<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

કાનપુર હત્યાકાંડમાં સનસનાટીભર્યો ખુલાસો: અબજોપતિ સસરાની હત્યા થઈ રહી હતી ત્યારે જ પાર્ટીમાં બિંદાસ નાચી રહી હતી પુત્રવધૂ શાલુ, વીડિયો વાયરલ!

૬ લાખની સોપારી આપીને ફાર્મા ઉદ્યોગપતિ વિનીત મિનોચાનો કાંટો કાઢ્યો; રાક્ષસી ષડયંત્ર વચ્ચે શાલુના ડાન્સ વીડિયોથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી

કાનપુર : ઉત્તર પ્રદેશના કાનપુરમાં બહુચર્ચિત ફાર્માસ્યુટિકલ ઉદ્યોગપતિ વિનીત મિનોચા મર્ડર કેસમાં દરરોજ ચોંકાવનારા અને સનસનાટીભર્યા ખુલાસા થઈ રહ્યા છે. પોતાના જ સસરાની હત્યાનો માસ્ટરમાઇન્ડ પ્લાન ઘડનાર પુત્રવધૂ શાલુનો એક ડાન્સ વીડિયો સામે આવતાં જ ભયંકર વિવાદ સર્જાયો છે. પોલીસ તપાસમાં સામે આવેલા તથ્યો મુજબ, જ્યારે ઘરમાં કોન્ટ્રાક્ટ કિલરો વિનીત મિનોચાની અત્યંત નિષ્ઠુરતાથી હત્યા કરી રહ્યા હતા, ત્યારે કતલની માસ્ટરમાઇન્ડ પુત્રવધૂ શાલુ 'કોસ્મોજીન લાઉન્જ' ખાતે પોતાના મિત્રો સાથે મોજ-મસ્તીમાં ગરકાવ થઈને પાર્ટીમાં નાચી રહી હતી!

 

દરવાજાનું હેન્ડલ પકડીને ૯૧ મિનિટ સુધી રૂમમાં છુપાયા હતા કિલરો:

 

હત્યાકાંડની રાત્રે શાલુ રાત્રે ૯:૩૬ વાગ્યે પોતાના પતિ સુબ્રત અને પુત્ર સાથે જાણીજોઈને બહાર નીકળી ગઈ હતી. ત્યારબાદ શાલુ દ્વારા આપવામાં આવેલી ડુપ્લિકેટ ચાવીથી માત્ર ૮ મિનિટ પછી કોન્ટ્રાક્ટ કિલરો ફ્લેટમાં ઘૂસી ગયા હતા. કિલરો શાલુના બેડરૂમમાં અંધારું કરીને ૯૧ મિનિટ સુધી દરવાજાનું હેન્ડલ પકડીને છુપાઈ રહ્યા હતા, જેથી કોઈ બહારથી દરવાજો બંધ ન કરી દે. જ્યારે વિનીત મિનોચા રૂમમાં પ્રવેશ્યા અને લાઇટ ચાલુ કરી, ત્યારે કિલરો પર અચાનક તૂટી પડ્યા હતા અને તેમના પર છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા.

 

પ્લાન 'A' નિષ્ફળ જતાં લાગુ કર્યો લોહિયાળ પ્લાન 'B':

 

પોલીસ પૂછપરછમાં પકડાયેલા કોન્ટ્રાક્ટ કિલર વિશાલ ગૌતમે કબૂલાત કરી હતી કે તેમની પાસે હત્યા માટે બે અલગ-અલગ યોજનાઓ હતી. પ્લાન A નિષ્ફળ જતાં જ તેઓએ પ્લાન B હેઠળ વિનીત મિનોચાની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ વિનીતના ધબકારા તપાસીને હત્યારાઓ બાજુના પાર્કની દીવાલ કૂદીને ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શાલુ ફોન દ્વારા હત્યારાઓના સતત સંપર્કમાં રહીને તેમને માર્ગદર્શન આપી રહી હોવાની આશંકા છે.

 

૬ લાખની સોપારી આપીને રચ્યું હતું કારસો:

 

પોલીસના જણાવ્યા મુજબ શાલુએ પોતાના ઘરના જ એક પૂર્વ કર્મચારીને સસરાની હત્યા કરવા માટે ૬ લાખ રૂપિયાની સોપારી આપી હતી. શરૂઆતમાં પોલીસ સામે ઘાતક નાટક કરીને ધ્રુસકે ધ્રુસકે રડતી શાલુ આખરે કડક પૂછપરછમાં ભાંગી પડી હતી અને પોતાનો ગુનો કબૂલ્યો હતો. હાલમાં પોલીસે શાલુ અને એન્કાઉન્ટરમાં પકડાયેલા બંને કોન્ટ્રાક્ટ કિલરોને જેલ ભેગા કરી દીધા છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ્સ અને પાર્ટીની સમયરેખા એકત્ર કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે.

(7:57 PM IST)