<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટમાં સનસનાટીભર્યો ખુલાસો: CCTV ફૂટેજમાં ૧૦૫ વખત ચોરી થયાનું સાબિત

SIT ની તપાસ પૂર્ણતાના આરે: ૨૫ સપ્ટેમ્બર સુધીમાં ચાર્જશીટ દાખલ થશે: નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ રામ મિશન ટ્રસ્ટના પ્રથમ CEO તરીકે ચાર્જ સંભાળ્યો

અયોધ્યા:  અયોધ્યા સ્થિત વિશ્વપ્રસિદ્ધ રામ મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવેલા દાન અને પ્રસાદની ચોરી સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના તપાસ અહેવાલમાં સનસનાટીભર્યા ખુલાસા થયા છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલતને સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે સીસીટીવી  ફૂટેજના વિશ્લેષણથી સ્પષ્ટ થયું છે કે રામ મંદિરમાં ૧૦૫ વખત દાનની ઉચાપત અને ચોરી આચરવામાં આવી છે.

SIT ની તપાસ પ્રગતિનો અહેવાલ રજૂ કરતાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે તપાસ દરમિયાન અત્યાર સુધી એકત્ર કરાયેલા સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી ફૂટેજ તેમજ અટકાયત કરાયેલા લોકો અંગેના તમામ મજબૂત પુરાવા સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરી દેવાયા છે. તપાસ અહેવાલમાં જણાવાયું છે કે મંદિરની કિંમતી વસ્તુઓની રસીદો ખાસ સોફ્ટવેર વડે જનરેટ કરવામાં આવે છે અને તેને એસબીઆઈ ના સ્ટેટ બેંક લોકરમાં સંગ્રહિત કરવામાં આવે છે.

સોલિસિટર જનરલે જણાવ્યું કે SIT ની તપાસ લગભગ પૂરી થઈ ગઈ છે અને ૨૫ સપ્ટેમ્બર સુધીમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે આ મામલો પોતાની પાસે રાખવા માંગતી નથી, પરંતુ સેશન્સ કોર્ટના ન્યાયાધીશને કાયદા અનુસાર ચાર્જશીટ પર યોગ્ય નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે.

બીજી તરફ, રામ મંદિરના સંચાલન અને વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ' ના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી  તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ સોમવારે ઔપચારિક રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. ૬૨ વર્ષીય મિશ્રાએ સોમવારે સવારે રામ મંદિરમાં દર્શન-પૂજન કર્યા બાદ પરિસરમાં બનેલી નવી ઓફિસમાં પદભાર ગ્રહણ કર્યો હતો.

દ્વારા દાન-પ્રસાદની ચોરીના આરોપો સામે આવ્યા બાદ વહીવટી પુનર્ગઠનના ભાગરૂપે ૨ સપ્ટેમ્બરે મિશ્રાની પસંદગી કરાઈ હતી. આ મહત્વપૂર્ણ પદ માટે દેશભરમાંથી ૫,૫૮૫ અરજીઓ આવી હતી. બહુ-તબક્કાની પસંદગી પ્રક્રિયા બાદ ૧૧ અને ૧૨ ઓગસ્ટે ૧૬ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જેમાંથી એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની આ પદ માટે આખરી પસંદગી કરવામાં આવી હતી.

(11:43 PM IST)