News of Wednesday, 27th May 2026
HDFC બેંક વિરુદ્ધ 45 કરોડના કથિત કૌભાંડનો સનસનીખેજ આરોપ: માર્કેટિંગ ખર્ચના નામે રકમની હેરાફેરી થયાની ચર્ચા, બેંકે ફગાવ્યા તમામ દાવા
MSRDC સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિની આશંકા: બેંકે કહ્યું કે અમારી આંતરિક ઓડિટ સિસ્ટમ પારદર્શક અને મજબૂત છે, ખોટા અહેવાલોથી છબી ખરડવાનો પ્રયાસ

મુંબઈ : દેશની સૌથી મોટી ખાનગી બેંક, HDFC બેંક, હાલમાં એક ગંભીર નાણાકીય વિવાદમાં સપડાઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બેંકના માર્કેટિંગ વિભાગ દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC) સાથે જોડાયેલા આશરે 45 કરોડ રૂપિયાના વ્યવહારોમાં મોટી ગેરરીતિ આચરવામાં આવી છે. આ અહેવાલો બાદ બેંકિંગ ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો છે. જોકે, બેંકે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
જાણવા મળ્યા મુજબ, નાણાકીય વર્ષ 2025 દરમિયાન બેંકના માર્કેટિંગ વિભાગના આંતરિક ઓડિટમાં કેટલાક વ્યવહારો શંકાસ્પદ જણાયા હતા, જેને કારણે ઓડિટ સમિતિએ 'આંતરિક તકેદારી તપાસ' શરૂ કરી હોવાના દાવા કરવામાં આવ્યા હતા. આરોપ છે કે જે નાણાં સીધી વ્યાજની ચૂકવણી તરીકે જમા થવા જોઈએ હતા, તેને 'માર્કેટિંગ ખર્ચ' તરીકે દર્શાવીને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ રકમને કથિત રીતે ચાર સ્થાનિક વિક્રેતાઓ મારફતે 'માર્ગ સલામતી જાગૃતિ અભિયાન'ના નામે દર્શાવવામાં આવી હતી, જે હવે તપાસનો વિષય બન્યો છે.
બેંકનો પલટવાર: "અમારી પ્રક્રિયાઓ અત્યંત મજબૂત છે"
પોતાની સ્પષ્ટતામાં HDFC બેંકે જણાવ્યું હતું કે, "બેંક પાસે ખૂબ જ મજબૂત આંતરિક દેખરેખ અને ઓડિટ સિસ્ટમ છે. કોઈપણ મુદ્દો હોય તો તે બેંકના સ્થાપિત ધોરણો અને પ્રક્રિયાઓ મુજબ જ ઉકેલવામાં આવે છે. પસંદગીયુક્ત અને અધૂરી માહિતીના આધારે બેંક પર દોષારોપણ કરવું તે સંપૂર્ણપણે ખોટું છે. અમે આવી પાયાવિહોણી ધારણાઓને સખત રીતે નકારીએ છીએ." બેંકનું કહેવું છે કે કોઈપણ આંતરિક સમીક્ષા બાદ લેવાયેલ નિર્ણય અગાઉ તમામ કાયદાકીય અને પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
ચર્ચાનો વિષય બનેલા 'વિભેદક વ્યાજ'ના આંકડા
મીડિયા રિપોર્ટ્સમાં એવી પણ વિગતો સામે આવી છે કે ઓડિટ દરમિયાન વ્યવહારોને 'વિભેદક વ્યાજ' (Differential Interest) તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જે થાપણો પર મળવાપાત્ર નિર્દિષ્ટ દર કરતાં વધુ હતા. મહારાષ્ટ્ર સરકારની એજન્સી MSRDC ના સંદર્ભમાં આટલી મોટી રકમની હેરાફેરીના સમાચાર આવતા જ શેરબજાર અને નાણાકીય વર્તુળોમાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. હાલમાં આ મામલે બેંક તરફથી કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જ્યારે આંતરિક ઓડિટના દસ્તાવેજો અંગેની ચર્ચાઓ યથાવત છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
