News of Sunday, 21st June 2026
ફિફા વર્લ્ડ કપમાં સેનેગલ ટીમનો મહાવિસ્ફોટ: ખરાબ ભોજન, ત્રીજા ગ્રેડની હોટલો અને પગાર વગર કામ કરતા કોચના કારણે ખેલાડીઓ બગડ્યા
ફૂટબોલના સૌથી મોટા મહાકુંભ વચ્ચે સેનેગલ ફેડરેશનની ગંભીર બેદરકારી આવી સામે : ફ્રાન્સ સામે શરમજનક હાર બાદ ખેલાડીઓએ બળવો કરતા નોર્વે સામેની આગામી મેચ પર સંકટના વાદળો

ન્યૂયોર્ક: ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં વિશ્વની સર્વશ્રેષ્ઠ ૩૨ ટીમો જ્યારે ટ્રોફી જીતવા માટે મેદાન પર લોહી-પાણી એક કરી રહી છે, ત્યારે આફ્રિકન સિંહ ગણાતી સેનેગલની ફૂટબોલ ટીમ મેદાનની બહાર એક આઘાતજનક મેનેજમેન્ટ કટોકટી અને આંતરિક ઉથલપાથલનો સામનો કરી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં વર્લ્ડ કપ રમી રહેલી સેનેગલની શિબિરમાંથી વહીવટીતંત્રની નબળી વ્યવસ્થાઓની એવી કડવી વાસ્તવિકતા સામે આવી છે, જેણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ જગતને સ્તબ્ધ કરી દીધું છે. ટૂર્નામેન્ટની મધ્યમાં ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ મૂળભૂત સુવિધાઓ માટે પણ વલખા મારી રહ્યા હોવાના અહેવાલોથી સેનેગલ ફૂટબોલ એસોસિએશનની આબરૂના ધજાગરા ઉડ્યા છે.
વર્લ્ડ કપ જેવા વૈશ્વિક મંચ પર દેશનું ગૌરવ વધારવા પહોંચેલા આ સ્ટાર ખેલાડીઓને હજુ સુધી ફેડરેશન તરફથી વચન આપેલું ઓફિશિયલ બોનસ ચૂકવવામાં આવ્યું નથી, જેના કારણે ખેલાડીઓમાં ભારે રોષ છે. આટલું ઓછું હોય તેમ, ટીમ માટે જે હોટેલ બુક કરવામાં આવી છે તે એકદમ સામાન્ય અને હલકી ગુણવત્તાની છે. તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે ખેલાડીઓને અપાતું કેટરિંગનું ભોજન એટલું નબળું છે કે ફિટનેસ જાળવવા માટે સિનિયર ખેલાડીઓએ પોતાના ખર્ચે બહારથી ખાવાનું મંગાવવું પડી રહ્યું છે. આ વિવાદનું મુખ્ય કારણ એ છે કે સેનેગલ સરકારે ટીમના ઓફિશિયલ ચીફ શેફ (રસોઈયા)ને યુએસ પ્રવાસ પર સાથે મોકલવાની મંજૂરી જ નહોતી આપી, જેના લીધે એથ્લેટ્સનો ડાયેટ ચાર્ટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
પરંતુ સૌથી મોટો અને ચોંકાવનારો ધડાકો ટીમના મુખ્ય કોચ પેપ થિયાવને લઈને થયો છે. અહેવાલો મુજબ, કોચ થિયાવ કોઈપણ સત્તાવાર કરાર કે પગાર લીધા વિના છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમને ટ્રેનિંગ આપી રહ્યા છે! ફેડરેશનની આ ગંભીર અને ગુનાહિત બેદરકારીની સીધી અસર મેદાન પર સેનેગલના પ્રદર્શન પર જોવા મળી છે, જ્યાં તેઓ પોતાની પ્રથમ જ મેચમાં ફ્રાન્સ સામે ૩-૧ થી ખરાબ રીતે હારી ગયા હતા. હવે ૨૩ જૂનના રોજ નોર્વે સામે તેમનો બીજો નિર્ણાયક મુકાબલો છે, ત્યારે જો સેનેગલ ફૂટબોલ ફેડરેશન આ વિવાદોનો તુરંત ઉકેલ નહીં લાવે, તો આ આફ્રિકન ટીમનું વર્લ્ડ કપમાંથી વહેલું પેકઅપ થઈ જશે તે નિશ્ચિત છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
