<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

દેશની તમામ અદાલતોમાં મહિલા વકીલો માટે અલગ ‘બાર રૂમ’ અને યુવા વકીલોને નાણાકીય સહાય આપવા સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક પ્રસ્તાવ

બંધારણની કલમ ૨૧ હેઠળ મહિલાઓ માટે પાયાની સુવિધાઓ આપવી એ સન્માનપૂર્વક જીવવાનો અધિકાર : આર્થિક ભીંસના કારણે પ્રતિભાશાળી યુવા વકીલો પ્રેક્ટિસ છોડી દેતા હોવા અંગે સર્વોચ્ચ અદાલતની ગંભીર ચિંતા

 નવી દિલ્હી:  દેશની વિવિધ અદાલતોમાં મહિલા વકીલો માટે પૂરતી સુવિધાઓ ધરાવતા અલગ ‘બાર રૂમ’ ની ગેરહાજરી અંગે ગંભીર નોંધ લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે કાયદાકીય વ્યવસાયના પ્રારંભિક વર્ષોમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા યુવા એડવોકેટ્સને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક વિશેષ ફંડ સ્થાપવાનો પણ સુઝાવ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યા કાંત અને જસ્ટિસ વી મોહનાની ખંડપીઠ દેશભરની મહિલા વકીલોના એક જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં કાયદાકીય વ્યવસાયમાં મહિલા વકીલોની સુલભતા, સર્વસમાવેશકતા અને લાંબા ગાળાની સ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

 

  પાયાની સુવિધાઓનો અભાવ માત્ર સગવડતાનો નહીં, પરંતુ ગરિમાનો વિષય છે:

અરજીકર્તાઓએ દેશની મોટાભાગની અદાલતો, ટ્રિબ્યુનલો અને કમિશનોમાં મહિલા વકીલો માટે યોગ્ય સુવિધાયુક્ત બાર રૂમ અને અન્ય આવશ્યક સુવિધાઓના અભાવ તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. મહિલા વકીલો વચ્ચે વહેંચવામાં આવેલા એક વિગતવાર સર્વેક્ષણ અને અદાલતી પરિસરોની પ્રત્યક્ષ મુલાકાતોના ડેટા ટાંકીને જણાવાયું હતું કે, મોટાભાગના કોર્ટ સંકુલમાં કાં તો મહિલાઓ માટે અલગ બાર રૂમ નથી અથવા જ્યાં છે ત્યાં બેસવાની યોગ્ય વ્યવસ્થા, સ્વચ્છ શૌચાલય, ચેન્જિંગ રૂમ અને નર્સિંગ સુવિધા જેવી પાયાની સગવડોનો ભારે અભાવ છે.

 

સુપ્રીમ કોર્ટે આ અંગે અવલોકન કર્યું હતું કે આ ફરિયાદને માત્ર સામાન્ય સગવડતાનો મામલો ગણીને નકારી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે દાયકાઓથી કાયદાકીય ક્ષેત્રે મહિલાઓનો પ્રવેશ વધ્યો છે તે માત્ર ઉજવણીનો વિષય નથી, પરંતુ તેઓ સુરક્ષિત, અસરકારક અને સમાન શરતો પર પોતાની ફરજો બજાવી શકે તેવું વાતાવરણ પૂરું પાડવું અનિવાર્ય છે. આવી સુવિધાઓ આપવી એ પ્રાથમિક દ્રષ્ટિએ ભારતીય બંધારણની કલમ ૨૧ હેઠળ ગૌરવપૂર્ણ જીવન જીવવા અને કામ કરવાના અધિકાર સાથે સીધો સંબંધ ધરાવે છે.

 

  યુવા વકીલો માટે ‘પ્રોફેશનલ આસિસ્ટન્સ ફંડ’ બનાવવાની ભલામણ:

બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, નવા વકીલો દ્વારા સામનો કરવામાં આવતી આર્થિક તંગી એ જેન્ડર-ન્યુટ્રલ (બંને પક્ષે સમાન) બાબત છે અને તે એટલી જ ગંભીર વિચારણાને પાત્ર છે. કોર્ટે નોંધ્યું કે પ્રથમ પેઢીના વકીલ (જેમના પરિવારમાં કોઈ વકીલ નથી) જ્યારે બારમાં પ્રવેશે છે ત્યારે તેમને વારસામાં કોઈ ઓફિસ, લાઈબ્રેરી, સ્થિર અસીલો કે પૂર્વનિર્ધારિત આવક મળતી નથી. ઘણા જુનિયર વકીલો સિનિયરોના નજીવા સ્ટાઈપેન્ડ પર નિર્ભર રહે છે જે મૂળભૂત જીવનનિર્વાહ માટે પણ અપૂરતું હોય છે. આ આર્થિક કટોકટીના કારણે સક્ષમ યુવા વકીલો પ્રેક્ટિસ છોડી દેવા મજબૂર બને છે, જેનાથી કાયદાકીય ક્ષેત્રે પ્રતિભાઓનો મોટો વ્યય (બ્રેઈન ડ્રેઈન) થાય છે.

 

આ સમસ્યાના ઉકેલ માટે કોર્ટે સંબંધિત હાઈકોર્ટ અથવા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ગઠિત સ્વાયત્ત સંસ્થાના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ ‘યંગ લોયર્સ પ્રોફેશનલ આસિસ્ટન્સ ફંડ’ સ્થાપવાનો સુઝાવ આપ્યો છે. આ ફંડિંગ માટે એક નવો કાયદો બનાવવાની દરખાસ્ત કરાઈ છે, જેમાં સફળ સિનિયર વકીલો દ્વારા વ્યવસ્થિત દાન, કોર્ટ ફીનો એક હિસ્સો અને અદાલતી કાર્યવાહી દરમિયાન લાદવામાં આવતા દંડ કે ખર્ચ (કોસ્ટ) ની રકમ આ ફંડમાં જમા કરવામાં આવે. આવા દાનને પ્રોત્સાહિત કરવા માટે ટેક્સ મુક્તિ (કર મુક્તિ) અથવા રાષ્ટ્રીય પુરસ્કારો આપવાની પણ વાત મૂકવામાં આવી છે.

 

  પ્રથમ ૩ વર્ષ આર્થિક સહાય મળશે, બાદમાં હપ્તાવાર પરત કરવાનો નિયમ:

કોર્ટે પ્રસ્તાવ મૂક્યો છે કે આ ફંડનો ઉપયોગ પ્રથમ પેઢીના અથવા આર્થિક રીતે નબળા યુવા વકીલોને માસિક સ્ટાઈપેન્ડ આપવા માટે થવો જોઈએ, જેઓ આ સ્ટાઈપેન્ડના બદલામાં સિનિયર વકીલો સાથે એસોસિએટ તરીકે સેવાઓ આપશે. આ સહાય પ્રેક્ટિસના પ્રથમ ૩ વર્ષ સુધી મૂળભૂત આજીવિકા આવરી લે તેટલી હોવી જોઈએ અને ત્યારબાદ તે પ્રમાણસર ઘટીને ૬ થી ૭ વર્ષ પછી સંપૂર્ણપણે બંધ થઈ જવી જોઈએ, કારણ કે ત્યાં સુધીમાં વકીલ સામાન્ય રીતે આત્મનિર્ભર બની જાય છે. કોર્ટે એવું પણ સૂચન કર્યું છે કે ભવિષ્યની પેઢીઓ માટે આ ફંડ કાયમી ધોરણે સક્રિય રહે તે માટે લાભાર્થીઓ વકીલાતમાં સ્થિર થયા બાદ આ રકમ માસિક હપ્તામાં ફંડને પરત કરે તેવી સિસ્ટમ ગોઠવવી જોઈએ.

 

અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે આ અવલોકનો માત્ર કામચલાઉ અને ઉદાહરણરૂપ છે, જેનો હેતુ હિતધારકોના વિકલ્પોને મર્યાદિત કરવાનો નથી. સર્વોચ્ચ અદાલતે આ મામલે તમામ પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે અને ભારતના એટર્ની જનરલ સહિત રાજ્યોના એડવોકેટ જનરલ અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્ટેન્ડિંગ કાઉન્સિલને આગામી સુનાવણીમાં હાજર રહી કોર્ટને સહાય કરવા વિનંતી કરી છે.

(1:35 PM IST)