<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

પ્રારંભમાં સેન્‍સેક્‍સ ૪૬૦ અને નિફટી ૧૫૦ પોઈન્‍ટ તૂટયોઃ ખાડી દેશોના તણાવથી શેરબજારમાં ઉથલપાથલ

ચાંદીમાં ઐતિહાસિક તેજી, ભાવ ૨,૬૦,૦૦૦ ને પાર અને સોનામાં પણ ભડકો

મુંબઈ, તા.૮: વૈશ્વિક બજારોમાં પ્રવર્તતી ભારે અસ્‍થિરતા અને અમેરિકા-ઈરાન વચ્‍ચેના વધતા ભૌગોલિક તણાવની સીધી અસર આજે ભારતીય બજારો પર જોવા મળી રહી છે. મધ્‍ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વાગતા સુરક્ષિત રોકાણ તરફ રોકાણકારોની આંધળી દોટને પગલે બુલિયન માર્કેટમાં ઐતિહાસિક તેજીનો માહોલ છે, જ્‍યારે શેરબજારમાં ભારે ગભરાટ અને મોટો કડાકો નોંધાયો છે.

એમસીએક્‍સ વાયદા બજારમાં ચાંદી સતત ચોથા દિવસે ઉછળીને નવા વિક્રમી સ્‍તરે પહોંચી છે. જુલાઈ ૨૦૨૬ ના વાયદામાં ચાંદી આજે ૨૦૬૦ રૂપિયા એટલે કે ૦.૮૦ ટકાના ઉછાળા સાથે ૨,૬૦,૬૦૦ ના ઐતિહાસિક સ્‍તરે ટ્રેડ થઈ રહી છે. ગઈકાલે દિવસ દરમિયાન ચાંદી ૨,૬૧,૮૧૧ ની સર્વોચ્‍ચ સપાટીને સ્‍પર્શી હતી, જ્‍યારે નીચી સપાટી ૨,૫૯,૯૯૯ રહી હતી.

ગઈકાલના ૨,૫૮,૫૪૦ ના બંધ સામે આજે બજાર મજબૂતીથી ખુલ્‍યું હતું. આંતરરાષ્‍ટ્રીય બજારોના આંકડા મુજબ ઔદ્યોગિક માંગ અને ખાસ કરીને સોલાર પેનલ સેક્‍ટરમાં વધતી ખપત પણ ચાંદીને બળ આપી રહી છે.

બીજી તરફ જૂન ૨૦૨૬ ના વાયદા મુજબ સોનાના ભાવમાં પણ ૪૭૧ રૂપિયા એટલે કે ૦.૩૧ ટકાનો વધારો નોંધાયો છે. સોનું ઐતિહાસિક રીતે ૧,૫૨,૭૩૨ ના સ્‍તરે ટ્રેડ કરી રહ્યું છે. સોનામાં આજે ૧,૫૩,૧૦૩ ની ઊંચી અને ૧,૫૨,૬૭૨ ની નીચી સપાટી જોવા મળી હતી.

સોના-ચાંદીની આ ચમક વચ્‍ચે શેરબજારોમાં આજે માતમ છવાયો છે. ખાડી દેશોમાં અમેરિકી સૈન્‍ય કાર્યવાહી અને ઈરાનના વળતા પ્રહારના અહેવાલોથી ગભરાયેલા રોકાણકારોએ મોટા પાયે વેચવાલી કાઢી છે.

સવારે પ્રારંભમાં જ સેન્‍સેક્‍સ ૪૬૦ થી વધુ પોઈન્‍ટ તૂટીને ૭૭૩૬૦ ની સપાટીએ પટકાયો છે, જ્‍યારે નિફ્‌ટીમાં પણ ૧૫૦ થી વધુ પોઈન્‍ટનો કડાકો બોલતા તે ૨૪૧૭૩ ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

આર્થિક અને સંરક્ષણ નિષ્‍ણાતોના અહેવાલો સ્‍પષ્ટપણે માને છે કે જો મધ્‍ય પૂર્વમાં યુદ્ધની સ્‍થિતિ વધુ વણસશે તો વિદેશી રોકાણકારો વધુ મૂડી પાછી ખેંચશે, જેનાથી શેરબજાર હજુ વધુ તૂટી શકે છે અને કિંમતી ધાતુઓના ભાવ અકલ્‍પનીય સપાટીએ પહોંચી શકે છે. 

 

(10:55 AM IST)