<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

જુઓ મહત્વના સમાચાર

ઈરાન અને તુર્કીના છૂપા ખેલ: આર્થિક પાબંદીઓ તોડવા માટે તુર્કી બન્યું ઈરાનનું સુરક્ષિત દ્વાર: ખાનગી જેટ વિમાનો દ્વારા રશિયા, તુર્કી અને ઈરાન વચ્ચે સોના અને રોકડની હેરાફેરી : અમેરિકા દ્વારા હોર્મુઝની સામુદ્રધુનીમાં નાકાબંધી કડક કરવામાં આવતા જ ઈરાને પોતાનો આર્થિક વહીવટ તુર્કી તરફ વાળ્યો છે. મળતા અહેવાલો મુજબ ઈરાન અત્યારે ક્રિપ્ટો, રોકડ રકમ, સોનું અને હવાલા નેટવર્કનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને નેવે મૂકી રહ્યું છે. ખાનગી જેટ વિમાનો દ્વારા રશિયા, તુર્કી અને ઈરાન વચ્ચે સોના અને રોકડની હેરાફેરી થઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે. ઈરાનનું તેલ વેચીને મળતા ચીની નાણાં પણ તુર્કીના રસ્તે ડોલરમાં ફેરવાઈ રહ્યા છે. એર્દોગાન સરકારની મીઠી નજર હેઠળ ઈરાન પોતાની આર્થિક વ્યવસ્થા ટકાવી રાખવા માટે તુર્કીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે.

*લેબનોન એરપોર્ટના સ્ક્રીન હેક થયા: નસરાલ્લાહ અને હિઝબુલ્લાહને ખુલ્લી ચેતવણી: દેશને યુદ્ધમાં ન હોમો: લેબનોનના રફિક હરીરી એરપોર્ટ પર લાગેલી ડિજિટલ સ્ક્રીનો હેક કરીને હિઝબુલ્લાહ વિરુદ્ધ ઉગ્ર સંદેશાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ સંદેશામાં સ્પષ્ટ જણાવાયું હતું કે એરપોર્ટ કોઈના બાપની જાગીર નથી અને હિઝબુલ્લાહ પોતાના હથિયારોની હેરફેર માટે આ જનસુવિધાનો ઉપયોગ કરવાનું બંધ કરે. લેબનોનના નાગરિકો વતી અપાયેલી આ ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે જો હસન નસરાલ્લાહ લેબનોનને યુદ્ધમાં ધકેલશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. 

*અને ઈરાન પર હુમલો કરતા અટક્યું અમેરિકા: ટ્રમ્પના સલાહકારોની છેલ્લી ઘડીની દરમિયાનગીરીથી જંગ ટળ્યો : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો નિષ્ફળ જતાં અમેરિકા ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલા કરવાની તૈયારીમાં જ હતું, પરંતુ ટ્રમ્પના નજીકના સિનિયર સલાહકારોએ તેમને છેલ્લી ઘડીએ રોક્યા હોવાના અહેવાલ વલ્લા ન્યૂઝ દ્વારા આપવામાં આવ્યા છે. ઈઝરાયેલના સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકા સૈન્ય કાર્યવાહી કરવા માટે મક્કમ હતું, પરંતુ રાજદ્વારી ઉકેલ માટે વધુ એક તક આપવાના હેતુથી આ નિર્ણય મોકૂફ રખાયો છે. બીજી તરફ ઈઝરાયેલના સૈન્ય અધિકારીઓ દબાણ કરી રહ્યા છે કે ઈરાનના રાષ્ટ્રીય માળખાકીય સુવિધાઓ પર સીધો પ્રહાર કરવો જ જોઈએ.

*હમાસના ભયાનક અમાનવીય અત્યાચારોનો પર્દાફાશ: સરાજાહેર  બળાત્કારના ૧૦ હજારથી વધુ પુરાવાઓ સાથેનો ચોંકાવનારો રિપોર્ટ જાહેર : સાતમી ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા આચરવામાં આવેલા  ભયાનક જાતીય ગુનાઓ અંગે સિવિલ કમિશન દ્વારા એક વિસ્તૃત રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દસ હજારથી વધુ એવા કિસ્સાઓ અને પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે જે હમાસની ક્રૂરતાનું વરવું પ્રદર્શન કરે છે. કેદમાં રહેલા બંધકો સાથે સામુહિક દુષ્કર્મ અને માનસિક ત્રાસના એવા કિસ્સાઓ વર્ણવવામાં આવ્યા છે જે સાંભળીને રૂંવાડા ઉભા થઈ જાય. યોસેફ હદાદ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલી આ વિગતોમાં જણાવાયું છે કે જ્યાં સુધી આ આતંકવાદી સંગઠનનો જડમૂળથી નાશ નહીં થાય ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે.

*ગ્રીનલેન્ડમાં ગરમાયું ગરમાગરમ રાજકારણ: અમેરિકા ત્રણ નવા સૈન્ય મથકો સ્થાપવા માટે ડેનમાર્ક સાથે મંત્રણામાં: અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે દક્ષિણ ગ્રીનલેન્ડમાં ત્રણ નવા સૈન્ય બેઝ સ્થાપવા માટે મહત્વની વાતચીત ચાલી રહી છે. આર્ક્ટિક વિસ્તારમાં રશિયા અને ચીનના વધતા પ્રભાવને રોકવા માટે અમેરિકા આ વ્યુહાત્મક પગલું ભરી રહ્યું હોવાનું મનાય છે. જો આ સમજૂતી પર મહોર લાગશે તો ઉત્તર એટલાન્ટિક ક્ષેત્રમાં અમેરિકાની સૈન્ય પકડ વધુ મજબૂત બનશે. ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત મહત્વના એવા ગ્રીનલેન્ડમાં નવી ચોકીઓ બનવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે શક્તિ સંતુલનમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે.

*જર્મનીમાં ભયાનક મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ: આઈસીઆઈસી સાથે જોડાયેલા સત્તર વર્ષના સીરિયન યુવાનની ધરપકડ: જર્મનીના હેમ્બર્ગમાં પોલીસે એક મોટી આતંકવાદી ઘટનાને બનતા પહેલા જ અટકાવી દીધી છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં સીરિયાના એક સત્તર વર્ષના કિશોરની ધરપકડ કરવામાં આવી છે જે ઇસ્લામિક સ્ટેટથી પ્રભાવિત હોવાનું અને મોટા પાયે હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જર્મન સુરક્ષા એજન્સીઓ અત્યારે આ યુવાનના અન્ય સાથીદારો અને તેના લોકલ નેટવર્કની તપાસ કરી રહી છે. યુરોપમાં વધી રહેલા કટ્ટરવાદને પગલે જર્મનીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(12:14 PM IST)