરવાની જાહેરાત કરાઈ નથી.

 

સુરક્ષા પ્રોટોકોલ હેઠળ આયોજકોને ગાયકની હોટેલ કે આગમનના સમયની વિગતો જાહેર ન કરવાની સૂચના અપાઈ છે, તેમજ 'રૂપે ઓરા ઈન્ડિયા ટૂર 2026' હેઠળના આ કોન્સર્ટમાં પોસ્ટર, બેનર, સાઈનબોર્ડ કે ધ્વજ લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

ધમકીભર્યા ઈમેલની તપાસ અને કોન્સર્ટ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના સુચારુ અમલ પર પોલીસ તથા વહીવટીતંત્રની સતત નજર રહેશે.

(7:08 PM IST)